Top News

More Posts

   The Latest

Most Popular

શિનોર

શિનોર : સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી વડોદરાના 68 વર્ષીય વૃદ્ધને ભારે પડી ગઈ હતી. ફેસબુક પર ‘પિંકી પટેલ’ નામની યુવતી સાથે મિત્રતા કર્યા બાદ, યુવતી અને તેના સાગરિતોએ વૃદ્ધ પાસેથી ₹7 લાખ પડાવ્યાનો કેસ બહાર આવ્યો છે. વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ શિનોર પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે.

ફરિયાદ મુજબ ઘટનાની વિગત પ્રમાણે, વડોદરા મહાલક્ષ્મી પાર્ક (વારસિયા–હરણી રોડ) ખાતે રહેતા કમલેશભાઈ દવે (ઉ.વ. 68) એ ફેસબુક પર આવેલી મિત્રતા વિનંતી સ્વીકારી હતી. ત્યારબાદ મેસેન્જર મારફતે વાતચીત શરૂ થઈ અને બંનેએ મોબાઈલ નંબરનું આપલે કર્યું.

તારીખ 02-12-2025, સવારે 10 વાગ્યે, પિંકી પટેલ યુવતી સાથે એક્ટિવા લઈને તેઓ શિનોર તાલુકાના માલસર ગામ સુધી ગયા હતા. ત્યાંથી વડોદરા પરત ફરતા સમયે, શિનોર ગરનાળા નજીક તેઓ બેઠા હતા ત્યારે એક સફેદ કાર આવી હતી. કારમાંથી ચાર વ્યક્તિઓ ઉતર્યા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી. તેઓએ કહ્યું કે—“અમે હિંમતનગરથી આવ્યા છીએ, તમારા સાથે આવેલી યુવતી 5 ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી છે.”

આ બહાને તેમણે વૃદ્ધને કારમાં બળજબરીથી બેસાડ્યા.
પછી “પોલીસના ડબ્બામાં બેસાડીને લઈ જઈશું” એવી ધમકી આપી તેમની પાસેથી ₹7 લાખનો ચેક લખાવી લીધો હતો. ત્યારબાદ બેંકમાં લઈ જઈ ચેકના નાણાં ઉપાડ્યા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વૃદ્ધે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે તપાસ શરૂ કરી અને એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

To Top