Top News

More Posts

   The Latest

Most Popular

માનવશક્તિની ઉત્ક્રાંતિ અને વિકાસની ઝડપ વિકસી રહી છે. આપણાં માતા-પિતાએ ખેતરથી મોટર સુધીની વિકાસયાત્રા જોઈ. આપણી પેઢીએ, મોટરથી વિમાન અને તેનાથી આગળ ચંદ્ર ઉપર માનવીને ઊતરતો જોયો. ઈન્ફરમેશન ટેક્નોલોજીના વિકાસની હરણફાળમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા, જીવનપદ્ધતિમાં આમૂલ ફેરફારો જોયા. વિજ્ઞાનની અનેક શોધોએ માનવજીવનની વિકાસયાત્રા તેજ ગતિથી ઝડપી બનાવી. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(AI)ના શોધકે પોતે તેને માનવજાતના વિનાશ માટેનું એક મોટું પરિબળ ગણાવ્યું છે.

આપણા કરતાં અનેકગણું માનસિક કૌશલ ધરાવતાં, આપણાં સંતાનોની વિચારવાની શક્તિ, વાણી-વર્તન કે જીવનશૈલી વિશાળતાથી વિકાસ પામેલી છે. આ હકીકત સ્વીકારીએ તો પછી જનરેશન ગૅપ’નો ફાંસલો ઓછો દેખાશે. વૃદ્ધ દાદા-દાદી, પૌત્ર-પૌત્રીઓને તેમના અનુભવની વાતો દ્વારા, સારા સંસ્કાર આપવાની ભાવનાથી પોતાના જીવનની વાતો કરે, ત્યારે ત્રીજી પેઢીના માનસિક કૌશલના સ્તરનો ખ્યાલ પણ જરૂરી છે. અનુભવી દાદા-દાદીએ તેમની વાત સાંભળતાં પૌત્ર-પૌત્રીઓના ચહેરા ઉપરના હાવભાવ અને પ્રતિભાવ જોઈને જ આગળનો દોર ચલાવવો જોઈએ.

તમે તમારું જ હાંકે રાખો, તમારી ત્રીજી પેઢી  તમારી માનમર્યાદા અને પ્રેમને કારણે કંઈ પ્રતિભાવ ન પણ આપે. પોતાની વાતોની હાસ્યાસ્પદ સંવેદનાની રેખાઓ ન વાંચી શકે, તેવાં દાદા-દાદી માન-મર્યાદાના જોખમે, સંસ્કારસિંચનનો પ્રયત્ન કરે છે. સંયુક્ત કુટુંબમાં રહેતાં પુત્ર-પુત્રીઓને જુઓ તો, તેમનો તમારા ઉપર અનહદ પ્રેમ હોય. તેમના ધંધા, વ્યવસાય કે નોકરીમાં એટલા બધા ગળાડૂબ હોય કે ઘરે આવીને તેમનાં પત્ની કે બાળકો સાથે વાત કરવાનો સમય શોધતાં હોય. તમે તમારી વાત કસમયે કરો તો તેમના જવાબમાં ક્યાંક તોછડાઈ પણ દેખાય.

વાત કરવાના યોગ્ય સમયનો વિવેક, વૃદ્ધત્વમાં ભૂલીએ તો જનરેશન ગૅપને દોષ ન દેવાય. પોતાની મર્યાદાને અવગણી છોકરાઓ અપમાન કરે છે, તેવું માનનાર વૃદ્ધ માતાપિતા પોતાના માટે અકારણ દુઃખના ડુંગરા ખડકે છે. સંયુક્ત કુટુંબમાં રહેનાર વડીલ માતાપિતાએ, પોતાનું ઘર હોવા છતાં, વૃદ્ધાશ્રમમાં જવા અથવા એકલદોકલ જુદા રહેવા કરતાં, પોતાના ઘરમાં પેઇંગ ગેસ્ટ જેવા રહેવાનું થાય તોપણ, તેવું માનસિક વલણ ધરાવવું હિતાવહ બની શકે.

આવી પરિસ્થિતિના અપવાદમાં, શાંતિના સમયે પુત્ર કે પુત્રવધૂને વાત કરતાં તોછડાઈભર્યો જવાબ મળે, તો તે આપણા જ સંસ્કારનું પ્રતિબિંબ સમજી, જીવનના કડવા ઘૂંટ પી જવામાં, ઉત્તરાવસ્થાનું શાણપણ સમાયેલું છે. તમને પૂછવામાં આવે તેટલી જ બાબતોના ટૂંકા શબ્દોના જવાબમાં, ઉત્તરાવસ્થાનું કલ્યાણ છે. માનસિક અને શારીરિક તંદુરસ્તી ધરાવનાર દાદા-દાદી, પોતાનાં પૌત્ર કે પૌત્રીને કમ્પ્યૂટર, મોબાઈલ ફોન કે ટી.વી. બાબતે કોઈ પ્રશ્ન પૂછે તો આ બાળકો તેનો ઉકેલ તરત બતાવી દેશે. એ કેવી રીતે કર્યું તે શીખવાનો પ્રયત્ન કરશો તો કહેશે કે ‘દાદા, તમને હું પછી શીખવાડીશ’. આવા જવાબ માટે તેમનો તમારા પ્રત્યેનો પ્રેમ ઓછો છે તેવું નથી. નવી ટેક્નૉલૉજી અંગેની તમારી સમજ મર્યાદા ઉપર પડદો રાખવાનો પ્રયત્ન પણ હોય.

આનો અર્થ એવો નથી કે વરિષ્ઠ નાગરિકોએ નવા જમાનાના વિકાસ અને વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન છોડી દેવો. જે કોઈ વ્યક્તિ કે માર્ગદર્શક મળે તેને ગુરુ તરીકે સ્વીકારી, નવું શીખવાનો પ્રયત્ન લાંબું, હેતુસભર અને તંદુરસ્ત જીવન જીવવાનું માધ્યમ બની રહેશે. વૃદ્ધોને જુનવાણી માનનારને જવાબ છે કે….
‘पुराना वो नहीं, जो पुराने जमाने में पैदा हुआ, पुराना वो है, जो पुराने जमाने में अटका हुआ है ।’
આજના સમયનાં વરિષ્ઠ નાગરિકોની સૌથી મોટી વિટંબણા, આ ટૅક્નૉલૉજીના જીવનની કરામતોને સમજવાની મથામણ છે. ભણેલ વૃદ્ધ પણ મનોમન મૂંઝાય. આ વિષય અંગેના સાહિત્યને વાંચવાનો પ્રયત્ન, વણઉકલ્યા બીજા ચાર પ્રશ્નો પેદા કરે. અગાઉની પેઢીમાં, અભણ માણસ માટે કહેવાતું કે તેને બિચારાને ‘કાળા અક્ષર ભેંસ બરાબર’. આજના ‘ભણેલાં-ગણેલાં વરિષ્ઠો માટે, ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી અને વિજ્ઞાનના કરામતી શબ્દો પણ કાળા અક્ષર ભેંસ બરાબર જ છે.’

આજની આ વૃદ્ધ પેઢીને માનસિક ખોરાક આપી તંદુરસ્ત રાખવા સરકાર અને સેવાભાવી પબ્લિક ટ્રસ્ટોએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, મોબાઇલ અને ટી.વી. અંગેના શિક્ષણનું જ્ઞાન આપવાના કોચિંગ કલાસ શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ જેવો અમૂલ્ય મંત્ર આજે ઇતિહાસનું એક જર્જરિત પાનું બની ગયું છે. આજની સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબ પણ હવે ટકી શકવા મુશ્કેલ બનતાં જાય છે. સંયુક્ત કુટુંબના પારિવારિક સંબંધોમાં, એકબીજાની ક્ષતિઓને જતી કરવાની ભાવના અને તે ઊણપને પૂરવાની ક્ષમતા અને સમતા જે કુટુંબીજનમાં હોય, તેમની ઉદાત્ત ભાવના કુટુંબના પ્રેમભર્યા જોડાણનો સેતુ છે. આવાં સંયુક્ત કુટુંબ હવે ઝડપથી વિખરાતાં અને વિસરાતાં જાય છે.

ટી.વી. અને મિડિયા માધ્યમો દ્વારા, પશ્ચિમી સંસ્કૃતિના સંસ્કારનું ભારતીય યુવા પેઢી, ત્વરિત ગતિએ આંધળું અનુકરણ કરી રહી છે. આ એક મોટી ચિંતાનો વિષય છે. ‘અમે બે અને અમારાં બે’નું માળખું પણ કેટલાં વર્ષ લાંબું ટકશે તે એક મોટો પ્રશ્ન છે. ત્રીજી પેઢી કદાચ ‘હું અને અમારાં બે’ પછી ‘હું અને હું જ’ એમ પણ કહેશે તો નવાઈ નહિ. આજે સમાજમાં પરિણીત કે અપરિણીત પુરુષ અને સ્ત્રી, લીવ ઇન રિલેશનમાં રહેતાં જોવા મળે છે. આવા સંબંધોથી જન્મેલાં બાળકો સાથે સમાજમાં પૈસા કે પ્રતિષ્ઠાને કારણે, તેઓને માનમરતબો મળતાં રહે તે અજુગતું હોવા છતાં, આજનો સ્વાર્થી સમાજ તેને સ્વીકારી લે છે. આજની આવી પરિસ્થિતિના નિર્માણથી, ત્રીજી ચોથી પેઢીનાં સંતાનોને વ્યાપારી એકમો દ્વારા ઉછેરવાની કલ્પના અતિશયોક્તિ નહીં ગણાય.
– આર. એસ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top