Editorial

‘વન નેશન વન વોટ’ ભારતમાં શક્ય બને તો ખૂબ સારી વાત

‘વન નેશન વન ઇલેક્શન’
વિશેષ સત્રમાં જે કોઈ નિર્ણય લેવામાં આવે એ ખરો, પણ આજે મુદ્દો ઉઠ્યો છે તો આપણે જાણી લઈએ કે, વન નેશન વન ઇલેક્શન છે શું? પહેલેથી વાત કરીએ તો, છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન મોદી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાના વિચાર પર ભાર આપી રહ્યા છે. હવે આ કાર્ય પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવાનો નિર્ણય સરકારે લીધો છે તે બાબત આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં સરકાર ગંભીર હોવાનું દર્શાવે છે. આમ તો, 2017માં રાષ્ટ્રપતિ બન્યા પછી કોવિંદ પણ મોદીના વિચારો સાથે સંમત થયા હતા અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાનું સમર્થન તેમણે કર્યું હતું. 2018માં સંસદને સંબોધતા રામનાથ કોવિંદે કહ્યું હતું કે, વારંવાર થતી ચૂંટણીઓ માત્ર માનવ સંસાધન પર બોજ જ નથી વધારતી, પરંતુ આચારસંહિતાનો અમલ પણ વિકાસની પ્રક્રિયામાં અવરોધે છે.

હવે જ્યારે મોદી સરકારનો બીજો કાર્યકાળ પૂરો થવાના આરે છે, ત્યારે તેની ટોચની નેતાગીરી વચ્ચે એક સંમતિ છે કે તેઓ આ મુદ્દાને વધુ સમય સુધી લંબાવી શકશે નહીં. વર્ષો સુધી આ અંગે ચર્ચા કર્યા બાદ નિર્ણાયક રીતે આગળ વધવાની જરૂર છે. અલબત્ત, મોદી સરકારની આ જ તો વિશેષતા રહી છે. મોદી વિઝનરી લીડર એટલે જ કહેવાય છે. તેમણે એ પાંચ વર્ષ પહેલાં જ જોઈ લીધું હતું કે, આગામી વર્ષોમાં વન નેશન, વન ઈલેક્શનની જરૂરત તેમની અને દેશની બંનેની જરૂરિયાત બની શકે છે. એટલાં માટે તેનાં પર ઓલમોસ્ટ કામગીરી કરી પણ લેવાઈ હશે.

પાર્ટીના નેતાઓનું માનવું છે કે મોદીના નેતૃત્વમાં સત્તારૂઢ ભાજપ હંમેશા સમર્થન મેળવવા માટે મોટા મુદ્દાઓ પર ટિકિટની વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવી સ્થિતિમાં વન નેશન, વન ઈલેક્શનનો મુદ્દો ભાજપ માટે રાજકીય રીતે પણ ફિટ છે અને વિપક્ષને પણ આ મુદ્દે ચીત કરી શકાશે. મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર વચ્ચે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પછી આવતા વર્ષે મે-જૂનમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. હવે સરકારના તાજેતરના પગલાએ લોકસભાની ચૂંટણી અને કેટલીક વિધાનસભાની ચૂંટણીઓ જે આગામી સમયમાં થવાની હતી, તે બાંધીને એકસાથે યોજવા માટેની શક્યતાઓને ખોલી નાખી છે. આમ પણ આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

અત્યારે દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાઈ રહી છે. વન નેશન, વન ઇલેક્શનનો મતલબ એવો થાય છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ, એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે. જે તામજામ કરવામાં આવે છે એ એકસાથે કરવામાં આવે. દેશનો ભૂતકાળ તપાસવામાં આવે તો, આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા બ્રેક થઈ હતી.

છેલ્લા બે દિવસમાં જે રીતે ઘટનાક્રમ બન્યો એ જોઈએ તો, કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હોવાની માહિતી  સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર પર એવું લખ્યું હતું કે – સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે. જોકે, સંસદના આ વિશેષ સત્રનો એજન્ડા શું હશે તે અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

દરમિયાન મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ‘એક દેશ એક ચૂંટણી’ની શક્યતા શોધવા માટે એક સમિતિની રચના કરી છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીને શુક્રવારે પત્રકારોએ આ સમિતિ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે સમિતિની રચના થઈ ચૂકી છે, તેમાં આટલો ગભરાટ શા માટે છે. હવે કમિટી રિપોર્ટ તૈયાર કરશે. આ પછી તેના પર ચર્ચા થશે. ત્યારબાદ સંસદમાં રિપોર્ટ આવશે અને તેના પર ચર્ચા થશે. સંસદ પ્રબુદ્ધ છે અને લોકો પણ સમજુ છે. ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી છે. ભારતની લોકશાહીમાં નવા વિષયો આવશે તો ચર્ચા થશે. આવતીકાલથી તેનો અમલ થશે નહીં. સંસદના વિશેષ સત્રમાં શું થશે તે બે-ત્રણ દિવસમાં જણાવવામાં આવશે. 1967 સુધી ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી. આ અંગે ચર્ચા થવી જોઈએ.

જોકે, બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશેષ સત્રમાં ‘એક દેશ એક ચૂંટણી’ બિલ રજૂ કરવામાં આવી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ સંસદને જૂની ઇમારતમાંથી નવી ઇમારતમાં ખસેડવાના હેતુથી આ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. કેટલાક લોકોનું માનવું છે કે અચાનક બોલાવવામાં આવેલા આ સત્ર દરમિયાન સરકાર કોઈ મહત્વપૂર્ણ બિલ પાસ પણ કરાવી શકે છે. અત્યારે આ બધું માત્ર અટકળો છે. બીજી તરફ તમામ પક્ષોના નેતાઓ સંસદનું વિશેષ સત્ર બોલાવવાના સમય પર સવાલો ઉઠાવીને તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપણી વાત પર પરત આવીએ તો, વન નેશન, વન ઇલેક્શન પર અત્યાર સુધીમાં મોદી સરકાર ઘણું કામ કરી ચુકી છે.

Most Popular

To Top