Vadodara

ફ્લાયઓવર બ્રિજની નીચે બનાવેલા શેલ્ટર હોમમાં કોઈ રહેવા તૈયાર નથી

વડોદરા: નિઃસહાય અને છત વિહોણા ફુટપાથ પર રહેતા ભિક્ષુકો સહિત ગરીબ લોકો માટે પાલિકા દ્વારા શેલ્ટર હોમ બનાવાયા છે પરંતુ તેમાં કોઈ રહેવા તૈયાર નથી. શહેરમાં જે ફ્લાયઓવર બ્રિજ આવેલા છે. હવે તેની નીચે જ ભિક્ષુકો, ગરીબો તેમજ દારૂડિયાઓએ અડિંગો જમાવી દીધો છે. અગાઉ પણ શહેરના શાસકો દ્વારા આવા નિઃસહાય લોકોને જે તે સ્થળેથી લાવી શેલ્ટર હોમમાં આશરો આપ્યો હતો. પરંતુ તેમાં કોઈ રહેવા તૈયાર નથી. જેને લઈ તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે.

ઘર વિહોણા લોકો આત્મનિર્ભર બને તેવા સરકારના ઉદ્દેશ સાથે વડોદરા મહાનગર પાલિકા દ્વારા શેલ્ટર હોમ બનાવ્યા હતા. જેમાં શહેરના ફૂટપાથ પર રેલ્વે સ્ટેશન બહાર કે પછી મંદિરો બહાર આશરો લઈ રહેલા ભિક્ષુકો સહિત ગરીબ નિઃસહાય લોકોને લાવી આ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલની પરિસ્થિતિ કઈ વિપરીત જ જોવા મળી છે. આ શેલ્ટર હોમમાં રહેવા માટે કોઈ તૈયાર નથી.

હાલના ધારાસભ્ય અને પૂર્વ મેયર દ્વારા પણ આવા લોકોને બસ મારફતે લાવી શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ તેઓ અહીં રહેવા તૈયાર નથી. શહેરના લાલબાગ બ્રિજ નીચે પણ અગાઉ મોટા પ્રમાણમાં દબાણોનો ખડકલો ઉભો થઈ ગયો હતો. જેને પાલિકા તંત્ર દ્વારા ખદેડી બ્રિજને નવો ઓપ આપવામાં આવ્યો હતો. જોકે આ બ્રિજ હવે લોકો માટે છત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ભિક્ષુકો, ગરીબો આ બ્રિજ નીચે આશરો લઈ રહ્યા છે. તો મહત્વની બાબત તો એ છે કે આ બ્રિજ નીચે હવે અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણી રહ્યા છે. તેમના માટે તો જાણે અડ્ડો જ બની ગયો ન હોય તેમ દારૂનું સેવન કર્યા બાદ ખાલી શરાબની બોટલો પણ બ્રિજ નીચે જ ઠાલવી દેવામાં આવે છે. અગાઉ પણ આવા તત્વોના કારણે ગુન્હાહિત પ્રવૃતિઓ થઈ હતી. જો તંત્ર વહેલીતકે આ મામલે ધ્યાન નહીં દોરે તો પરિસ્થિતિ વણસી શકે તેમ છે.

થોડાક દિવસોમાં નાઈટ શેલ્ટર હોમ તૈયાર થઈ જશે
ભિક્ષુકો અને છત વિના ફુથપાથ પર આશરો લઈ રહેલા નિઃસહાય લોકો માટે શેલ્ટર હોમ બનાવ્યા છે. અમારા દ્વારા પણ તેઓને વાહનોમાં લાવી શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. પણ હજીએ ધ્યાન પર આવ્યું છે કે કેટલાક બ્રિજ નીચે આવા લોકો આશરો લઈ રહ્યા છે. ત્યારે થોડાક દિવસોમાં નાઈટ શેલ્ટર હોમ તૈયાર થઈ જશે.જેમાં આ તમામ લોકોને રાખવામાં આવશે. -ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી અધ્યક્ષ

Most Popular

To Top