Top News

More Posts

   The Latest

Most Popular

શહેર ભાજપના નેતાઓના વધી રહ્યો છે અહમનો ટકરાવ,
સરદાર એસ્ટેટ નવીન પંપિંગ સ્ટેશન અને રાજીવ નગર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તૈયાર થતા વરસાદી કાંસની કામગીરીના નિરીક્ષણ વેળાએ મનિષાબેન વકીલે સ્થાનિક નગરસેવકોની અવગણના કરી

વડોદરા: વડોદરામાં ભાજપના નેતાઓમાં આજકાલ અહમના ટકરાવની સીઝન ચાલી રહી છે. એકમેકને કાપવાના અને નીચા દેખાડવાના કોઈ પ્રયાસો આ નેતાઓ બાકી રાખતા નથી. અત્યાર સુધી મહાનગરપાલિકાના પદાધિકારીઓ સુધી સીમિત રહેલો આ રોગ હવે ધારાસભ્ય સુધી પહોંચ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કોર્પોરેશનના ખર્ચે સરદાર એસ્ટેટ નવીન પંપિંગ સ્ટેશન અને રાજીવ નગર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે નવા તૈયાર થતા વરસાદી કાંસની કામગીરીનું નિરીક્ષણ કરવા શહેર વાડીના ધારાસભ્ય મનીષા વકીલ ગઈકાલે ગયા હતા. પરંતુ શહેર વાડી વિધાનસભાના મત વિસ્તારના વોર્ડના કોર્પોરેટરોને સાથે રાખવામાં નહિ આવતા ફરી એકવાર કોર્પોરેટરોની થતી અવગણના અંગે વિવાદ સર્જાયો છે.
કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીની સમીક્ષા માટે ચાર ઝોનમાં મુલાકાત લેવાની શરૂઆત કરતા તેમણે પ્રણાલિકા મુજબ કોઈ કોર્પોરેટરને સાથે નહીં રાખતા તેમના વિસ્તારમાં ડેપ્યુટી મેયર ગંદા પાણીના પ્રશ્ન પહોંચી ગયા હતા. ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષને બોલાવવામાં આવ્યા નહીં અને તે વિસ્તારના મહિલા કાઉન્સિલરને સાથે રાખવામાં આવ્યા હતા જેથી વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ગઈકાલે દક્ષિણ વિસ્તારમાં મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પ્રિમોન્સૂનની કામગીરીનું નિરીક્ષણ કરવા વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખવામાં નહીં આવતા વિવાદ સર્જાયો હતો અને દંડક સહિત કેટલાક કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો. જેથી ભાજપની જૂથબંધી ફરી એકવાર જાહેરમાં આવી હતી.
દરમિયાનમા ગઈકાલે શહેર વાડી વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલે રાજ્ય સરકારની સહાયથી સરદાર એસ્ટેટ પાસે શરૂ થયેલા નવા એપીએસ અને રાજીવ નગર સુએઝ ટ્રીટમેન્ટમાં તૈયાર થતાં વરસાદી કાંસની કામગીરી નિહાળી હતી. આ વિકાસના કામને કારણે પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાના પ્રશ્નોનો ઉકેલ આવશે તેવી જાણકારી તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર મૂકવામાં આવી હતી. ત્યારે તેમની સાથે તેમના માનીતા માત્ર એક જ કોર્પોરેટર મુલાકાતમાં સાથે લીધા હતા. તેમણે પણ જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક વોર્ડના કોર્પોરેટરોને બોલાવવામાં આવ્યાં નહિ. જેથી કોર્પોરેટરોમાં નારાજગી વ્યાપી છે
ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શહેર ભાજપમાં મોટા પાયે ધડાકા થવાની સંભાવના નકારી શકાતી નથી.

To Top