ભલભલા કપાયાં – કપાઈ ગયાં જોતજોતાંમાં !…પણ, શ્રી કૃષ્ણ-નગરી દ્વારકાના પબુભા કપાયા નહીં- એમને આ ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપવી જ પડી ! આ એ યુગ ચાલી રહ્યો છે કે, ઉમેદવારે પોતાની ટિકિટ કપાયાનું કારણ ગોતવાનું નહીં હોય બલ્કી ક્યાંક ટિકિટ મળી ગઈ હોય તો તે મળ્યાનું કારણ સમજવાનું હોય ! પબુભા,તમને ભાજપમાંથી ટિકિટ કેમ મળી ? એમ તમે પબુભાને પૂછો તો તેઓ તરત તમને કહેવા લાગે કે…મારા મત-વિસ્તારમાં છેલ્લા ધોધ મહિનાથી કોઈ ને કોઈ સમાજ-કોઈ ને કોઈ સંસ્થા મારું જાહેર સન્માન કરતી આવી છે અને સન્માનોની આ હારમાળા જોઇને ભાજપના માન્ધાતાઓને પણ એમ થયું હશે કે પબુભાને ટિકિટ આપવી જોઈએ ! પબુભા પહેલાં અપક્ષ તરીકે ચૂંટણી લડતા હતા, પછી તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણીઓ લડવા લાગ્યા…કોંગેસ સાથે કોણ જાણે શું વાંધો પડ્યો તે ભાજપમાં આવી ગયા ને ભાજપ તરફથી ચૂંટણીઓ લડવા લાગ્યા…પબુભાએ ચૂંટણીઓ લડવાનું શરુ કર્યું પછી, તેઓ ક્યાંય હાર્યા નથી તે તમે જોયું ?
પહેલી નજરે તમને પબુભા કોઈ રીઢા ગુનેગાર જેવા જ લાગે ! લાંબા લાંબા કાળા ભમ્મર વાળ અને, મોટી-મોટી મૂછો…મૂછો એવી કે તે મૂંછ નહીં પણ ઉપલા હોઠની ઉપર બે મોટા સાપ આરામથી બેઠા હોય તેવું લાગે…મોટા ગોગલ્સ પહેરે અને, તેમણે રૂબરૂમાં મળનાર વ્યક્તિ હમેશા પબુભાની આંખો સુધી પહોંચવાની નિષ્ફળ કોશિશો કર્યા કરે. ઉપરથી, ગળામાં રુદ્રાક્ષની માળા બધાંને દેખાય તે રીતે પહેરે,પહેરેલી માળા કદી છુપાવીને નહીં રાખે ! આમ તો, પબુભા મહાદેવજી કહેતાં શિવજીના જ અઘોર ભક્ત! એમનું અંત:કરણ એટલે શિવજીને વિહરવાની એક ચોખ્ખી મોટી મઝાની જગ્યા…વળી, મોંઢેથી પણ “શિવ-શિવ”નિત્ય જપતાં રહે…શિવ-શિવ બોલતાં બોલતાં લાખોની સંખ્યામાં જાપ થઇ ગયા હશે !
આવા શિવ-ભક્ત પબુભા એક વાર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામની નિંદા કરવા બદલ મોરારી બાપુ પર ભારોભાર ગુસ્સે થઇ ગયા હતા. દ્વારકામાં કોઈ ઈમારતની અંદર એ નાનકડા રૂમમાં મોરારી બાપુ બેઠા હતા ત્યારે રાડો પાડતાં-પાડતાં પબુભા આવી પહોંચ્યા એ તો સારું હતું કે, ત્યાં પૂનમ મેડમ હતાં જેમણે પબુભાને “બાપુ નહીં-બાપુ નહીં…બાપુ-બાપુ”એમ મોટે અવાજે સંબોધીને રોક્યા…મોરારી બાપુ આબાદ બચી ગયા ! મોરારી બાપુ બચી નહીં ગયા હોતે તો, પબુભા પર મારફાડનો ગુનો નોંધાતે ! પણ, એક વાત તમને કહું તો તમને ય નવાઈ લાગશે…પબુભા ૧૯૯૦થી દરેક ચૂંટણી પોતાના બળ-બુટા પર જીતતા આવ્યા છે પણ હજુ તેમના નામ પર પોલીસ દ્વારા એક ગુનો નોંધવામાં આવેલો નથી…આટલી ચૂંટણીઓ જીતનાર એક કદાવર નેતા માટે આ બાબત અશક્ય લાગે તેવી છે. પબુભા કરોડપતિ નહીં પણ, કરોડોપતિ છે…કાયદાની ચુંગાલમાં ક્યાંય ફસાયા નથી.
આવા પબુભા માંડ ત્રીજું ધોરણ પાસ છે ! ઝાઝું ભણ્યા હોત તો, ગઈ ચૂંટણી વખતે ઉમેદવારી-પત્રકમાં પોતાનું મતવિસ્તાર કયો છે તે દર્શાવવાનું ભૂલી નહીં ગયા હોત ! શું થયેલું, ખબર છે ? પબુભા ઉમેદવારી નોંધાવતી વખતે પોતાનો કયો મતવિસ્તાર છે તે લખવાનું ભૂલી ગયેલા પણ, તોયે ચૂંટણી તો જાણે જીતી ગયા.પણ, કોંગ્રેસ તરફથી મેરામણભાઈ હાઈકોર્ટમાં ગયા અને, આખો કેસ સાંભળી હાઈકોર્ટે ચૂકાદો પબુભાની વિરુદ્ધમાં આપ્યો. આવી રીતે, એક ચૂંટણીની પોતાની જીત અને તે પાછળ કરવી પડેલી મહેનત એમને માથે પડેલી ! એ વિષે પબુભાને પૂછીએ તો, તેનો જરાયે અફસોસ કર્યા વગર તેઓ કહે કે, ચાર ખાનામાંથી એક ખાનું ભરવાનું રહી ગયેલું…એ કંઈ કોઈ મોટી ગંભીર ભૂલ નહોતી ! કોર્ટે એમની વિરુદ્ધ ચૂકાદો આપતી વેળા સ્પષ્ટ રીતે એમને વિધાનસભ્ય તરીકે કામો કરવા પર પાબંદી લગાવી દીધેલી…પણ, આપણે એમના મતવિસ્તારમાં જઈને પ્રજાને પૂછીએ કે બાબુભા કામ કરે છે ? તો, પ્રજા હકારમાં જ જવાબ આપે કે, “હા કરે છે !”
ડો. કૌશિક કુમાર દીક્ષિત