Top News

More Posts

   The Latest

Most Popular

ભારતીય મહિલા ટીમે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની એક મેચની ટેસ્ટ શ્રેણી રમતના ચોથા દિવસે 10 વિકેટે જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાને આ મેચની ચોથી ઈનિંગમાં 37 રનનો ટાર્ગેટ હતો, જેને શેફાલી વર્મા અને શુભા સતીશની ઓપનિંગ જોડીએ કોઈ પણ નુકશાન વિના હાંસલ કરી લીધો હતો. ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે ટીમે 10 વિકેટે ટેસ્ટ મેચ જીતી હોય. ઘરઆંગણે ટીમ ઈન્ડિયાએ બીજી વખત આ સિદ્ધિ મેળવી છે. બીજી ઇનિંગમાં શેફાલી વર્માએ 24 અણનમ રન બનાવ્યા હતા જ્યારે શુભા સતીષે 13 રન બનાવ્યા હતા.

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 603 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ પછી, બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 266 રન સુધી જ સિમિત રહી હતી, જેમાં ભારત વતી સ્નેહ રાણાનું બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેણે 25.3 ઓવરમાં 77 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમને ફોલોઓનનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બીજી ઇનિંગમાં તેમની તરફથી વધુ સારું બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, જો કે આ મેચમાં ટીમ પોતાની હારને બચાવી શકી ન હતી. આફ્રિકન ટીમ માટે બીજા દાવમાં સુને લુસે 109 રન અને કેપ્ટન વોલ્વાડાર્ટે 122 રન બનાવ્યા હતા, જેની મદદથી ટીમ 373 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી.

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે ભારતની બીજી ઈનિંગમાં ત્રણ બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં તેણે 2-2 વિકેટ ઝડપી હતી. સ્નેહ રાણાએ આ મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. જો આ મેચમાં ભારતીય ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો શેફાલી વર્માએ પ્રથમ દાવમાં 205 રન બનાવ્યા હતા જ્યારે સ્મૃતિ મંધાનાએ પ્રથમ દાવમાં 149 રન બનાવ્યા હતા. આ સિવાય રિચા ઘોષે 86 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 69 રનની ઇનિંગ રમી હતી.

To Top