વડોદરા: વડોદરામાં રવિવારે સાંજે ત્રણ જાહેરસભા સંબોધનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેમના આગમન સમયે મુખ્યમંત્રીનો વિરોધ ન થાય તે હેતુસર વડોદરા શહેર પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા.
આગામી 21 મી તારીખે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે રવિવારે સાંજે વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા અને વડોદરામાં તરસાલી ,સંગમ તેમજ નિઝામપુરામાં જાહેર સભા સંબોધી હતી. જાહેર સભા પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિરોધ ન થાય તેના હેતુસર વડોદરા શહેર પોલીસ સવારથીજ કામે લાગી હતી.
શહેર પોલીસે કોંગ્રેસના નેતાઓ કે જેમના દ્વારા ભૂતકાળમાં વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે.તેવા તેમજ અન્ય નેતાઓ કે જેમના દ્વારા મુખ્યમંત્રીના આગમન ટાણે વિરોધ થઈ શકે છે. તેવા નેતાઓ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રખાઈ હતી.
હાલ ચૂંટણીનો માહોલ છે. પરંતુ ,ચૂંટણીના માહોલને લઈ વિરોધ પક્ષ દ્વારા વિરોધ થઈ શકે છે તેવી આશંકાઓને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા હતા. જેને લઈ કોંગ્રેસના નેતાઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
કરજણ પેટા ચૂંટણીમાં નાયબમુખ્યમંત્રી ઉપર ચંપ્પલ ફેંકવામાં આવ્યું હતું આ કેસને પોલીસ આજદિન સુધી યોગ્ય રીતે ઉકેલી શકી નથી.ત્યારે રવિવારે સાંજે વડોદરામાં ત્રણ જાહેરસભા મુખ્યમંત્રીની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તેવા હેતુસર પોલીસ તંત્ર સવારથી જ કામે લાગ્યું હતું અને કોંગ્રેસના નેતાઓને નજરકેદ કર્યા હતા.
આચારસંહીતા હોવા છતાં મુખ્યમંત્રી પક્ષના પ્રચાર પ્રસાર કરી શકે તો અમે કેમ નહીં કરી શકીએ તેવી તીખી પ્રતીક્રીયા વ્યકત કરતા કોંગી પ્રવકતાએ ભારતીય જનતા પાર્ટીને આડેહાથ લીધા હતા. પોલીસે નજરકેદ કરતા જ કોંગી આગેવાનોએ રોષ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, આચારસંહીતા હોવા છતાંય આવા ગંભીર બનાવ પ્રત્યે ઈલેકશન કમિશનર પણ પગલા લેવાના બદલે આંખ આડા કાન કરે છે. પોલીસ તંત્ર પણ તેમની સામે સુચક મૌન સેવીને બેસી ગયું છે. કાયદાનો ભંગ થતો હોવા છતાં કેમ પગલા લેવાતા નથી.
કોંગ્રેસ પાર્ટીમાં કંઈ લેવાનું નથી, ખેંચતાણમાં પતી ગઈ
વડોદરા: વડોદરા મહાનગર પાિલકાની ચુંટણી આવતા જ પરીવર્તનનો પવન ફુંકાયો છે. આજે કોંગ્રેસના પૂર્વ મેયર સુરેશ રાજપુતે તેના પરિવારજનો સાથે ભાજપના ઉમેદવાર અજીત દધીચનું ફેરણી દરમિયાન હાર પહેરાવીને સ્વાગત કરીને ભાજપને સમર્થન આપતા રાજકીય માહોલ ગરમાયો છે.
વડોદરા મહાનગર પાિલકાની ચુંટણી આવતા રવિવારે યોજાનાર હોઈ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર વેગવંતો બનાવ્યો છે. આજે ભાજપના વોર્ડ નં.4ના ઉમેદવા અજીત દધીચ તેમના િવસ્તારમાં પ્રચાર કરવા માટે ગયા હતા. દરમિયાન કોંગ્રેસના પુર્વ મેયર સુરેશ રાજપુતે તેના પરિવારજનો સાથે અજીત દધીચને હાર પહેરાવીને સ્વાગત કરવા સાથે સમર્થન આપતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.
સુરેશ રાજપુતના જણાવ્યા મુજબ કોંગ્રેસમાં હવે કશંુ જ રહી ગયું નથી. કોંગ્રેસ પતી ગયું છે. હવે અમને કોઈ પુછતું જ નથી તો શું કામ મજુરી કરવી? ભાજપ અમને પક્ષમાં પ્રવેશ આપે કે ના આપે અમે ભાજપના ઉમેદવારોને સમર્થન જરૂર આપીશું.
ભાજપમાં નાનામાં નાના કાર્યકરોને સ્થાન મળે જ છે. જયારે કોંગ્રેસમાં ફકત ખેંચતાણ છે. પોતાની લીટી સીધી કરવા કોઈની લીટી ટુંકાવી દેવાય છે. કોંગ્રેસના માજી મેયરના તેવર જોતાં તેઓ ભાજપમાં પ્રવેશવાની વેતરણમાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે, ભાજપમાં આયાતી કોંગ્રેસીઓ સામે ભારે રોષ છે.
વિરોધીઓને રાત્રીના 12 પછી કરારો જવાબ: અપક્ષ
વડોદરા: ચુંટણીમાં ભાજપમાંથી ટીકીટ નહીં મળતા વોર્ડ નં. દસમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર નારાયણ રાજપુત સદ્દામે તેઓ ચૂંટણીમાંથી ખસી ગયા છે એવી અફવા ફેલાવનાર કોંગ્રેસ ભાજપ કે બીલ્ડરને અફવા ફેલાવવા બદલ રાત્રીના બાર વાગ્યા પછી કરારો જવાબ આપવાની ચીમકી આપી છે.
રાજકીય પક્ષોએ સદ્દામ બેસી ગયો એટલે કે રૂપિયા લીધા હોવાનો પ્રચાર કરતા નારાયણ રાજપુત છંછેડાયા છે. નારાયણ રાજપુતે જણાવ્યું હતું કે, તાંદલજા િવસ્તારમાંથી કોંગ્રેસ અને ભાજપે ફોર્મ પાછું ખેંચ્યું હોવાનો પ્રચાર શરૂ કર્યો છે. ગઈકાલે જ આ લોકો દસ લાખ લઈને મારા ઘરે આવ્યા હતા અને મેં ચોખ્ખી ના પાડી હતી.
મેં જણાવ્યું હતું કે, હું પૈસા લઈને બેસવાવાળો નથી. વડોદરાની કોઈ તોપ હશેકે તાકાત હશે અને મારા સમર્થકોને રોકવામાં આવશે તો જવાબ કરારો આપીશ.રાત્રીના બાર વાગ્યા પછી તેમના ઘરે જઈને કરારો જવાબ આપીશ.