Columns

નોર્થ સ્ટાર

વિહાન સ્કૂલમાંથી આવ્યો અને ક્રેયોન્સ લઈને એક સરસ ડ્રોઈંગ દોરી રહ્યો હતો. ડ્રોઈંગ અને પેન્ટિંગ વિહાનની ફેવરીટ હોબી હતી. તે કલાકો સુધી રંગોની દુનિયામાં ખોવાયેલો રહેતો.તેણે બહુ મહેનતથી એક સુંદર ચિત્ર દોર્યું અને તેમાં રંગો પૂર્યા.ચિત્ર હતું દરિયાનું અને દરિયામાં એક શીપ હતી.રાતનું દૃશ્ય હતું. આકાશમાં તારા હતા.અંધારામાં ચમકતા તારા.નીચે શાંત દરિયો.દરિયાના પાણીમાં ચંદ્ર અને તારાઓના પ્રતિબિંબ બહુ જ બારીકીથી વિહાને ચિત્ર દોર્યું હતું.

વિહાન ચિત્રોના રંગોમાં ખોવાયેલો હતો ત્યારે મમ્મી દૂધનો ગ્લાસ લઈને આવી અને વિહાનના હાથમાંથી રંગ લઈને મમ્મીએ કહ્યું, ‘પહેલાં દૂધ પી લે.સ્કૂલમાંથી આવ્યો ત્યારથી આ ચિત્ર દોરવામાં પડ્યો છે, દૂધ પણ પીધું નથી.’વિહાનને દૂધ આપીને મમ્મીએ વિહાનના ચિત્રને હાથમાં લીધું અને તે ચિત્ર જોઇને તેમાં જ ખોવાઈ ગઈ.વિહાને બહુ સુંદર ચિત્ર દોર્યું હતું.બહુ સરસ બારીકી સાથે રંગો પૂર્યા હતા.રાત્રીના અંધકારમાં દરિયાના પાણીને …આકાશના રંગોને …મોટા વહાણને…નાની નાની નાવને …આસપાસના ઝાડ-પાન અને બધી જ ચીજોના પ્રતિબિંબને સુંદર ઉઠાવ આપ્યો હતો.

ચિત્ર જોઇને મમ્મી બોલી, ‘અરે વાહ, વિહાન, તેં તો બહુ જ સુંદર ચિત્ર દોર્યું છે….એક એક વસ્તુને આગવો ઓપ આપી ઉઠાવ આપ્યો છે.વાહ, તારા હાથમાં સાચે જ સુંદર કળા છે. તારે તેને વધુ નિખારવી જોઈએ.હું આવતી કાલથી જ તારા માટે કોઈ સારા ડ્રોઈંગ સરને શોધીશ જે તને સાચી દિશામાં આગળ લઇ જઈ શકે અને એક દિવસ ચિત્રકલાના ક્ષેત્રમાં એક ચમકતો સિતારો બનીને ચમકે.’આ વાત સાંભળી વિહાન ખુશ થઇ ગયો અને મમ્મીના હાથમાંથી ચિત્ર લઈને ..ચિત્રમાં દોરેલા રાતના અંધકારમાં ચમકતા તારાઓ બતાવી બોલ્યો, ‘મમ્મી, આ બધા આકાશમાં ચમકતા તારા છે અને આ જે સૌથી ચમકતો મોટો તારો છે તે નોર્થ સ્ટાર છે…

ઉત્તર દિશામાં ચમકતો ધ્રુવનો તારો …જેને જોઇને અને અનુસરીને બધી શીપ પોતાનો માર્ગ શોધે છે એમ અમારા ટીચરે સમજાવ્યું છે અને હું મારા જીવનમાં બસ આવો જ નોર્થ સ્ટાર જેવો જ બનવા માંગું છું.હું માત્ર ચમકતો સિતારો બનવા નથી માંગતો, હું એવો બનવા માંગું છું જે બીજાને માર્ગ બતાવી શકે..જે બીજાને આગળ વધવામાં …જીવનમાં સાચી દિશા શોધવામાં મદદરૂપ થઇ શકે.’મમ્મી વિહાનની વાત સાંભળી વધુ ખુશ થઈને બોલી, ‘વિહાન, માય નોર્થ સ્ટાર, તું તારા જીવનમાં આગળ વધીશ અને નોર્થ સ્ટાર બની બીજાને પણ સાચી દિશામાં આગળ લઇ જઈશ તેવો મને વિશ્વાસ છે.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top