Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સતત વધી રહેલી આતંકવાદી (Terrorism) ગતિવિધિઓ વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અસલમાં કઠુઆ (Kathua) જિલ્લામાં સેનાના કાફલા પર તાજેતરમાં થયેલા હુમલામાં સામેલ જૈશ આતંકવાદી ગેંગના બે મદદગારોની સુરક્ષા દળોએ કઠુઆમાંથી ધરપકડ કરી છે. હવે આ મદદગારોની પુછપરછ કરી તેમના અન્ય સાથિદારોની માહિતી મેળવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ કઠુઆમાં સેના પર થયેલા હુમલા બાદ સેના સતત આતંકીઓ પર નજર રાખી રહી હતી. ત્યારે ગુરુવારે સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરી અને કઠુઆ આતંકવાદી હુમલા સાથે સંકળાયેલા જૈશ-એ-મોહમ્મદના બે સાથીઓની ધરપકડ કરી હતી. તેમજ તેમના થકી અન્ય આતંકીઓની માહિતી મેળવવાનું પણ શરૂ કર્યું હતું.

40 કટ્ટરપંથીઓની ઓળખ થઈ
જૈશ-એ-મોહમ્મદના બંને સહયોગીઓ પર સમયસર મહત્વપૂર્ણ માહિતી ન આપીને જાણીજોઈને મહત્વપૂર્ણ માહિતી છુપાવવાનો પણ આરોપ છે. ઉપરાંત બંનેએ જાણીજોઈને પોલીસને માહિતી ન આપવાનું નક્કી કર્યું, જેનાથી આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાના પ્રયત્નોમાં અવરોધ ઊભો થયો હતો. ત્યારે કઠુઆ આતંકી હુમલા બાદ આ કેસમાં 100 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી, પૂંચ, ડોડા, કઠુઆ, રિયાસી અને ઉધમપુર સહિત 40 કટ્ટર વિદેશી કટ્ટરપંથીઓની ઓળખ કરવામાં આવી છે.

4 હજારથી વધુ સૈનિકો તૈનાત
અગાઉ 8 જુલાઈના રોજ આતંકવાદીઓએ કઠુઆ શહેરથી 150 કિલોમીટર દૂર બદનોટા ગામમાં સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર જવાનો શહીદ થયા હતા અને એક સ્થાનિક પોલીસ સહિત કુલ પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. ત્યારે સેનાએ જમ્મુ ડિવિઝનમાંથી આતંકવાદને ખતમ કરવા માટે ટોચના પેરા કમાન્ડો અને પર્વતીય યુદ્ધમાં પ્રશિક્ષિત સૈનિકો સહિત 4,000 થી વધુ સૈનિકોને આ વિસ્તારમાં તૈનાત કર્યા હતા.

પાકિસ્તાન જમ્મુમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે આ મામલે જણાવ્યું હતું કે પાકિસ્તાન જમ્મુની પ્રગતિને રોકવા માટે જમ્મુમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આતંકવાદીઓએ વહાવેલા સૈનિકોના લોહીના દરેક ટીપાનો બદલો લેવામાં આવશે. તેમણે આ ટિપ્પણી જમ્મુ ક્ષેત્રમાં છેલ્લા 45 દિવસમાં શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાના સંદર્ભે કરી હતી. તેમજ તેમના જણાવ્યા મુજબ હવે ટુંક સમયમાં જ જમ્મુમાં આતંકી ગતિવિધિયો ઉપર નિયંત્રણના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

To Top