Top News

More Posts

   The Latest

Most Popular

વલસાડઃ સસ્તી વસ્તુ ખરીદવાની લાલચમાં લોકોએ મોલ અને ઓનલાઈન કલ્ચર અપનાવ્યું છે, પરંતુ મોલમાં ખરીદી પહેલાં ગ્રાહકોએ સાવચેત રહેવાની જરૂર છે. મોલમાં ગણીવાર જૂની એક્સ્પાયરી ચીજવસ્તુઓ વેચવામાં આવતી હોય છે. આવો જ એક કિસ્સો વલસાડમાં બન્યો છે.

  • વલસાડના સ્માર્ટ બજારમાંથી એક્સપાયરી ડેટ વાળી અનેક ખાદ્ય પેદાશો મળી આવી

વલસાડના સ્માર્ટ બજારમાં એક્સ્પાયરી ડેટની ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં એક તપાસ દરમિયાન આ હકીકત બહાર આવી હતી. તપાસ એજન્સીના અધિકારીઓએ એક્સ્પાયર થઈ ગયેલી ચીજોનો તાત્કાલિક નાશ કર્યો હતો. આ સાથે જ સ્માર્ટ બજારના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બદલાતા જમાના સાથે લોકોમાં મોલમાંથી ખરીદી કરવાનો ક્રેઝ વધ્યો છે. જેમાં તાજેતરમાં ખુલેલા સ્માર્ટ બજાર દ્વારા હોમ ડિલિવરીનું ઓપ્શન આપી ગ્રાહકોને લલચાવાઇ રહ્યા છે. જોકે, આ સ્માર્ટ બજારમાં એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ મળતી હોવાનું બહાર આવ્યું છે. વલસાડ ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ)એ તપાસ કરતાં તેમાંથી જુદી જુદી 9 પ્રકારની ચીજ વસ્તુઓ એક્સપાયરી થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતુ. જેના પગલે તેમણે રૂ. 3064 ની કિંમતની આ ચીજ વસ્તુઓનો તાત્કાલિક નાશ કરાવી દીધો હતો.

વલસાડના એક રહીશે આ સ્માર્ટ બજારમાંથી કેટલીક ચીજવસ્તુઓ ઓર્ડર કરી હતી. જેમાં સ્માર્ટ બજાર દ્વારા તેમને કેટલાક ખાદ્ય પદાર્થ એક્સપાયરી થઇ ગયા હોય એવા આપ્યા હતા.

આ સંદર્ભે તેમણે ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગને જાણ કરતાં ફૂડ સેફ્ટીના ડેઝીગ્નેટેડ ઓફિસર એ. આર. વળવીએ તેમની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં તપાસ કરાવી હતી. જેમાં તેમને 9 જેટલી ખાદ્ય પદાર્થોની ચીજ વસ્તુઓ એક્સપાયરી ડેટની મળી હતી. જેના પગલે તેમના માર્ગદર્શન હેઠળ આ તમામ એક્સપાયર્ડ થઇ ગયેલી ચીજ વસ્તુઓનો નાશ કરાયો હતો. તેમજ તેમના દ્વારા 7 જેટલી ચીજ વસ્તુઓના સેમ્પલ લઇ તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

સસ્તી ખરીદીના મોહમાં મોટા મોટા મોલમાંથી ખરીદી કરનારા લોકો માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો બની રહ્યો છે. મોલના સંચાલકો ઘણી વખત કોઇ પણ ચીજ વસ્તુઓ પધરાવી દેતા હોય છે. જેના કારણે આરોગ્ય સામે પણ મોટો ખતરો ઉભો થઇ જતો હોય છે.

જોકે, આ ઘટનાએ લોકોને જાગૃત થવા સંદેશ આપ્યો છે. મોલમાં સસ્તી ચીજો મળતી હોય ત્યારે સભાનતાપૂર્વક તે ખરીદવી જોઈએ. ચીજો ખરીદતા પહેલાં તેની એક્સ્પાયરી ડેટ ચકાસી લેવી જોઈએ. સસ્તાની લાલચમાં છેતરાતા બચવું હોય તો તકેદારી રાખવી જરૂરી છે.

To Top