Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસરો, કુલપતિ વિદ્યાર્થીઓના તોફાનોથી ત્રાસી ગયા છે. વાત એટલી હદે વણસી છે કે ખુદ વીર નર્મદ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવી છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા માટે પોલીસમાં અરજી કરી છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ બેફામ બન્યા છે. અહીં વિદ્યાર્થીઓ દારૂ, માદક નશીલા પદાર્થોનું સેવન કરી આવે છે. સીસીટીવી તોડી નાંખે છે. યુનિવર્સિટીના કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવે છે. થોડા સમય પહેલાં જ આવો વીડિયો વાયરલ થયો હતો.

વિદ્યાર્થીઓના આવા તોફાનથી યુનિવર્સિટી હેરાન થઈ ગઈ છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સબક શીખવવા પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું છે. યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.

આ મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે, ગણેશ ઉત્સવના માહોલમાં અલગ અલગ ફરિયાદો મળી છે. કેટલાંક વિદ્યાર્થીઓ રિલ બનાવવા યુનિવર્સિટીના કેમ્પસમાં, હોસ્ટેલ નજીક સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડી રહ્યાં છે. વેસુ પોલીસને અરજી કરી તપાસ માટે વિનંતી કરી છે. હજુ સુધી ડ્રગ્સ અંગેના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ પોલીસને આ દિશામાં તપાસ કરવા જાણ કરી છે.

પોલીસને કરાયેલી અરજીમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે લખ્યું છે કે ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે આયોજન કરવા વિદ્યાર્થીઓને મંજૂરી અપાઈ હતી, પરંતુ એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવી ભયનું વાતાવરણ ઉભું કરવા પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓનું વર્તન જોતા તેઓએ નશાકારક પદાર્થનું સેવન કર્યું હોવાની આશંકા છે. તેવી ચર્ચા પણ છે, તેથી પોલીસને વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા વિનંતી કરાઈ છે.

નોંધનીય છે કે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ચાર અરજી કરાઈ છે, જેમાં ડ્રગ્સ ટેસ્ટ, સીસીટીવી કેમેરા તોડવા, ગણેશ ઉત્સવના આયોજનમાં પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ તેમજ કેમ્પસમાં કારના બોનેટ પર બેસી રિલ બનાવવા જેવા કૃત્યો વિશે ફરિયાદ કરાઈ છે.

To Top