SURAT

STએ નવી 40 બસ દોડાવી, વોલ્વોની મુસાફરી સસ્તી પડશે

સુરતઃ ગુજરાત એસટી વિભાગ દ્વારા આજે તા. 1 ઓક્ટોબર 2025થી નવી 40 બસોનો પ્રારંભ કરાયો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતમાં નવી બસોને લીલી ઝંડી આપી હતી. આ 40 બસમાં 5 નવી વોલ્વો બસનો પણ સમાવેશ થાય છે.

સારી વાત એ છે કે હવે વોલ્વો બસની સફર પહેલાં કરતા સસ્તી થશે. મુસાફરો હવે માત્ર 1.50 રૂપિયા પ્રતિ કિ.મી.માં વોલ્વો બસમાં મુસાફરી કરી શકશે. આ ભાડુ પહેલાં 2.50 રૂપિયા પ્રતિ કિ.મી. હતું. વોલ્વોની સુવિધા હાલની વોલ્વો બસ જેવી છે. પરંતુ તેનું ભાડું 25 ટકા ઓછું કરી દેવાયું છે. જેનો લાભ મુસાફરોને મળશે.

આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક વર્ષમાં 2000થી વધુ બસનું લોકાર્પણ કરાયું છે. આવનારા દસ દિવસમાં એટલે કે દિવાળી પહેલાં નાગરિકો માટે બીજી નવી બસો દોડાવવાનો પણ એસટી વિભાગનો ટાર્ગેટ છે.

સંઘવીએ વધુમાં કહ્યું કે, GSRTCની વધતી સુવિધાઓને પગલે મુસાફરોની સંખ્યા પણ વધ છે. પાછલા બે વર્ષમાં મુસાફરોની સંખ્યામાં 2.15 લાખનો વધારો થયો છે. જે ઐતિહાસિક છે. આ સિદ્ધી બદલ એસટીના તમામ ડ્રાઈવર, કંડક્ટર તેમજ તેમના પરિવારજનોનો મંત્રી સંઘવીએ જાહેરમાં આભાર માન્યો હતો.

વોલ્વો બસની ખાસિયતો વિશે જાણો
બે બાય બેની વોલ્વો બસની કિંમત 40થી 45 લાખની કિંમતની છે. વોલ્વો બસની અંદર સીટ આગળ પાછળ થઈ શકે છે. સીટ વચ્ચે ચાર્જિંગ પોઈન્ટ પણ છે. બે એસી છે. રાત્રે લાઈટની વ્યવસ્થા છે. બસની પાછળ સાઈડ ફાયર એક્સ્ટિંગ્વિશર મુક્યા છે.

સુરતના આ સ્થળેથી ઉપડશે એક્સ્ટ્રા બસ
સુરતમાં દિવાળીના તહેવાર દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરાઈ છે. તા. 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફના રૂટ પર બસો દોડાવાશે. બસ રામચોક, મોટા વરાછાથી દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ માટે ઉપડશે. રામનગર રાંદેર રોડ બસ સ્ટેશન તેમજ સેન્ટ્રલ બસ સ્ટેશનથી પણ બસ ઉપડશે.

Most Popular

To Top