Top News

More Posts

   The Latest

Most Popular

પાકિસ્તાન એનો આઝાદી દિવસ ૧૪ મી ઓગસ્ટે મનાવે છે. આપણે ૧૫ મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન મનાવીએ છીએ. પાકિસ્તાનના આઝાદીના દિવસે સરહદ ઉપરના આપણા જવાનો અને પાકિસ્તાનના જવાનો ખુશી – ખુશીના ભાવ સાથે મીઠાઇઓની આપ-લે કરે છે અને એકબીજાને મુબારકબાદી પાઠવે છે. હવે આપણા વડા પ્રધાન મોદીના વિચાર મુજબ ૧૪ મી ઓગસ્ટના દિવસને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનો રહેશે. આમ જોઇએ તો આવી વિભાજન વખતની વિભીષિકાઓને ખરેખર ભૂલવી જ રહી.

એવી કરુણ યાતનાઓને સ્મૃતિમાં લાવવાથી શું ફાયદો થાય?! ભૂતકાળમાં ઘટેલી આવી દુ:ખનાં પોટલાં સમાન વિભીષિકાઓને કાયમને માટે મગજમાં ઊંચકીને ફરવાથી શું મળવાનું આપણને?! જે કરુણ વિભીષિકાઓ ઘટી ગઇ છે એમનું ‘માતમ’ કરવાથી ઉલટાનું, પાકિસ્તાનમાં ભારત માટે નફરતનું વાતાવરણ ફેલાશે કે બીજુ કાંઇ?! અને પેલી ૧૪ મી ઓગસ્ટે સરહદ પર જવાનો વચ્ચે આપ-લે થતી મીઠાઇઓ અને મુબારકબાદીઓનું શું સમજવું?! એક બાજુ આપણે મિત્રતાનો હાથ લંબાવીએ છીએ, પાકિસ્તાન તરફ અને બીજી બાજુ આપણે વિભાજન વખતની વિભીષિકાઓને યાદ કરીને, રૂઝાયેલા ‘ઘા’ ઉપર નમક તો નથી ભભરાવવા જઇ રહ્યા ને?!

આપણી આ પ્રકારની ઉજવણીથી તો માત્ર, પાકિસ્તાનમાં આપણા પ્રત્યે એક જાતની દુશ્મનાવટ જ વધુ જામશે ને? જે કાંઇ વિભાજન વખતે બન્યું છે એ હવે ‘ના બન્યું બનવાનું’ નથી. માટે એ બધાને ભૂતકાળની ઘટનાઓ તરીકે લઇને એમને કાયમને માટે દફનાવી દેવી જ જોઇએ. બીજું, આપણે ત્યાંની હાલની અને આવનારી પેઢી, આવી વિભાજનની વિભીષિકાઓને સ્મૃતિમાં તો શું, કાને ધરવાય રાજી હોય એવું લાગતું નથી. તો પછી એમાંથી પ્રેરણા લેવાની વાતો તો માત્ર વાતો જ રહેવાની ને?! હવે તો એમ થાય છે કે આપણે એક યા બીજા પ્રકારની ઉજવણીઓમાંથી કયારે ઊંચા આવીશું?!
સુરત     – બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top