Top News

More Posts

   The Latest

Most Popular

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. ૩૦ વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડા પ્રધાન યુક્રેનની મુલાકાત લેશે. ઘણાં લોકો માને છે કે વડા પ્રધાન મોદીની યુક્રેનની મુલાકાત રશિયાને અસ્વસ્થ કરી શકે છે, પરંતુ એક અભિપ્રાય એવો પણ છે કે રાષ્ટ્રપતિ પુતિનની ચીન મુલાકાતથી ભારત બહુ ખુશ નથી. ભારત હવે રશિયાને બતાડી દેવા માગે છે કે તે સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે. જો રશિયાના રાષ્ટ્રપતિ ચીનની મુલાકાતે જઈ શકે તો ભારતના વડા પ્રધાનને યુક્રેનની મુલાકાતે જતાં દુનિયાની કોઈ તાકાત અટકાવી શકતી નથી.

ગયા મહિને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે ગયા હતા. યુક્રેનમાં રશિયન હુમલા બાદ મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત હતી. જ્યારે વડા પ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મોસ્કો પહોંચતાંની સાથે જ એકબીજાને ગળે લગાવ્યા ત્યારે પશ્ચિમી મિડિયામાં તેની ભારે ટીકા થઈ હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને પણ પુતિન અને મોદી વચ્ચે ગળે મળવાનું પસંદ નહોતું. આ ઘટનાને લગભગ દોઢ મહિનો થઈ ગયો છે અને હવે વડા પ્રધાન મોદી યુક્રેનના પ્રવાસે જઈ રહ્યા છે. જાણકારોના મતે ભારતે તંગ દોરડા પર નર્તન કરવાના ભાગરૂપે આ નિર્ણય કર્યો છે.

તાજેતરમાં યુક્રેને રશિયાના કેટલાક વિસ્તારોને પણ પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે. એવી આશંકા છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. આવી પરિસ્થિતિમાં મોદીના યુક્રેન પ્રવાસના સમયની ચર્ચા થઈ રહી છે અને સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે જ્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે ત્યારે મોદી યુક્રેન કેમ જઈ રહ્યા છે? યુક્રેનની તાજેતરની આક્રમકતાએ યુદ્ધવિરામના પ્રયાસોને ફટકો માર્યો છે. યુક્રેનની આઝાદી બાદ કોઈ ભારતીય વડા પ્રધાને મુલાકાત લીધી નથી. ખાસ કરીને જ્યારે યુદ્ધના કારણે તણાવ વધી ગયો છે ત્યારે વડા પ્રધાન મોદી પાસે યુક્રેન જવા માટે કોઈ નક્કર કારણ નથી. યુક્રેનમાં ઘૂસણખોરી બાદ રશિયા તેના પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાને અહીં યુદ્ધવિરામમાં કોઈ રસ નથી. આ સમયે મોદીની યુક્રેનની મુલાકાત ભારત માટે ઘણી ખરાબ સાબિત થઈ શકે છે, તેમ નિષ્ણાતો માને છે.

ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બે વાર મળ્યા છે. મે ૨૦૨૩માં મોદી અને ઝેલેન્સકી વચ્ચે જાપાનમાં મુલાકાત થઈ હતી. જૂન ૨૦૨૪માં બંને નેતાઓ ઈટાલીમાં પણ મળ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતનો ઝુકાવ રશિયાતરફી જ રહ્યો છે. ભારતે ક્યારેય યુક્રેન પરના રશિયન હુમલાની નિંદા કરી નથી અને ન તો સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવોને સમર્થન આપ્યું છે. જો કે, ભારત યુક્રેનને માનવતાવાદી સહાય આપી રહ્યું છે.

છેલ્લાં ૨૫ વર્ષમાં ભારત અને યુક્રેન વચ્ચે વેપાર સંબંધોમાં વધારો થયો છે. ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષમાં બંને દેશો વચ્ચેનો વેપાર ૩.૩ અબજ ડોલરનો હતો. તેની સરખામણીમાં રશિયા અને ભારત વચ્ચે લગભગ ૬૦ અબજ ડોલરનો વેપાર હતો. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત અને રશિયા વચ્ચે ૧૦૦ અબજ ડોલરનો વેપાર થવાની આશા છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે ચાર હજાર ભારતીય વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ફસાયા હતા. પોલેન્ડે આ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વડા પ્રધાન મોદી યુક્રેનની મુલાકાત પહેલાં પોલેન્ડ પણ જવાના છે. વડા પ્રધાન મોદી ૪૦ વર્ષમાં પોલેન્ડની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન છે.

લગભગ એક મહિના પહેલાં ૮ અને ૯ જુલાઈના રોજ નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે હતા. તે સમયે યુક્રેનમાં રશિયન મિસાઈલ હુમલાના કારણે ડઝનબંધ લોકો માર્યા ગયાં હતાં. મિસાઈલ હુમલામાં કેટલાંક બાળકોનાં મોતના સમાચાર પણ આવ્યા હતા. તે જ સમયે, વોશિંગ્ટનમાં નાટોની વિશેષ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ ભાગ લીધો હતો. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને વિદેશ વિભાગના અધિકારી ડોનાલ્ડ ટ્રમ્પ સહિત કેટલાક વરિષ્ઠ અમેરિકી અધિકારીઓએ મોદીની રશિયાની મુલાકાતને સમય અને સંદેશના સંદર્ભમાં નિરાશાજનક ગણાવી હતી. ઝેલેન્સકીએ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેના ગળે મળવા પર તીખી પ્રતિક્રિયા આપી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે મોદીના રશિયા પ્રવાસથી થયેલા નુકસાનને ઘટાડવા માટે અને અમેરિકાની નારાજગી દૂર કરવા માટે ઘણાં પગલાં લીધાં હતાં. ભારતમાં યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકને વિદેશ મંત્રાલયમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા સાથે પણ દ્વિપક્ષીય સંબંધોના વધુ વિકાસ અંગે ચર્ચા કરવા માટે વાત કરી હતી. આ સિવાય ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના યુક્રેનિયન સમકક્ષ એન્ડ્રે યેરમાક વચ્ચે પણ ફોન પર વાતચીત થઈ હતી.ભારત અને યુક્રેન વચ્ચેના સંબંધો ઘણા જૂના છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેન જતાં હતાં. આ સિવાય ભારત અને યુક્રેન વચ્ચે પરસ્પર વેપાર પણ થયો છે. ભારત યુક્રેન પાસેથી ઘણી વસ્તુઓ ખરીદનાર છે. દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ અને સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાની ટીકા કરવાના ભારતના ઇનકાર વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા આ વર્ષે માર્ચમાં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કુલેબા સાથે પ્રાદેશિક અને વૈશ્વિક બાબતો અને શાંતિપૂર્ણ ઉકેલના મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવા પર વ્યાપક ચર્ચા થઈ હતી. ૨૫ માર્ચે તેમની મુલાકાતની જાહેરાત કરતાં કુલેબાએ કહ્યું હતું કે યુક્રેન ભારતને સશક્ત આંતરરાષ્ટ્રીય અવાજ તેમજ એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક શક્તિ તરીકે જુએ છે. તેનાથી વિપરીત, ઓગસ્ટ ૨૦૨૨ માં તેમણે પશ્ચિમી પ્રતિબંધો છતાં રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારતની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતને પૂરા પાડવામાં આવતાં રશિયન ક્રુડ તેલના દરેક બેરલમાં યુક્રેનિયન લોહીનો સોદો હોય છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે મિત્રતા અને ખુલ્લા સંબંધો છે અને યુક્રેને રશિયન હુમલા પછી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પગલાંનું સમર્થન કર્યું હતું.

૨૦૨૩માં ભારતમાં જ્યારે G-20 સંમેલન યોજાયું હતું ત્યારે અમેરિકાના દબાણ છતાં ભારતે યુક્રેનને તેમાં આમંત્રણ આપ્યું ન હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ કોન્ફરન્સમાં સામેલ થયા ન હતા. તે જ સમયે, ઝેલેન્સકીએ પશ્ચિમી દેશોમાં આયોજિત મોટા ભાગની મુખ્ય પરિષદોમાં ભાગ લીધો હતો. ઑક્ટોબર ૨૦૨૨ માં યુક્રેનના ચાર નવા વિસ્તારો પર રશિયાના કબજા અને ત્યાં લોકમત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ભારતે આ પ્રસ્તાવથી પોતાને દૂર કરી લીધું હતું. જુલાઈ ૨૦૨૪માં પણ રશિયા સાથે યુદ્ધ રોકવા સંબંધિત ઠરાવ પર સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન થયું હતું, ત્યારે પણ ભારત આ મતદાનથી દૂર રહ્યું હતું.

ફેબ્રુઆરી ૨૦૨૨ થી અત્યાર સુધી એવા ઘણા પ્રસંગો આવ્યા છે, જ્યારે ભારતે રશિયા વિરુદ્ધના પ્રસ્તાવથી પોતાને દૂર કરી લીધું હતું. પશ્ચિમી દેશોના વિરોધ અને પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. ભારતના વિદેશ મંત્રી જયશંકર ઘણા પ્રસંગોએ પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત કોઈ પક્ષે જણાતું નથી. એક તરફ ભારત રશિયા સાથે સંબંધો જાળવી રાખે છે તો બીજી તરફ યુક્રેનને પણ મદદ કરતું રહે છે. ચીન સાથેની સમસ્યાનો સામનો કરવા માટે ભારતને અમેરિકા અને પશ્ચિમી દેશોની જરૂર પડશે. માટે જ ભારતના વડા પ્રધાન મોદી યુક્રેનની મુલાકાતે જઈ રહ્યા છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top