SURAT

કેદી જેલની બહાર જઈ શકશે: અમદાવાદ, વડોદરા બાદ હવે સુરતના લાજપોરમાં આવી જેલ બનાવાશે

સુરતઃ હાલમાં ગુજરાત (Gujarat) રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) બાદ વડોદરામાં (Vadodara) ઓપન જેલ (Open Jail) છે અને હવે સુરતમાં ઓપન જેલ બનવા તરફ જઇ રહી છે. એટલે કે સરકારના જે એકમો છે. તેમાં કેદીઓને કામ કરવા માટે સવારના દસથી સાંજના છ વાગ્યા સુધી છૂટ આપવામાં આવશે. ઓછી સજા કાપી રહેલા કેદીઓ માટે આ રીતે વિશેષ જોગવાઇ કરવામાં આવશે. તેમાં જેલ અધિક્ષકની સીધી નજર હેઠળ આ કામગીરી કરવામાં આવશે. આ કન્સેપ્ટ આવતા દિવસોમાં લાજપોર જેલમાં અમલ કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આદેશ અપાયા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું હતું કે, જેલમાં બંદિવાનો માટે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે હેતુથી આગામી સમયમાં સુરત જિલ્લામાં ઓપન જેલનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની તમામ જેલોમાં કેદીઓને સપ્તાહ દરમિયાન અલગ-અલગ પ્રકારનો પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ભોજન વ્યવસ્થાની નીતિ તૈયાર કરાઇ છે. મંત્રીઓને ૧૮ કલાકના ટુંકા સમયમાં જેલના કેદીઓએ રાસ ગરબાની કૃતિ રજુ કરીને સૌને ચકિત કર્યા હતા. આ ઉપરાંત મંત્રીઓએ લાજપોર જેલમાં જીમ્નેશિયમ તથા રાજ્ય સરકારની પેપરલેસ પધ્ધતિ દ્વારા સીધી હાઈકોર્ટમાં અરજી થઈ શકે તે માટે નવનિર્મિત ઈ-ફાઈલીગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેડિયો પ્રિઝન, લાયબ્રેરી, કોમ્પ્યુટર રૂમ, ભજીયા હાઉસ તથા બંદિવાનો દ્વારા ચાલતા હિરાના કારખાનાની જાત મુલાકાત લઈને રચનાત્મક સુચનો કર્યા હતા. આ ઉપરાંત લાજપોર જેલમાં છેલ્લા ઘણા સમયથી ખરાબ થઇ ગયેલી એમ્બ્યુલન્સની જગ્યાએ રાજ્ય સરકારે રૂા. 15 લાખની કિંમતની અત્યાધુનિક સુવિધા વાળી નવી એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. ઉપરાંત સુરતથી લાજપોર જેલને જોડતી સિટીબસ સેવાનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો હતો.

શું છે આ ઓપન જેલ..?

લાજપોર જેલ સત્તાધીશ ડીવાયએસપી પીજી નરવાડેએ જણાવ્યું કે જેલનો કેદી હોવા છતાં પણ તે સામાન્ય વ્યક્તિની જેમ બહાર નોકરી ઉપર જાય છે અને પોતાનું કામ પુરુ કરીને તે ફરી જેલમાં આવી શકે છે. કેદી કંઇ જગ્યાએ કામ કરે છે તેની નોંધ પણ જેલમાં કરવામાં આવે છે. સવારે નોકરી ઉપર ગયા બાદ સાંજે જ્યારે નોકરી ઉપરથી પરત આવે છે. તેની તમામ ગતિવિધીનો રેકોર્ડ રાખવામાં આવે છે. વ્યક્તિ ગુનો કર્યા બાદ સામાજિક વાતાવરણમાં રહે ત્યારે તેનું મન બદલાય છે અને આપોઆપ કેદીને સુધરવાની ઇચ્છા થાય છે, આ માટે ઓપપ જેલ એક એવો વિકલ્પ છે જેનાથી કેદીને સુધરવાનો મોકો પણ મળે છે અને સારા સમાજનું નિર્માણ પણ થાય છે. ઓપન જેલ રાખવાનું એકમાત્ર કારણ એવુ છે કે, વ્યક્તિ જ્યારે ગુનો કરે છે. પરંતુ તેની સાથે તેને સમાજમાં પરત ફરવાનો મોકો પણ આપવામાં આવવો જોઇએ. રાજ્ય સરકારની સુધારાત્મક નીતિથી કેદીને સુધરવાનો એક મોકો આપવામાં આવે છે અને તેની સાથે તે સમાજમાં પરત ફરી શકે છે.

કયા પ્રકારના કેદીઓને ઓપન જેલનો લાભ મળી શકશે..?

ઓપન જેલનો લાભ જે કેદીને ઓછામાં ઓછી સજા થઇ હોય અને તે ત્રણ વર્ષ કરતા વધુ સમય જેલમાં રહ્યો હોય. આ ઉપરાંત સજાના સમયગાળા દરમિયાન આરોપીએ સંપૂર્ણ શિસ્ત જાળવી હોય અને તેની સામે કોઇ ફરિયાદ ન હોય. તેવા કેદીઓને જીવન સુધારવાની એક નવી તક આપીને તેને ઓપન જેલમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત આવા કેદીઓને જીવનનિર્વાહ માટે રોજગારી પણ આપવામાં આવશે. સરકાર દ્વારા ઓપન જેલમાં જે કેદીઓને રાખવામાં આવે તેઓને લાજપોર જેલના વાહનમાં જ લઇ જવામાં આવશે અને સાંજે નોકરી પુરી થયા બાદ લાજપોર જેલના વાહનમાં જ પરત જેલમાં મુકી જવામાં આવશે.

Most Popular

To Top