Top News

More Posts

   The Latest

Most Popular

દિલ્હીમાં થયેલા વિસ્ફોટ પછી સોશિયલ મીડિયા પર ભડકાઉ અને વાંધાજનક પોસ્ટ કરનારાઓ સામે આસામ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના આદેશ બાદ અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે હિંસા કે આતંકવાદને સમર્થન આપનારાઓને કદી છૂટ આપવામાં આવશે નહીં.

દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટોને કેન્દ્ર સરકારે આતંકવાદી હુમલો જાહેર કર્યો છે. આ ઘટનાની તપાસ ચાલુ છે અને વિવિધ સ્થળોએ દરોડા પાડી શંકાસ્પદોને શોધવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આસામમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર વિસ્ફોટને લઈને ભડકાઉ અને વાંધાજનક પોસ્ટ્સ મૂકી હતી. જેને લઈને રાજ્ય સરકારે તાત્કાલિક એક્શન લીધું છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સામે કોઈ દયા રાખવામાં નહીં આવે.

મુખ્યમંત્રીએ 15 લોકોના નામ જાહેર કર્યા
સીએમ બિસ્વાના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા લોકોમાં રફિઝુલ અલી (બોંગાઈગાંવ), ફોરિદ ઉદ્દીન લસ્કર (હૈલાકાંડી), ઈનામુલ ઈસ્લામ (લખીમપુર), ફિરોઝ અહેમદ, પાપોન (લખીમપુર), શાહિલ શોમન સિકદર, શાહિદુલ ઈસ્લામ (બરપેટા), રકીબુલ અકમ સુલતાન (બારપેટા), રફીઝુલ અલીમ (હૈલાકાંડી), અહેમદ (કામરૂપ) અને અબ્દુર રોહીમ મોલ્લા સહિત કુલ 15 લોકોનો સમાવેશ થાય છે.

પોલીસની કડક કાર્યવાહી
મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ જણાવ્યું કે કેટલાક લોકોએ ફેસબુક પર વિસ્ફોટને સમર્થન આપતા ઇમોજી અને સંદેશા પોસ્ટ કર્યા હતા. જે આતંકવાદને પ્રોત્સાહન આપવાના સમાન છે. તેમણે રાજ્યના ડીજીપીને આવા તમામ એકાઉન્ટ્સની તપાસ કરવા અને કાયદેસર પગલાં લેવા માટે સૂચના આપી હતી.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર હિંસા ફેલાવનારાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે. નફરત ફેલાવનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી પોસ્ટ શેર કરવાથી દૂર રહે.

આસામ સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી તેમની ટોચની પ્રાથમિકતા છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી છે કે જે લોકો સોશિયલ મીડિયા દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે, તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

To Top