Top News

More Posts

   The Latest

Most Popular

મે ક્યારેય વિચાર્યું છે કે AI એજન્ટ્સ દેશની સત્તા સંભાળતા હોય?
શું તમે ક્યારેય કલ્પના કરી છે કે AI એજન્ટ્સ કોઈ દેશની સરકારમાં મિનિસ્ટર હોય?
શું તમે ક્યારેય જોયું છે કે AI એજન્ટ્સના ‘વારસદારો’ હોય?
ધારણા બહારની આ બાબતો સાચી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. આશ્વર્યજનક લાગે એવી વાત એ છે કે AIનો યુગ શરૂ થયો એના ત્રણ જ વર્ષમાં AI એજન્ટ્સ એવા સ્તરે પહોંચી ગયા છે કે કોઈ દેશમાં મિનિસ્ટર બની શકે છે ને સાંસદો કે મિનિસ્ટર્સના સલાહકાર બનીને તેમને શું કામ ન કરવું ને શું કામ કરવું તે કૃત્રિમ બુદ્ધિથી કહી શકે છે.
માણસની બુદ્ધિ એ પૃથ્વીની સૌથી યુનિક બાબત છે. માણસની બુદ્ધિએ જ પૃથ્વીને અનેક આવિષ્કારો આપ્યા છે. માણસની બુદ્ધિએ જગતને શબ્દો-કળા-સાહિત્ય-સમાજજીવન-ધર્મ-અધ્યાત્મ્ય વગેરે આપ્યું છે. માણસ પાસે પણ જો પ્રાણીઓ જેવી જ બુદ્ધિ હોત તો આજનું જગત આટલું વિકસિત ન હોત. જો એમ હોત તો આ પૃથ્વી એક જંગલ જ હોત. પરંતુ માણસની બુદ્ધિ એ કુદરતે માનવજાતને આપેલું વરદાન છે અને આ વરદાનથી જ માણસ તમામ સજીવોમાં ચડિયાતો સાબિત થયો છે.
પણ હવે માણસની બુદ્ધિને ટક્કર આપે છે માણસની જ બનાવેલી કૃત્રિમ બુદ્ધિ. કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આ બુદ્ધિ કુદરતે બનાવી નથી. માણસે ટેકનોલોજીની મદદથી એને વિકસાવી છે એટલે એ તાર્કિક દૃષ્ટિકોણથી કામ કરે છે, પરિણામે માનવીય બુદ્ધિની જ્યાં સીમા આવે છે ત્યાંથી કૃત્રિમ બુદ્ધિનું કામ શરૂ થાય છે. અત્યાર સુધી ટેકનોલોજી માણસના અસ્તિત્વ સામે પડકાર બની ન હતી, પરંતુ હવે AIના કારણે માણસના અસ્તિત્વ સામે જ પડકાર સર્જાઈ રહ્યાના દાખલા નોંધાવા લાગ્યા છે. જે કામ ‘એક્સક્લૂઝીવલી’ માણસ જ કરી શકે તેમ હતો એ કામ હવે AI કરી શકે છે. જેમ કે કોઈ દેશની સત્તા ચલાવવી કે કોઈ દેશના અમુક વિભાગનું મંત્રાલય સંભાળવું એ માણસનું કામ છે. અત્યાર સુધી ટેકનોલોજી એમાં બેશક મદદ કરતી હતી, પરંતુ સંપૂર્ણપણે ટેકનોલોજી જ વિચારીને એ કામ કરતી ન હતી, પરંતુ હવે દુનિયામાં એવા યુગનો આરંભ થયો છે જે આશ્વર્યજનક પણ છે અને રોમાંચક પણ છે.
તાજેતરમાં જર્મનીના બર્લિનમાં યોજાયેલા ગ્લોબલ ડાયલોગ સંમેલનમાં અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ચોંકાવનારી જાહેરાત કરેલી. એ વખતે AIની ક્ષમતા અંગે સવાલો ઉઠ્યા. સાથે સાથે અચરજનું તત્વ પણ ભળ્યું, પરિણામે ગ્લોબલી ન્યૂઝ પણ બન્યાં. એ આશ્વર્યજનક ન્યૂઝની વાત કરતાં પહેલાં દુનિયાની પ્રથમ AI મિનિસ્ટર વિશે જાણી લઈએ.
ડિએલા નામની AI એજન્ટ દુનિયામાં એવી પ્રથમ AI એજન્ટ છે, જેને મંત્રીપદ મળ્યું છે. અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ડિએલાને AI વિભાગના મંત્રી બનાવીને દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદીનું કામ સોંપ્યું હતું. ડિએલાને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે અલ્બાનિયાની મહિલાઓ પહેરે છે તેવા પરંપરાગત પોશાકમાં દેખાય છે. વહીવટમાં કોઈ ગરબડ હોય તો એના પર નજર રાખવાનું ડિએલાનું કામ છે. ડિએલા દુનિયાની પ્રથમ AI મિનિસ્ટર છે. અલ્બાનિયામાં ડિએલાને મિનિસ્ટરના દરજ્જાનું સરકારી સન્માન મળે છે અને એટલા જ પાવરફુલ અધિકારો અપાયા છે. જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય એવું ડિએલાને લાગશે તો એને બરતરફ કરવાની સત્તા સુદ્ધાં એને મળી છે.


હવે આ ડિએલા ગર્ભવતી બની છે. વાત ભારોભાર અચરજ પમાડે એવી છે ને? અલ્બાનિયાની પ્રથમ AI મિનિસ્ટર ડિએલા ગર્ભવતી છે અને તે 83 બાળકોને જન્મ આપશે એવું નિવેદન આપીને એડી રામાએ તાજેતરમાં ચર્ચા જગાવી. જર્મનીના બર્લિનમાં યોજાયેલા કાર્યક્રમમાં અલ્બાનિયાના વડાપ્રધાને કહ્યું હતું કે AI મિનિસ્ટર ડિએલા ગર્ભવતી છે અને 83 બાળકોને જન્મ આપશે.
તમે વિચારો! આવું ટેકનિકલી પોસિબલ છે? આ સંભવ વાત છે કે કોઈ મશીન બાળકને જન્મ આપી શકે, પરંતુ વડાપ્રધાને થોડાં ફિક્શનલ અંદાજમાં આ વાત કરી હતી. તેમનો કહેવાનો અર્થ એવો હતો કે અલ્બાનિયામાં ડિએલાની ડિઝાઈન પ્રમાણે જ 83 AI એજન્ટ બનાવાશે. 2026 સુધીમાં આ AI એજન્ટ સત્તાધારી પાર્ટીના બધા જ 83 સાંસદોના સહાયક બનશે. સાંસદો હાજર નહીં એ સત્રનું કામ પણ આ એજન્ટ તપાસશે અને તેના આધારે સાંસદોને સલાહ-સૂચન આપશે. સંસદમાં થતી ચર્ચા-વિચારણાનો આ AI એજન્ટ્સ રેકોર્ડ રાખશે. લોકોના પ્રશ્નો અંગે સાંસદોનું ધ્યાન દોરશે. એક રીતે સત્તાધારી પાર્ટીના સાંસદોને 2026 સુધીમાં AI આસિસ્ટન્ટ મળી જશે.
એ AI એજન્ટ્સમાં ડિએલાની ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવશે. તે અર્થમાં ડિએલા 83 બાળકોની માતા બનશે. જે કામ સાંસદોએ કરવાનું છે એ કામ હવે AI એજન્ટ્સ કરશે. ભવિષ્યમાં એવું ય શક્ય છે કે પાર્ટીના કાર્યકરો AI એજન્ટ્સ હશે. પાર્ટીને હ્મુમન વર્કર્સની જરૂર નહીં હોય. પાર્ટીના હોદ્દેદારો પણ AI હશે અને સરકાર AIથી જ ચાલતી હશે. આ વાત અત્યારે જેટલી આશ્વર્યજનક લાગે છે એટલી જ જોખમી પણ છે.

To Top