Top News

More Posts

   The Latest

Most Popular

સ્માર્ટ સિટીમાં ‘વોટર ક્રાઈસિસ’: કાઉન્સિલરોની રજૂઆત બાદ કમિશનરે ટાંકીની સફાઈ, સ્તર અને ટેકનિકલ પાસાં તપાસ્યા

વડોદરા સ્માર્ટ સિટી તરીકે વિકાસ પામી રહેલા વડોદરા શહેરમાં હાલમાં પાણીનો વિકટ પ્રશ્ન નગરજનોને બેહાલ કરી રહ્યો છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં સ્વચ્છ પાણીનો પૂરતો પુરવઠો ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નં – 2ના કાઉન્સિલરોએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ કમિશનર અરુણ મહેશ બાબુએ તુરંત જ ગંભીરતા દાખવીને છાણી વિસ્તારમાં આવેલી પીવાના પાણીની મોટી ટાંકીની સ્થળ મુલાકાત લીધી હતી, જ્યાં સ્થાનિક નગરસેવકો પણ હાજર રહ્યા હતા.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરમાં સ્વચ્છ અને પૂરતો પાણી પુરવઠો સુનિશ્ચિત રહે તે હેતુથી છાણીની પાણીની ટાંકીની મુલાકાત લઈને વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. તેમણે ટાંકીની સફાઈની સ્થિતિ, પાણીના સ્તર અને સપ્લાય લાઈનના ટેક્નિકલ પાસાઓ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી. કમિશનરે ટાંકીના સંચાલન અને જાળવણીની પ્રક્રિયાનું પણ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન, મ્યુનિસિપલ કમિશનરએ અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પાણી સપ્લાય સિસ્ટમને વધુ સુચારૂ અને કાર્યક્ષમ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાના સૂચનો આપ્યા હતા. તેમણે ખાસ કરીને પાણીની શુદ્ધતા અને નિયમિત પુરવઠા પર ભાર મૂક્યો હતો.
અરુણ મહેશ બાબુએ સ્થળ પર હાજર નાગરિકો સાથે પણ વાતચીત કરી હતી અને તેમના તરફથી પાણી પુરવઠા અંગેનો સીધો પ્રતિસાદ મેળવ્યો હતો. નાગરિકોએ તેમને વિસ્તારમાં પાણીની સમસ્યા અને અપેક્ષાઓ વિશે માહિતગાર કર્યા હતા.

To Top