Gujarat

ગુજરાતને અપમાનિત કરતાં તત્વો સામે લાલ આંખ કરવાનો સમય પાકી ગયો છે : મોદી

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ જૂનાગઢ (Junagadh) ખાતેથી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનાં રૂ.4155.17 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યા હતા. પીએમ મોદીએ જુનાગઢમાં તેમના પ્રવચન દરમ્યાન છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતને (Gujarat) અપમાનિત કરતાં લોકો સામે લાલ આંખ કરવાનો સમય પાકી ગયો હોવાનું આહ્વન કર્યુ હતું.

પીએમ મોદીએ જય ગિરનારી સાથે સંબોધન કરતાં કહ્યું હતું કે, એક જમાનો હતો આખા ગુજરાતનું 12 મહિનાનું કુલ બજેટ જેટલું હોય તેના કરતા વઘારે લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમો આજે એક દિવસમાં એક પ્રવાસમાં ગુજરાતની ધરતી પર કરી શકુ છું તે આપના આશિર્વાદ છે. ગુજરાતની ધન્ય ઘરા પર્યટનની રાજધાની બને તેવી તાકાત જૂનાગઢ,ગીરસોમનાથ અને પોરબંદરની છે. ગુજરાત છોડયા પછી અમારી ટીમે જે રીતે ગુજરાત સંભાળ્યુ છે તેનાથી બીજો રૂડો આનંદ કોઇ જ ન હોય આજે ગુજરાત વિકાસની ઉચાઇ પર છે. ભાજપની ગુજરાતમાં સરકાર બની તે પહેલા ગુજરાતમાં કેવા દિવસો હતા તે અહીંના વડિલો જાણે છે કે 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ હોય,પાણીના વલખા હોય પરંતુ ગુજરાતની જનતાએ ભાજપ સરકાર સાથે મળી જે પ્રયાસ કર્યા છે કે 2002 પછી એક વર્ષ દુકાળ નથી. એક જમાનો હતો કે મા નર્મદાના દર્શન કરવા લોકો બસ લઇ જતા હતા અને આજે સમય બદલાયો ને સૌરાષ્ટ્રના ગામડે ગામડે મા નર્મદા પોતે આશિર્વાદ આપે છે.

મોદીએ કહ્યું હતું કે જૂનાગઢની કેસર કેરીએ તો ભારતમાં જ નહીં દુનિયામાં મીઠાસ પ્રસારીત કરી છે. ગુજરાત પાસે મોટો દરિયા કિનારો છે. ભૂતકાળમાં આ દરિયો બોજ લાગતો હતો સમય બદલાયો અને આ દરિયો આજે આપણને મહેનતના ફળ આપે છે. કચ્છની ઘૂળની ડમરીઓ પહેલા મુસીબત લઇને આવતી આજે ગુજરાતના વિકાસની ધૂરા સંભળી રહ્યુ હોય તેમ લાગે છે. ગુજરાતના 20 થી 25 વર્ષના જૂવાનિયાઓને કલ્પના નહીં હોય કે તેમના વડિલોએ કેવી મુસીબત વેઠી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે 20 વર્ષમાં માછલીનું એક્સપોર્ટ દુનિયામાં સાત ગણુ વઘી ગયું છે. છેલ્લા 8 વર્ષમાં ડબલ એન્જિનનો ડબલ લાભ ગુજરાતના દરિયા કાંઠાને મળે છે. માછલી, સી ફુડનો વેપાર વધ્યો છે.

ભાજપ સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતમાં 2 હજાર રૂપિયા જમા કરાવ્યા અત્યાર સુઘીમાં જેટલા હપ્તા આપ્યા છે તેમાં કુલ રકમ 2 લાખ 16 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે. ગુજરાતમાં બહેનોને અનેક મુસીબતોથી મુક્તિ અપાવી છે જેમાં ઉજ્જવલા યોજના થી ગેસ પહોંચાડયા, નળ સે જળ યોજના અંતર્ગત પીવાનું શુદ્ધ પાણી મળે છે. હવે નવી શિક્ષણ નીતિ લાગુ થઇ છે જેનાથી મેડિકલ, એન્જિનયરિંગનો માતૃભાષામાં અભ્યાસ કરી શકશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ગીરનારમાં પહેલાની સરકાર રોપ- વેના કામો નહોતી કરી શકી આજે આપણી ભાજપની સરકારે ગીરનારમાં રોપ- વે લાવી દીધો છે. આજે એશિયાનો સૌથી મોટો રોપવે ગીરનારમાં છે. કેશોદના એરપોર્ટને મોટુ કરવા સુચન કર્યુ છે. આજે દેશ અને દુનિયાના લોકો આપણા ગીરના સિંહોની ગર્જના સાંભળવા આવે છે. ગીરના સિંહની ગર્જના સાંભળીને ગુજરાતની ગર્જના કાને પડે છે. આજે 20 વર્ષમાં ગીરના સિંહોની સંખ્યા ડબલ કરી છે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના કોઇ ખૂણેથી કોઇ આપણો ભાઇ-બહેન કોઇ મોટું કામ કરે તો આપણને ગર્વ થાય કે નહી પણ છેલ્લા 2 દાયકાથી વિકૃત માનસિકતા વાળા લોકો અલગ વિચાર કરે છે. ગુજરાતનો કોઇ વ્યકિત પ્રગતિ કરે તો તેના પેટમાં ઉદરંડા દોડે છે. ગુજરાતને બેફામ ભાષાનો પ્રયોગ કરી અપમાનીત કરે છે. કેટલાક રાજકીય પક્ષોની ગુજરાતને બેફામ ગાળો આપ્યા વિના રાજનૈતિક વિચારધારા અધુરી રહે છે. આની સામે ગુજરાતે લાલ આંખ કરવાની જરૂર છે. ગુજરાતને બદનામ કરનાર રાજકીય પાર્ટીઓને ગુજરાત સહન નહીં કરે તે આ ધરતી પરથી કહી રહ્યો છું. દેશમાં કોઇનું અપમાન સહન ન થાય. નિરાશા ફેલાવનારા લોકો તેમની નિરાશા ગુજરાતના મન પર થોપી રહ્યા છે તેનાથી ગુજરાતે ચેતવાની જરૂર છે ગુજરાતની એકતા એ ગુજરાતની તાકાત છે. આવો એકતાને જાળવી વિકાસના કાર્યોને જાળવી રાખીએ અને નવા વર્ષે નવા સંકલ્પ સાથે આગળ વધીએ તેવી મારી શુભકામનાઓ છે.

સીએમ ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આદરેલા જનસેવા યજ્ઞને કુદરતની અસીમ કૃપા પ્રાપ્ત થઇ અને ગુજરાતમાં સારો વરસાદ પડે છે. પીએમ મોદી વર્ષ 2001માં ભૂકંપમાં તારાજ થયેલા ગુજરાતને વિકાસના માર્ગે ગતિમાન કર્યુ હતું. તે પછી દરેક ક્ષેત્રે આજે ગુજરાતમાં વિકાસ થઇ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે વિકાસની યાત્રાને હજી નવી ઉંચાઇ પર લઇ જવાની છે.

Most Popular

To Top