Top News

More Posts

   The Latest

Most Popular

રાજધાની દિલ્હીની હૉસ્પિટલોમાં ઑક્સિજન કટોકટી ઘેરી બની છે. સર ગંગારામ હૉસ્પિટલના કોરોનાના સૌથી બીમાર 25 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં ઑક્સિજનના અભાવે મોતને ભેટ્યા હતા અને વધુ 60 જિંદગીઓનું ભાવિ અદ્ધર છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

વર્તુળોએ કહ્યું કે દિલ્હીની સૌથી મોટી અને સૌથી હાઇ પ્રોફાઇલ હૉસ્પિટલ્સમાંની એક એવી સર ગંગા રામ હૉસ્પિટલમાં મોતનું કારણ ‘લૉ પ્રેસર ઑક્સિજન’હોઇ શકે છે જ્યાં આઇસીયુ અને ઇમરજન્સી વિભાગમાં હેલ્થકેર સ્ટાફે દર્દીઓને મેન્યુઅલી વેન્ટિલેશન આપવું પડે છે.
હૉસ્પિટલે આ મોતની જાહેરાત સવારે 8 વાગ્યાના તુરંત બાદ કરી હતી.

સવારે અભૂતપૂર્વ કટોકટી બાદ 9‌:20 કલાકે એક ઑક્સિજન ટૅન્કર ગંગા રામ હૉસ્પિટલે પહોંચ્યું હતું પણ એ પણ વપરાશને આધારે પાંચ કલાક ચાલે એટલું હતું.હૉસ્પિટલના ચૅરમેન ડૉ. ડી એસ રાણાએ કહ્યું કે મોત ઑક્સિજનની તંગીના કારણે થયાં છે એમ કહેવું ખોટું છે આઇસીયુમાં પ્રેસર ઘટ્યું ત્યારે અમે દર્દીઓને મેન્યુઅલી ઑક્સિજન પૂરો પાડ્યો હતો.

મુખ્યમંત્રીઓ સાથે વડા પ્રધાનની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીને ઑક્સિજન માટે હાથ જોડીને વિનંતી કરી હતી.
હૉસ્પિટલના એક સિનિયર અધિકારીએ કહ્યું કે અમને ખલેલ રહિત અને સમયસરનો ઑક્સિજન સપ્લાય જોઇએ છે. 500થી વધારે કોરોનાના દર્દીઓ દાખલ છે અને એમાંથી 150 જેટલાં હાઇ ફ્લો ઑક્સિજન પર છે. વેન્ટિલેટર્સ અને બાયપેપ મશીનો અસરકારક રીતે કામ કરી શકતા નથી. બીજા 60 ગંભીર બીમાર દર્દીઓનાં જીવ જોખમમાં છે. મોટી કટોકટીની સંભાવના છે.

મૅક્સ હૉસ્પિટલમાં પણ ઑક્સિજનની કટોકટી જોવા મળી હતી. આ હૉસ્પિટલે સવારે 7:43 કલાકે એસઓએસ મેસેજ ટ્વીટર પર મૂકતા સપ્લાય આવી ગયો હતો. અહીં 700 દર્દીઓ દાખલ છે.ગુરુવારે રાત્રે ગંગા રામ હૉસ્પિટલના અધિકારીઓએ પણ સરકારને એસઓએસ સંદેશો મોકલાવ્યો હતો કે પાંચ કલાક ચાલે એટલો જ ઑક્સિજન છે. રાત્રે 12:30 કલાકે થોડો સપ્લાય મળ્યો હતો. દિલ્હીની હૉસ્પિટલોમાં બૅડ્સની પણ તીવ્ર તંગી વર્તાઇ રહી છે.

જબલપુરની હૉસ્પિટલમાં ઑક્સિજનના અભાવે 5નાં મોત
મધ્ય પ્રદેશના જબલપુરની એક ખાનગી હૉસ્પિટલના આઇસીયુમાં ઑક્સિજન કથિત રીતે પૂરો થઈ જવાથી કોરોનાના 5 દર્દીઓ મોતને ભેટ્યા હતા. ગૅલેક્સી હૉસ્પિટલમાં આ બનાવ મધરાત બાદ બન્યાનું પોલીસે જણાવ્યું હતું. સંબંધીઓએ ઑક્સિજન પૂરો થવાથી મોત થયાની ફરિયાદ કરી હતી. હૉસ્પિટલ 10 ઑક્સિજન સિલિન્ડર્સની રાહ જોતી હતી પણ એ લઈને આવતું વાહન બગડી ગયું હતું. બીજા વાહનમાં સિલિન્ડર્સ લવાયા હતા.

To Top