Top News

More Posts

   The Latest

Most Popular

સ્કૂલ વાહનમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડનાર તથા પ્રાઇવેટ વાહનો હોવા છતાં નિયમનો ભંગ કરી સ્કૂલમાં વાન ફેરવતા વાહન ચાલકોના

આણંદમાં પોલીસે ખાસ ડ્રાઈવ યોજી નિયમોનો ભંગ કરતા વાહનોને ડિટેઈન કર્યા

(પ્રતિનિધિ) આણંદ તા 13

નવા‌ શૈક્ષણિક સત્રને લઇને પ્રથમ દિવસે જ આણંદ જિલ્લા પોલીસ દ્વારા સ્કૂલ વાહનો પર ખાસ ઝૂંબેશ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીને ખુબ જ જોખમકારક રીતે બાળકોને શાળાએ મુકવા જતા સ્કૂલ વાહન ચાલકો સામે આણંદ જિલ્લા પોલીસે કડકપણે કાર્યવાહી કરી હતી . સરકારી નિયમોનો ભંગ કરતા સ્કુલ વાહનોને પોલિસ તંત્રે ડિટેઇન કર્યા છે. જ્યારે કેટલાક વાહનોને સ્થળ પર જ દંડ પણ કર્યો છે.

આણંદ સહીત સમગ્ર જિલ્લામાં સ્કૂલ વાહનોની બોલબાલા છે. ઘણા સ્કૂલના સંચાલકો પણ દૂરથી સ્કૂલના બાળકોને લાવવા લઈ જવા માટે પોતાના વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તો વળી ઘણા લોકો પોતાના વાહનો સ્કૂલના બાળકો માટે ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ આવા વાહનચાલકો પ્રથમ દિવસે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોવાનું ઠેકઠેકાણે જોવા મળેલ છે. સ્કૂલ વાહનના નામે ઉપયોગમાં લેવાતાં વાહનો જેવાકે રીક્ષા, પીયાગો, ઈકો ગાડી, મારુતિ વાન સહિતના મોટાભાગના વાહનોમાં પેસેન્જરની ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવે છે. જેના કારણે નાનાં નાનાં બાળકોને પોતાના અભ્યાસ માટે જોખમકારક મુસાફરી કરવી પડે છે. વાહનચાલકો ઘેટાં બકરાની જેમ રીક્ષા કે વાનમાં બેસાડીને બાળકોને સ્કૂલમાં મુકવા અને પરત લાવવા લઈ જાય છે. આવા બાળકોની સલામતી માટે આણંદ જિલ્લા પોલીસે આજે શાળા શરૂ થતાની સાથે જ જિલ્લામાં ઠેકઠેકાણે વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ અને સ્કૂલ વાહનમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડનાર તથા પ્રાઇવેટ વાહનો હોવા છતાં નિયમનો ભંગ કરી સ્કૂલમાં વાન ફેરવતા વાહન ચાલકોના સ્કૂલ વાહનો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોય તેને ડીટેઈન કર્યા છે.

આણંદ જિલ્લામાં સ્કૂલ વાનમાં ફરતા વાહનોમાં ઘણા વાહનો પ્રાઇવેટ પાર્સિંગના વાહનો છે. નિયમ એવો છે કે જે વાહનો ટેક્સી પાર્સિંગમાં નોંધાયા હોય તેવા વાહનોને જ સ્કૂલવાનમાં ફેરવી શકાય છે. આમ છતાં આવા વાહનો જોવા મળે છે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરીને આવા વાહન ચાલકો સામે ખુબ કડકપણે કાર્યવાહી હાથ ધરી છે
પ્રથમ દિવસે જ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવતાં શાળામાં અભ્યાસ માટે પહોંચવા માટે ‌ વિદ્યાર્થીઓ અને વાલીઓની ખુબ કફોડી હાલત થઈ ગઈ હતી. ઓચિંતી કાર્યવાહી પગલે વાલીઓને તમામ કામ પડતાં મૂકીને પોતાના બાળકોને શાળામાં મુકવા માટે જવું પડયું હતું. સ્કુલ વાહનોને પોલિસ તંત્ર દ્વારા ડિટેઈન કરવાની કામગીરી સામે ભારે રોષ ભભુકી ઉઠયો હતો.

To Top