Top News

More Posts

   The Latest

Most Popular

ઓવરલોડ ડમ્પર સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

સાવલી તાલુકામાં ખાણખનીજ વિભાગની મોટી કાર્યવાહી

સાવલી: સાવલી તાલુકાના રાણીયા પંથકમાં આવેલા ભાદરવા–મોક્સી રોડ પર ખાણખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગની ટીમે બેરોકટોક રીતે રેતી ખનન કરી ઓવરલોડ રેતી સાથે પસાર થતા ચાર ડમ્પરોને રોકી કબ્જે કર્યા હતા. લાખો રૂપિયાના મૂલ્યાંકનનો મુદ્દામાલ કબ્જે કર્યા બાદ તમામ ડમ્પરોને ભાદરવા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. વિભાગ દ્વારા ઓવરલોડ રેતીની સચોટ ગણતરી કર્યા બાદ દંડ સહિતની આગળની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. આ કાર્યવાહી પછી ખનન માફિયા અને ઓવરલોડ ખનીજ વહન કરતા તત્વોમાં હડકંપ મચી ગયો છે.

રાણીયા પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન સામે નારાજગી

સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ રાણીયા, ભાદરવા, ખાંડી, જાલમપુરા અને પરથમપુરા ગામોમાં ગેરકાયદેસર રેતી ખનનનો ધમાધમ ધંધો લાંબા સમયથી ચાલી રહ્યો છે. મહીસાગર નદી ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે અને આ વિસ્તારની પ્રજા નદીને ‘માં મહી’ તરીકે પૂજે છે. સ્થાનિક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા ‘માં મહી બચાવો અભિયાન’ અંતર્ગત અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી સુધી નોંધ લેવામાં આવી હતી.

આ તાજેતરની કાર્યવાહી બાદ ફરી એકવાર સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે કે રાણીયા પંથકમાં ચાલતા બેરોકટોક અને ગેરકાયદેસર રેતી ખનન પર કડક રોક મૂકવામાં આવે અને જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે.

To Top