Top News

More Posts

   The Latest

Most Popular

અમેરિકાનું F-35 ફાઇટર જેટ અત્યંત અદ્યતન અને ઘાતક વિમાન ગણાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને F-35 વેચવાની તૈયારી બતાવી હતી, પણ ભારતે તેના માટે સંમતિ આપી નહોતી. હવે એક એવી ઘટના બની છે કે જેના કારણે F-35 વિમાનની કાબેલિયત ઉપર શંકા જવા લાગી છે. બ્રિટિશ રોયલ નેવીનું F-35 લાઈટનિંગ ટબ ફાઈટર જેટ વિમાન ૧૫ દિવસથી ભારતમાં પાર્ક કરવામાં આવ્યું છે. ૧૧ કરોડ ડોલરનું આ અત્યાધુનિક ફાઈટર જેટ ઉડાન ભરવામાં અસમર્થ છે અને ભારતના તિરુવનંતપુરમ એરપોર્ટ પર સમારકામની રાહ જોઈ રહ્યું છે.

આ પ્લેન વિશે મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હતા. એક દાવો એવો હતો કે તે રડાર હેઠળ આવતું નથી, પરંતુ જ્યારે તેને કટોકટીમાં ભારતમાં લેન્ડ કરવું પડ્યું ત્યારે ભારતીય વાયુસેનાની ICCS સિસ્ટમે તેને ટ્રેક કર્યું એટલું જ નહીં, પરંતુ તેને લેન્ડિંગથી લઈને ટેકનિકલ સપોર્ટ સુધીની ઝડપી મદદ પણ પૂરી પાડી હતી. આ બાબતમાં જાતજાતનાં બહાનાં બતાડવામાં આવી રહ્યાં છે. પહેલાં એવું કહેવામાં આવતું હતું કે ખરાબ હવામાનને કારણે F-35 વિમાન રસ્તો ભૂલી ગયું હતું અને ઇંધણ ભરવા માટે તેણે તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં ઇંધણ ભરાઈ ગયું તે પછી પણ તે ઊડી શક્યું નહીં ત્યારે કહેવામાં આવ્યું કે તેમાં ટેકનિકલ ખામી છે.

કેટલાંક લોકોને શંકા છે કે F-35 વિમાનને જાસૂસી કરવા માટે ભારતમાં મોકલવામાં આવ્યું હતું, પણ ભારતની રડાર સિસ્ટમમાં તે પકડાઈ જતાં ભારતનાં સુરક્ષા દળોએ તેને ફરજિયાત લેન્ડિંગ કરવાની ફરજ પાડી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકહીડ માર્ટિન કોર્પોરેશનની ૩૦ થી ૪૦ લોકોની એક મોટી ટેકનિકલ ટીમ આ ફાઈટર જેટનું સમારકામ કરવા આવી રહી છે. જો આ શક્ય નહીં બને, તો તેના ભાગોને તોડી પાડવામાં આવશે. વિમાનમાં પેક કરવામાં આવશે અને તેને ભંગારના રૂપમાં પાછા લઈ જવામાં આવશે. અમેરિકા એવું ઇચ્છતું નથી કે ભારતના એન્જિનિયરો આ વિમાનના ટેકનિકલ રહસ્યોની જાણકારી મેળવે. આ કારણે ભારતના એન્જિનિયરોને તેને રિપેર કરવાનું કહેવામાં આવતું નથી. હવે તેનાથી પણ મોટી માહિતી બહાર આવી રહી છે કે બ્રિટિશ ફાઈટર જેટને એરપોર્ટ પર પાર્કિંગ કરવાની કિંમત ચૂકવવી પડશે.

આ અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ બ્રિટનના HMS પ્રિન્સ ઓફ વેલ્સ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ છે, જે હાલમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તૈનાત છે. આ એરક્રાફ્ટ ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત દરિયાઈ કવાયત પૂર્ણ કર્યા પછી બેઝ પર પરત ફરી રહ્યું હતું ત્યારે તેનું તિરુવનંતપુરમમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેના, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સંબંધિત એજન્સીઓએ શરૂઆતમાં અપેક્ષા રાખી હતી કે વિમાન રિફ્યુઅલિંગ પછી તરત જ ઉડાન ભરશે, પરંતુ ટૂંક સમયમાં જ વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. બધા સ્થાનિક પ્રયાસો પછી હવે વિમાનનું સમારકામ કરવાની જવાબદારી લોકહીડ માર્ટિનની ટેકનિકલ ટીમ પર છે, જે ટૂંક સમયમાં તિરુવનંતપુરમ પહોંચવાની અપેક્ષા રાખવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે જે F-35 ને ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને વેચવા માંગે છે અને જેના માટે અમેરિકા વિશ્વના શ્રેષ્ઠ ફાઇટર જેટમાંનું એક હોવાનો દાવો કરે છે, તેનું સમારકામ ૧૫ દિવસથી કેમ નથી થઈ રહ્યું?

અમેરિકન સ્ટીલ્થ ફાઈટર જેટ F-35 લાઈટનિંગ II ને વિશ્વનું સૌથી અદ્યતન ફાઈટર જેટ માનવામાં આવે છે. તે પાંચમી પેઢીનું સ્ટીલ્થ મલ્ટીરોલ ફાઈટર જેટ છે, જેને અમેરિકન કંપની લોકહીડ માર્ટિન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. પણ શું આ ભારત માટે યોગ્ય પસંદગી હશે? તાજેતરમાં ભારતે F-35 ખરીદવું જોઈએ કે નહીં તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. જો કે, કેટલાંક કારણો એવાં છે જે F-35 ના પક્ષમાં નથી જતા. CNBC ના એક અહેવાલ મુજબ F-35 એ વિશ્વના સૌથી મોંઘા ફાઇટર જેટમાંનું એક છે. તેની કિંમત પ્રતિ વિમાન લગભગ રૂ. ૮૦૦ કરોડ હોઈ શકે છે. તેની ખરીદી જ નહીં, તેનો જાળવણી ખર્ચ પણ ખૂબ વધારે છે. દરેક ઉડાન કલાકનો ખર્ચ લગભગ રૂ. ૩૦ લાખ છે. ભારતે તેને ચલાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરવું પડશે.

ભારત તેના આત્મનિર્ભર ભારત મિશન હેઠળ સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી વિકસાવી રહ્યું છે, પરંતુ અમેરિકા તેના અદ્યતન ટેકનોલોજીવાળાં શસ્ત્રો અન્ય કોઈ દેશને આપતું નથી. આનો અર્થ એ થયો કે ભારતે ભવિષ્યમાં F-35 ના જાળવણી અને અપગ્રેડ માટે સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર રહેવું પડશે. F-35 ચલાવવા માટે ભારતના એરબેઝને અપગ્રેડ કરવાની જરૂર પડશે, જેનાથી લોજિસ્ટિક્સ અને ઓપરેશનલ ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. ભારતીય વાયુસેના પહેલાથી જ રાફેલ, સુખોઈ-30MKI અને તેજસ જેવા ફાઇટર એરક્રાફ્ટ પર નિર્ભર છે, જે પહેલાંથી સ્થાપિત સિસ્ટમો અનુસાર વધુ સારી રીતે કાર્ય કરે છે. ભારત પાસે પહેલાંથી જ રાફેલ અને સુખોઈ-30MKI જેવાં ઉત્તમ ફાઇટર જેટ છે. આવી સ્થિતિમાં F-35 પર રોકાણ કરવું મોંઘું પડશે અને તે વ્યૂહાત્મક રીતે યોગ્ય નિર્ણય નહીં હોય. ભારતે રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પહેલેથી જ ખરીદી લીધી છે, જેના પર પ્રતિબંધ મૂકવાની અમેરિકાની નીતિ છે. જો ભારત F-35 ખરીદવાનો પ્રયાસ કરે તો અમેરિકા આ ​​સોદામાં અવરોધ ઊભો કરી શકે છે.

F-35 ખરેખર પૃથ્વી પરનું સૌથી અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ છે. તેની સ્ટીલ્થ ટેકનોલોજી, જેમ કે ખાસ રડાર કોટિંગ અને ખૂબ ઓછા હાર્ડપોઇન્ટ્સ, દુશ્મનો માટે તેમના રડાર પર તેને શોધવાનું મુશ્કેલ બનાવે છે. આ ફાઇટર જેટનો રડાર-ક્રોસ સેક્શન ૦.૦૦૫ મીટર ચોરસ છે, જે લગભગ ગોલ્ફ બોલ જેટલો છે. તેની અદ્યતન સુવિધાઓ હોવા છતાં અમેરિકન ગવર્નમેન્ટ એકાઉન્ટેબિલિટી ઓફિસ (GAO) એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ઉચ્ચ જાળવણી ખર્ચ અને વિકાસલક્ષી વિલંબને કારણે તેના ૬૬ વર્ષના જીવનચક્રમાં F-35 વિમાન ખરીદવા, ચલાવવા અને ટકાવી રાખવા માટે ઓછામાં ઓછા ૧,૭૦૦ અબજ ડોલરનો ખર્ચો લાગશે.

ડિસેમ્બર ૨૦૨2 માં અમેરિકાના ટેક્સાસમાં એક F-35 ક્રેશ થયું ત્યારે ફ્યુઅલ ટ્યુબ વાઇબ્રેશન ખામી શોધી કાઢવામાં આવી હતી અને તેનો પાઇલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. વર્ટિકલ ડિસેન્ટ દરમિયાન વિમાન આગળ ધપ્યું અને ક્રેશ થયું હતું. ઇઝરાયલી વાયુસેનાએ ૨૦૨૨ માં પાઇલોટ ઇજેક્શન સિસ્ટમમાં સમસ્યાઓને કારણે તેના F-35 કાફલાને ગ્રાઉન્ડેડ કર્યો હતો. ઇજેક્શન સીટ અંગેની ચિંતાએ સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં ન આવે ત્યાં સુધી વિમાનને ઉડાન ભરવા માટે અયોગ્ય બનાવ્યું હતું. સીટને બહાર કાઢતી વિસ્ફોટક ચાર્જ સિસ્ટમમાં ગંભીર સમસ્યાઓ હોવાની અમેરિકાની નોટિસ પછી F-35 નું ગ્રાઉન્ડિંગ કરવામાં આવ્યું હતું.

બે અઠવાડિયાના ઇનકાર પછી બ્રિટન આખરે કેરળમાં ફસાયેલા તેના F-35B ફાઇટર જેટને તિરુવનંતપુરમ એરપોર્ટના હેંગરમાં ખસેડવા માટે સંમત થયું છે. યુકેની એક એન્જિનિયરિંગ ટીમ ખાસ સાધનો સાથે આ ફાઇટર જેટનું સમારકામ કરવા આવી રહી છે. આ પછી જ જેટને હેંગરમાં ખસેડવામાં આવશે. બ્રિટિશ નૌકાદળ ઇચ્છતું ન હતું કે વિમાનને હેંગરમાં લઈ જવામાં આવે. તેઓ ઇચ્છતા ન હતા કે કોઈ ફાઇટર જેટને નજીકથી જુએ. બ્રિટિશ નૌકાદળને ડર છે કે અન્ય લોકો જેટની ખાસ ટેકનોલોજી જોઈ શકે તેમ છે. તેથી જ તેઓ તેને હેંગરમાં લઈ જવા માંગતા ન હતા, પરંતુ હવે યુકેથી એન્જિનિયરિંગ ટીમ આવી રહી છે.

તેમના આગમન પછી જેટને હેંગરમાં ખસેડવામાં આવશે. આ વિમાન માટે રોજનો ૫૦,૦૦૦ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. હવે મોટી વિશિષ્ટ યુકે ટીમ અને તેને ખેંચવા માટેના વાહન સાથે ઇન-સીટુ સમારકામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જો નવી સમારકામ ટીમના પ્રયાસો નિષ્ફળ જાય તો ફાઇટર જેટને યુકેમાં એરલિફ્ટ કરવાનો વિકલ્પ બાકી રહે છે. તે પરિસ્થિતિમાં તિરુવનંતપુરમ એરપોર્ટ પર ગ્લોબમાસ્ટર જેવું રોયલ એરફોર્સ લિફ્ટર એક્શનમાં જોવા મળી શકે છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ની સુરક્ષા હેઠળ બે ૪ પર પાર્ક કરાયેલ બ્રિટિશ F-35 B ફાઇટર જેટ વિમાન સોશ્યલ મિડિયા પર ઘણાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, જ્યાં એક વ્યંગાત્મક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે F-35 ભંગારના રૂપમાં OLX પર લિલામ વડે વેચાણ માટે ઉપલબ્ધ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top