Top News

More Posts

   The Latest

Most Popular

દેશમાં સરકારો દ્વારા એક પછી એક નિયમો બનાવવામાં આવે છે પરંતુ અનેક વખત એવું થાય છે કે સરકારો દ્વારા પોતાના જ વિભાગો વચ્ચે કે પછી પોતાના જ નેતાઓ વચ્ચે સંકલન નહીં હોવાને કારણે એક જ સરકારના બે નિયમોમાં વિસંગતતા જોવા મળે છે. તેમાં પણ એવી વિસંગતતા હોય છે કે જેમાં સરકારના એક જ પ્રકારની વ્યાખ્યા માટે બે અલગ અલગ નિયમો કાર્યરત હોય છે.

આઈટી અને ઈડબલ્યુએસના જો નિયમો જોવામાં આવે તો એ ખબર જ પડતી નથી કે સરકાર ખરેખર 8 લાખથી ઓછી આવકવાળાને આર્થિક રીતે પછાત ગણે છે કે પછી ઈન્કમટેક્ષના સ્લેબ પ્રમાણે 7 લાખની આવકવાળાને પછાત ગણે છે? દેશમાં ઓબીસીએ જો અનામત મેળવવું હોય તો તેમાં 8 લાખની આવકની મર્યાદા છે. આજ રીતે ઈડબલ્યુએસમાં જો અનામત જોઈતી હોય તો પણ આવકની મર્યાદા 8 લાખની છે.

આનો મતલબ એવો થાય છે કે સરકાર એવું માને છે કે જે વ્યક્તિ વાર્ષિક 8 લાખથી ઓછી આવક ધરાવે છે તે આર્થિક રીતે પછાત છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આજ ક્રાઈટેરિયા એમવાયએસવાયની યોજનામાં અપનાવવામાં આવતો નથી. સરકારે એમવાયએસવાય યોજના માટે આવકની મર્યાદા 6 લાખની જ રાખી છે. બીજી તરફ દેશમાં આઈટીના મામલે પણ સરકાર એવું જ માને છે કે જેની આવક છ લાખની છે તે આઈટી ચૂકવવાને પાત્ર છે. આ વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં પણ જેની આવક 3થી 7 લાખની છે તેણે 5 ટકા આઈટી ચૂકવવાનો રહેશે તેવી જોગવાઈ કરી છે.

સરકારની જ બે અલગ અલગ નીતિને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સરકારની નીતિ ગણો કે બજેટ ગણો, તેને ઘડનારા હોંશિયાર ઈકોનોમિસ્ટ કે પછી સનદી અધિકારીઓ હોય છે પરંતુ આ તમામમાં ક્યાંય એકરૂપતા જોવા મળતી નથી. સરકારે ખરેખર એ સ્પષ્ટ કરવું જોઈએ કે આર્થિક રીતે પછાત ગણવાના હોય તો તેમાં આવકની મર્યાદા કેટલી?

દરેક કાયદાની જોગવાઈમાં આ મર્યાદા બદલાતી રહેવાને કારણે અનેક પરિવારો મુંઝવણમાં મુકાયેલા જોવા મળે છે. જે પરિવારને ઈડબલ્યુએસમાં અનામત મળે છે તેણે ઈન્કમટેક્ષ ચૂકવવાનો રહે છે અને તેને એમવાયએસવાય યોજનાનો લાભ મળતો નથી. જે પરિવારને ઓબીસીમાં નોન-ક્રિમીલેયરનો લાભ મળે છે તેણે પણ ઈન્કમટેક્સ ચૂકવવાનો રહે છે અને તેને પણ એમવાયએસવાય યોજનામાં લાભ મળતો નથી.

સરકારે ખરેખર આ મુદ્દે ચિંતન કરવાની જરૂરીયાત છે. આ તમામ મુદ્દા સીધા વિદ્યાર્થીઓને કે પછી જેમણે નોકરી લેવાની છે તેમને સ્પર્શે છે. સરકારની આ ગુંચવાડાભરી નીતિને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. જે રીતે કેન્દ્ર સરકારે આર્થિક પછાત મામલે આઠ લાખની આવકની મર્યાદા રાખી છે તેવી જ રીતે ગુજરાત સરકારે પણ એમવાયએસવાય માટેની આવકની મર્યાદા છથી વધારીને આઠ લાખ કરી દેવી જોઈએ.

આવી જ રીતે કેન્દ્ર સરકારે પણ ઈડબલ્યુએસમાં આવકની મર્યાદા 8 લાખની રાખી છે તેવી જ રીતે ઈન્કમટેક્સમાં પણ જેની આવક 8 લાખ સુધીની છે તેની પર કોઈપણ પ્રકારનો ટેક્સ નાખવો જોઈએ નહીં. આવા પરિવારોને ટેક્સની માયાજાળમાંથી મુક્તિ જ આપી દેવી જોઈએ. જો સરકાર આ મામલે ગંભીરતાથી વિચારીને નિર્ણય લેશે તો અનેક પરિવારોની મુશ્કેલીઓ દૂર થશે તે નક્કી છે.

સરકારની અનેક નીતિઓ એવી છે કે જેના ક્રાઈટેરિયા એકબીજા સાથે મેળ ખાતા નથી. સરકારે આવી નીતિઓ અને નિયમો માટે એક અલગ કમિટી બનાવીને તમામ માટે એકસરખા ક્રાઈટેરિયા બનાવવામાં આવે તે જરૂરી છે. જે તે સમયે સરકાર દ્વારા નિયમો કે પછી નીતિઓ ઘડી દેવામાં આવે છે પરંતુ આ નિયમો કે નીતિઓના ક્રાઈટેરિયા અન્ય નીતિ-નિયમો સાથે સુસંગત હોતા નથી તે સરકાર ભૂલી જાય છે. ઘણી વખત કેન્દ્ર અને રાજ્ય સરકારના આવકની મર્યાદાના ક્રાઈટેરિયા અલગ અલગ હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જો આ મામલે સંશોધન કરીને એકરાગિતા ઊભી કરવામાં આવશે તો તેનો સીધો લાભ લોકોને મળશે તે ચોક્કસ છે.

To Top