What’s Hot

More Posts

   The Latest

Most Popular

દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે રવિવારે અંધાધૂંધ ગોળીબારની ઘટના બની. આ ભયાનક હુમલામાં 3 બાળકો સહિત કુલ 11 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકોને ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ છે. પોલીસના જણાવ્યા મુજબ ગોળીબાર બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા અને હાલ સુધી કોઈની ધરપકડ કરવામાં થઈ નથી.

ગૌટેંગ પ્રાંતીય પોલીસના પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે “હાલમાં અમારી પાસે હુમલાખોરો વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. હુમલાનો હેતુ પણ હજુ સુધી સ્પષ્ટ થયો નથી.” તેમણે જણાવ્યું કે ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર આ ગોળીબાર દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી સોનાની ખાણોમાંથી એકની નજીક સ્થિત દારૂની દુકાન પાસે થયો હતો. આ સ્થળે ગેરકાયદેસર દારૂ પણ વેચાઈ રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે હુમલાખોરોએ રસ્તા પર ચાલતા નિર્દોષ લોકો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો.

સ્થાનિક પોલીસએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. તપાસ ટીમો સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ માહિતી તાત્કાલિક પોલીસને આપવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ મહિને દક્ષિણ આફ્રિકામાં થયેલો આ બીજો મોટો સામૂહિક ગોળીબાર છે. આ પહેલાં 6 ડિસેમ્બરે રાજધાની પ્રિટોરિયા નજીક એક હોસ્ટેલ પર થયેલા હુમલામાં ત્રણ વર્ષના બાળક સહિત 12 લોકોના મોત થયા હતા. વધતી હિંસાની ઘટનાઓને કારણે દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

To Top