Top News

More Posts

   The Latest

Most Popular

હાલમાં બહાર પડેલા આંકડાઓ મુજબ જુલાઇથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમા઼ ભારતે ૮.૨ ટકાના દરે વિકાસ નોંધાવ્યો છે. ૮.૨ ટકાના દરે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટસમાં વિકાસ એ અગાઉના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળાના વિકાસ  કરતા વધુ છે, જેણે ભારતને વિશ્વના સૌથી વધુ ઝડપે વિકસતા મોટા અર્થતંત્ર તરીકેનું તેનું ટાઇટલ જાળવી રાખવામાં મદદ કરી છે એમ હાલમાં જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પરથી જાણવા મળે છે. તહેવારોની  મોસમમાં વપરાશમાં વધારો થવા પહેલા જ આ જીડીપી વૃદ્ધિ આવી હતી જ્યારે કે  GSTમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

જોકે, તે ભારતીય નિકાસ પર વધારાના 25 ટકા દંડાત્મક ટેરિફની સંપૂર્ણ અસર આ ક્વાર્ટરમાં દેખાઇ  નથી. ચીનના 4.8 ટકા કરતા વધુ ભારતીય અર્થતંત્રનો વધુ ઝડપે વિકાસ થયો છે. જે ઉચ્ચ જાહેર રોકાણ, સેવાઓની માંગ, ઔદ્યોગિક ઉત્પાદન અને મજબૂત વપરાશ દ્વારા પ્રેરિત હતું. જો કે નીચા આધારની આંકડાકીય અસરો પણ  વિકાસ દરમાં દેખાય છે.  નીચા GDP ડિફ્લેટરે પણ થોડી તેજી આપી હતી આમ છતાં ભારતના અર્થતંત્રના પાયા મજબૂત છે તે વાત ચોક્કસ છે.ગ્રાહક ભાવ સૂચકાંક અને જથ્થાબંધ ભાવ સૂચકાંક બંને પર આધારિત ફુગાવો પહેલા ત્રિમાસિક ગાળાની તુલનામાં બીજા ત્રિમાસિક ગાળામાં ઓછો હતો. ખાદ્ય  ફુગાવામાં ઘટાડો થવાથી વિવેકાધીન ખર્ચમાં વધારો થયો હતો. અને પરિણામે વિકાસને વેગ મળ્યો છે.

સરકારી આંકડાઓ આવ્યા તેના  પછી આરબીઆઇએ નાણાકીય વર્ષ 2026 માટે જીડીપીનો અંદાજ વધારીને 7.3 ટકા કર્યો છે. આ અગાઉના અંદાજ કરતાં લગભગ અડધા ટકા વધુ છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મજબૂત આર્થિક પ્રદર્શનને પગલે રિઝર્વ બેંકે શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિનો અંદાજ 6.8 ટકા પરથી વધારીને 7.3 ટકા કર્યો છે. પુરવઠા બાજુએ, વાસ્તવિક ગ્રોસ વેલ્યુ એડેડ  (GVA) 8.1 ટકા વધ્યો, જે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં તેજીને કારણે થયું છે. ડિસેમ્બર નાણાકીય નીતિનું અનાવરણ કરતા, ઉચ્ચ-આવર્તન સૂચકાંકો સૂચવે છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ સ્થિર રહી છે, જોકે કેટલાક અગ્રણી સૂચકાંકોમાં નબળાઈના કેટલાક ઉભરતા સંકેતો છે એમ તેમણે  કહ્યું  હતું.

GST તર્કસંગતકરણ અને તહેવાર સંબંધિત ખર્ચે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન સ્થાનિક માંગને ટેકો આપ્યો હતો એમ તેમણે કહ્યું અને ઉમેર્યું કે ગ્રામીણ માંગ મજબૂત રહી છે જ્યારે શહેરી માંગ સતત સુધરી રહી છે. આ  બધા પરિબળોને ધ્યાનમાં લેતા, 2025-26 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ 7.3 ટકા રહેવાનો અંદાજ છે, જેમાં Q3માં 7 ટકા અને Q4માં 6.5 ટકા  વિકાસદર રહેવાનો અંદાજ છે. બાહ્ય મોરચે, ગવર્નરે જણાવ્યું હતું કે વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) મજબૂત ગતિએ વધ્યું છે. જો કે એ પણ વાસ્તવિકતા છે કે શેરબજારમાંથી વિદેશી ભંડોળોનો આઉટફ્લો ચાલુ છે અને રૂપિયો પણ છેલ્લા કેટલાક દિવસથી ફરીથી સતત ઘસાઇ રહ્યો છે.

રિઝર્વ બેંકે શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ નોંધપાત્ર રીતે ઘટાડીને 2.6 ટકા કર્યો હતો કારણ કે અર્થતંત્રમાં ઝડપથી ડીસઇનફ્લેશન જોવા મળી રહ્યું છે. 2016માં ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ (FIT)  અપનાવ્યા પછી પહેલી વાર, 2025-26 ના બીજા ક્વાર્ટરમાં એક ક્વાર્ટર માટે સરેરાશ હેડલાઇન ફુગાવો 1.7 ટકા હતો, જે ફુગાવાના લક્ષ્ય (4 ટકા) ની નીચલી ટોલરન્સ થ્રેશોલ્ડ (2 ટકા)ની નીચે જતો રહ્યો છે. ઓકટોબર  2025 માં તે વધુ ઘટીને માત્ર 0.3 ટકા થયો, જે અત્યાર સુધીનો સૌથી નીચો દર છે. ફુગાવો ઘટ્યો તે સારી બાબત છે અને આરબીઆઇએ તેનો રેપો રેટ હાલમાં ઘટાડ્યો છે.

આ પહેલા GDP ના આંકડાઓ પર ટિપ્પણી કરતા, ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે વર્તમાન વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખીને, ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 4 ટ્રિલિયન ડોલરને પાર કરે  તેવી અપેક્ષા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ભારતનું GDP  3.9 ટ્રિલિયન ડોલર હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની અર્થવ્યવસ્થાએ 8  ટકાનો વિકાસ દર નોંધાવ્યો હોવાથી, GDP વૃદ્ધિ દર માટે સંપૂર્ણ વર્ષનો અંદાજ હવે 7 ટકા અથવા 7 ટકાથી વધુ છે. વિકાસની આ ઝડપી ગતિ છતાં કેટલાક પ્રતિકૂળ પરિબળો પણ છે જ, જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. મહત્વની વાત એ છે કે વિકાસની આ ગતિ જળવાઇ રહેવી જોઇએ.

To Top