Vadodara

‘ભય વિના પ્રિત નહીં’

ભરૂચ, ઝઘડિયા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરે ટક્કર મારતાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં જે અંગે મંગળવારે કેન્દ્રના પૂર્વ મંત્રી અને સાંસદ મનસુખ વસાવાએ સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓ ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું અને અધિકારીઓ હપ્તા લે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. આ ઘટના બાદ આજે ફરી એક વીડિયો બહાર આવ્યો છે તેમાં મનસુખભાઈ વસાવાએ રામાયણને યાદ કરીને કહ્યું કે ભય વિના પ્રિત નથી, ભય તે બતાવવો જ પડે, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે મને પણ રેતી માફિયાઓથી જોખમ છે. મંગળવારે નારેશ્વર રોડ ઉપર રેતી ભરેલા ડમ્પરે ટક્કર મારતાં બાઈક સવાર 3 લોકોના મોતની ઘટના બાદ સ્થળ પર પહોંચેલા સાંસદ મનસુખ વસાવાનો અધિકારીઓને ધમકાવતો વીડિયો વાઇરલ થયો હતો અને આ ધમકીને પગલે અધિકારીઓએ સાંસદની સામે આવેદન પણ આપ્યું હતું.

આજે મનસુખભાઈ વસાવા ઝઘડિયામાં જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, ત્યાં તેમણે આ કિસ્સો યાદ કરતાં કહ્યું હતું કે મંગળવારની ઘટના વખતે લોકો એમ કહેતાં હતાં કે મનસુખભાઈ ક્યાંક અધિકારીઓને મારી લેશે, પણ હું એટલો તો સમજદાર છું કે આવું ન કરું. તેમણે ઘટના યાદ કરતાં કહ્યું કે ત્રણ લોકો સ્થળ પર મરી ગયાં, એટલા બેફામ પ્રમાણે ડમ્પર ચાલે કે રાહદારી ભયથી ધ્રૂજે, તો શું નાના વાહનવાળાએ ધ્યાન રાખવાનું? ડમ્પરે ત્રણ લોકોને કચડી નાખ્યા. એ દૃશ્ય ન જોઈ શકીએ, રાત્રે ગામના 400થી 500 લોકો એકઠા થઈ ગયા. પોલીસ સિવાય કોઇ અધિકારી ત્યાં ગયો નથી. મને રાત્રે ફોન પર ફોન આવે, મારો ડ્રાઈવર જતો રહ્યો હતો તેથી હું કેવી રીતે જાઉ, મારે પણ સિક્યુરીટી તો જોવી પડે ને.

આ તો રેત માફિયા છે શું નું શું કરી શકે. કારણ કે હું તો તેમની આંખમાં કણાની જેમ ખુચું છું, મારી માથે પણ ડમ્પરીયું ચઢાવી દે. છતાં હું ત્યાં પહોંચી ગયો. અધિકારીઓને ત્યાં બોલાવ્યા. ત્યાં આવેલા અધિકારીઓની મારે કંઈ આરતી ઉતારવાની હોય? હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાંથી ત્રણેય ડેડબોડી ઉઠાવી લેવાઈ હતી. ત્રણેય જગ્યાએ લોહીના ધબ્બા પડેલાં હતાં. લોકો ફૂલહાર લઈને આવ્યા હતા. મને કહ્યું કે સાહેબ આ ફૂલ ચડાવી દો. તો મે લોહીના ધબ્બા પર ફૂરહાર ચઢાવ્યા. પણ આ અધિકારીઓની માનસિકતા તે જુઓ. હું ફૂલ ચઢાવતો હતો અને આ અધિકારીઓ ખિસ્સામાં હાથ નાખીને આમ તેમ ફર્યા કરતા હતા. મારો તો ત્યારે જ પિત્તો ગયો હતો, પણ મને એમ કે છોડોને ભાઇ, આપણે અત્યારે કામ માટે આવ્યા છીએ, આપણે તેની સાથે કામ લેવાનું છે.

Most Popular

To Top