Top News

More Posts

   The Latest

Most Popular

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટીકની તાડપત્રી બનાવતી કંપનીમાં મળસ્કે આગ (Fire) ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના દ્રશ્યો છેક વાપી સુધી જોવા મળ્યા હતા. મોટી આગ લાગવાનો બનાવ સર્જાતા તુરંત બ્રિગેડ કોલ જાહેર કરતાં જ દમણ સહિતની 20 ફાયર ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.

દમણ ડાભેલ ઈન્ડસ્ટ્રીઝની સુપરટેક્સ વોવેન ઈન્ડસ્ટ્રીઝની પ્લાસ્ટીકની તાડપત્રી બનાવતી કંપનીમાં મંગળવારે મળસ્કે 4 વાગ્ય અચાનક આગ લાગી હતી. કંપનીનાં કામદારો સુરક્ષિત સ્થળે બહાર નીકળી ગયા હતા. કંપનીમાં પ્લાસ્ટીકની તાડપત્રી અને અન્ય બેગ મટીરીયલ્સનું ઉત્પાદન થતું હોવાથી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર કંપનીને ચપેટમાં લઈ લીધી હતી. જેને લઈ આસપાસની કંપનીઓમાં કામ કરતાં કામદારોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જેને લઈ ભારે અફરા તફરી પણ મચી ગઈ હતી.

આગની જાણ દમણ સોમનાથ ફાયર વિભાગને થતાં જ ફાયર વિભાગની ટીમે પહોંચી પાણીનો મારો ચલાવી ભીષણ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિકરાળ આગ કાબુમાં નહી આવતા તુરંત બ્રિગેડ કોલ જાહેર કરી આસપાસનાં ફાયર ફાયટરોની મદદ લેતા અંતે 7 કલાકની જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ આગની ઘટનામાં કંપની બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની કે અન્ય કોઈને ઈજા થવા પામી ન હતી. પ્રાથમિક રિપોર્ટમાં આગ શોર્ટ સર્કીટને કારણે લાગી હોવાનું ફાયરે જણાવ્યું હતું.

20થી વધુ ફાયર ફાઈટરની ટીમ જોડાઈ
સોમનાથ ફાયર વિભાગની ટીમે આગને કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મેજર ફાયર હોવાને લઈ તુરંત બ્રિગેડ કોલ જાહેર કરાતાં દમણની 10, વાપીની-2, સેલવાસની 2, સરીગામની 1, વલસાડની 1, ધરમપુરની 1, ખાનગી કંપની વેલનોનની 1, ભીલોશાની 1 તથા રીલાયન્સની 1 મળી 20 ફાયર ફાયટરોની ટીમે સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી મહા જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંદાજ મુજબ આશરે 4 લાખ લીટરથી પણ વધુ પાણીનો છંટકાવ કરી આગને બુઝાવવામાં આવી હતી.

આગની જ્વાળાઓ દૂર સુધી ફેલાતા આગના દ્રશ્યો વાપીમાં જોવા મળ્યા
કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે કંપનીની અંદર મુકેલા પ્લાસ્ટીક રો-મટીરીયલ્સ અને ઉત્પાદીત થયેલો તાડપત્રીનો જથ્થો અને અન્ય જ્વલંતશીલ પદાર્થો ભડકે બળતાં આગની જ્વાળાઓ અને તેમાંથી ઉઠતાં કાળા ધુમાડાઓના ગોટેગોટા આકાશ તરફ દૂર સુધી ફેલાઈ ગયા હતા. જેને પગલે વાપી વિસ્તારમાં મળસ્કે પરોઢીયું થઈ ગયું હોય એમ અજવાળું થઈ જવા પામ્યું હતું. આગની જ્વાળાઓના ભયાવહ દ્રશ્ય છેક વાપીનાં દમણગંગા પુલ સુધી જોવા મળ્યા હતા.

To Top