૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડા પ્રધાને વધુ એક વાર કહ્યું કે, ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે. એની કિંમત અમે ચૂકવી છે પણ પરવા નથી. ભ્રષ્ટ લોકોમાં ભય જાગે એવી કાર્યવાહી અમે કરતાં રહીશું. બીજી બાજુ, હમણાં જ જેલમાંથી બહાર આવનાર આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, જેલમાં જતાં કોણ ડરે છે? તમે સારાં કામ કરતાં હો તો જેલમાં જવાથી શા માટે ડરવાનું? હા, અમારા પર સંકટ આવ્યું પણ હવે ભાજપ પર સંકટ આવી રહ્યું છે.
બન્ને નિવેદનો મહત્ત્વનાં છે. વડા પ્રધાને કહ્યું એમ જ સમાજમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓનું મહિમામંડન થઇ રહ્યું છે. ઇન્દિરા ગાંધીએ કહેલું કે, ભ્રષ્ટાચાર અનિવાર્ય અનિષ્ટ છે. પણ આજે દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો છે એમ કહીએ તો જરાય ખોટું નથી. વિપક્ષી નેતાઓ સામે જે રીતે પગલાં લેવાય છે અને એમને જેલમાં નાખવામાં આવે છે એ સામે સવાલો તો છે જ. કોર્ટમાંથી આવા નેતાઓને મુક્તિ એટલે કે જામીન મળે છે એ શું દર્શાવે છે? પહેલાં આપના નેતા સંજયસિંહ જામીન પર છૂટ્યા અને હવે દોઢ વર્ષે મનીષ સિસોદિયા છૂટ્યા છે. અગાઉ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ છૂટ્યા. આ બધાના છૂટવા અને આસારામ બાપુઓ અને રામ રહીમ બાબાનું જામીન પર છૂટવું એ બંનેમાં બહુ બધો ફર્ક છે. આ બંને બાબા સામે શું ગુના છે એ આપણે જાણીએ છીએ અને રામ અહીં બાબા કેટલી વાર અને કેવા સમયે જામીન પર છૂટે છે એ આખો દેશ જાણે છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહે ઈન્ટરવ્યુમાં કેટલીક મજાની વાત કરી હતી. પણ એના કરતાં પણ વધુ સારી વાત સિસોદિયાએ કરી છે. એણે કહ્યું કે, જેલમાં સમયનો સદુપયોગ કેમ કરવો એ હું વિચારતો. મેં બે વાત મારી બહુ બધું ધ્યાન કર્યું અને બહુ બધું વાચન. રામાયણ, ગીતા અને ઉપનિષદો વાંચ્યા અને ક્વોન્ટમ ફીઝીક્સ પણ. શિક્ષણ મારો પ્રિય વિષય છે અને એમાં વધુ શું થઇ શકે એ વિષે વિચાર્યું.
હવે સિસોદિયા બહાર આવ્યા છે અને બહુ જલદી કેજરીવાલ બહાર આવશે. આ બંને જેલમાં હોવાથી દિલ્હીમાં આપ માટે સરકાર ચાલવવાનું મુશ્કેલ બની ગયું હતું. સિસોદિયા બહાર આવતાં હવે એમની ભૂમિકા નક્કી થશે. એ ફરી ઉપમુખ્યમંત્રી બને એવી પૂરી શક્યતા છે. જો કે, સિસોદિયાએ કહ્યું કે, મારી ભૂમિકા શું હશે એ કેજરીવાલ નક્કી કરશે અને એ જલદી બહાર આવવાના છે. અત્યારે તો સિસોદિયા સરકાર સંભાળે અને સંજય સિંહ દેશમાં આપનો વિસ્તાર કરે એવું નક્કી થયું હોય એમ લાગે છે. દિલ્હીમાં નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવે એ પહેલાં આપ ફરી પછી મજબૂત થઇ લડવા માગે છે.
સૌથી મોટી વાત એ છે કે, આપ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે કે નહિ એ તો કોર્ટ નક્કી કરશે પણ એમના મહત્ત્વના નેતાઓ જેલમાં જાય અને છતાં એમનો જુસ્સો તૂટે નહિ, એમના કાર્યકર્તા કામ કરતા રહે એ આજના રાજકારણમાં નોંધવા જેવી વાત છે. સિસોદિયાએ કહ્યું એમ , વિપક્ષે એક બની કામ કરવું પડશે. કારણ કે, શક્ય છે કે, રાહુલ ગાંધીને પણ જેલમાં મોકલવામાં આવે અને બીજા નેતા સામે ય એવાં કડક પગલાં લેવાય. આ સ્થિતિમાં આ આપના નેતા બહાર આવ્યા છે એ વિપક્ષ માટે સારી નિશાની છે.
વિનેશ ફોગાટને સરકાર શું આપશે?
પેરીસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ સાથે જે બન્યું એ કમનસીબી છે અને એના દ્વારા ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા અપીલ કરાઈ એ ફગાવી દેવાઈ છે અને વિનેશને કોઈ ચન્દ્રક નહિ મળે એ ખાલી હાથે નિરાશ થઇ વતન પાછી આવી છે. હવે એનું સન્માન દેશ કઈ રીતે કરે છે એ જોવાનું છે. હરિયાણા સરકાર શું કરે છે અને કેન્દ્ર સરકાર વિનેશ પર કેટલો ખર્ચ થયો એનાથી આગળ વધી કંઈ કરે છે કે નહિ એ જોવાનું છે. હરિયાણા ખાપ પંચાયતોએ વિનેશને ગોલ્ડ મેડલ આપવાની વાત કરી છે. હરિયાણામાં આ વર્ષના અંત પહેલાં ચૂંટણી છે એટલે હરિયાણા સરકાર પણ વિનેશને વધાવે એ શક્ય છે. પણ સરકાર અને રેસલિંગ ફેડરેશન શું કરે છે? વિનેશે ક્ષેત્રસન્યાસની જાહેરાત કરી છે એ મુદે્ કોઈ એને સમજાવી શકે છે કે કેમ? આ મુદે્ રાજકારણ નહિ પણ દેશની એક ઉત્તમ ખેલાડી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી દેશને ગૌરવ અપાવે એવું કંઈક થાય એ આવશ્યક છે.
યુપીમાં યુવાઓ માટે રોજગાર યોજના
યુપીમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં પછડાટ મળી અને દસ બેઠકની પેટા ચૂંટણી થવાની છે એમાં કોઈ નુકસાન ના થાય એ માટે તૈયારી શરૂ થઇ છે. સ્વાતંત્ર્ય દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુવાઓને રોજગાર માટે જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણીમાં વિપક્ષે રોજગારીનો પ્રશ્ન જોરશોરથી ઉઠાવ્યો હતો એના જવાબરૂપે યોગીજીએ યુવા ઉદ્યમી વિકાસ અભિયાન નામે યોજના જાહેર કરી છે. આ યોજના તળે જે યુવા સાહસિકો છે એમને કરવામાં આવશે. પાંચ લાખ એમએસએમઈ એકમો શરૂ થાય અને એમાં દસ લાખ યુવાઓને રોજગારી મળે એવી આ યોજના છે. યોગીજીએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૧.૬૨ કરોડને રોજગારી મળી છે. આ આંકડા કેટલા સાચા છે એ આપણે જાણતા નથી. એમ તો સરકાર કહે છે કે, બેરોજગારીનો દર નીચે આવ્યો છે પણ સીએમઆઈઈના આંકડા જૂદું ચિત્ર દર્શાવે છે. યુવાનોમાં નોકરી માટે લાયકાતની સમસ્યા છે એને એડ્રેસ કરાતી નથી. એ પણ બેરોજગારીની સમસ્યા વધુ ગંભીર બનાવે છે. બેરોજગારી દૂર થાય અને રોજગારના અવસર વધુ ને વધુ પેદા થાય એ માટે માત્ર જાહેરાતો નહીં પણ નક્કર પગલાં લેવાં આવશ્યક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.