Top News

More Posts

   The Latest

Most Popular

જો આજે ગુજરાતી ભાષાના પ્રારંભિક સાહિત્યકાર, પત્રકાર, ભાષાશાસ્ત્રી નર્મદાશંકર લાલશંકર દવે ચમત્કારિક રીતે પુનર્જીવિત થઇ ફરી સુરતમાં અવતરે અને પોતાનું છાપું ‘દાંડિયો’ ચલાવે તો ખાટીમીઠી ઘણી નોંધ લેવાય. મહાનગર સુરતનો નર્મદનગરી તરીકે થતો ઉલ્લેખ, દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટી સાથે જોડાયેલું પોતાનું નામ, સંકોચાયેલો રાણીનો બાગ, ગાંધીબાગ નામાભિધાન સાથે પોતાની સ્થપાયેલી પ્રતિમા સાથેની ઉપેક્ષા ભોગવતો હોય મૂળ વિસ્તારથી અનેક ગણા વિસ્તારમાં વૃદ્ધિ પામેલી ત્રણ ગણી જનસંખ્યા, જરીકસબ, કાપડ ઉપરાંત અનેક રીતનો વેપાર ઉદ્યોગ, ‘દાંડિયા સામે અડધા ડઝનથી વધુમાં ચાલતાં અખબારોની સ્પર્ધા, વિસરાતું જતું અસલ સુરતીપણું, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, હત્યા, અગ્નિ તાંડવ, અનેકભાષી લોકોનો વસવાટ અનેક બાબતોની નોંધ દાંડિયામાં લેવાનો પરિશ્રમ નર્મદે  કરવો પડે. 

નર્મદનું નામ નમર્દ  છપાયું ત્યારે મર્દાનગીને હાનિ થવા જેવું લાગ્યું અને તે પછી નર્મદે પોતાનું નામ નર્મદાશંકર પ્રચલિત કર્યું તો ફરી એવી જ ગરબડ થઈ અને નરમાદાશંકર  જેવો ઉલ્લેખ થયો. વર્તમાન સમયે આવા અનેક છબરડા લેખન અને મુદ્રણમાં જોવા મળે છે. શબ્દોનું વિકૃત સ્વરૂપ અને વ્યાકરણની અજ્ઞાનતા કે ભૂલ પણ જોવાય છે. અંગ્રેજી લેખનમાં જે રીતે કાળજી રખાય છે. મુદ્રણમાં ચીવટ રખાય છે તેવી ભાષાકીય જાગૃતતા માટે નર્મદે હવેના સમયમાં ઝુંબેશ ચલાવવી પડે અને તેમાં ‘દાંડિયો’ સાચા અર્થમાં ભૂમિકા ભજવવા કટિબદ્ધ થાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top