ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભવિષ્યમાં અમેરિકામાં ઈઝરાયલ પ્રત્યે વિરોધી વલણ ધરાવતું નેતૃત્વ સત્તા પર આવી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે. આ સંજોગોમાં ઈઝરાયલે અમેરિકા સાથેના સંબંધો જાળવી રાખવાની સાથે ભારત અને લેટિન અમેરિકાના દેશો સાથે પણ રાજદ્વારી તથા વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા જોઈએ, એવો તેમણે સંદેશ આપ્યો છે. આ નિવેદન ઈઝરાયલની સુરક્ષા નીતિ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી અંગેની ચર્ચા વચ્ચે સામે આવ્યું છે. નેતન્યાહૂએ પોતાની સુરક્ષા નીતિ રજૂ કરતી વખતે કહ્યું હતું કે આગામી બે વર્ષમાં અમેરિકામાં એવો પ્રમુખ સત્તા પર આવી શકે છે જે ઈઝરાયલના હિતોની વિરુદ્ધ વલણ ધરાવતો હોય. તેમના મતે, આવી શક્યતાને ધ્યાનમાં રાખીને ઈઝરાયલે અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બાકી રહેલા કાર્યકાળ દરમિયાન પોતાની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત બનાવવી જોઈએ. તેમણે ભારતનો ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત એક મોટી વૈશ્વિક શક્તિ છે અને તેની સાથેના સંબંધો ઈઝરાયલ માટે મહત્ત્વ ધરાવે છે.
નેતન્યાહૂએ ભારત સાથેના સંબંધોને મહત્ત્વ આપવાની વાત અગાઉ પણ કરી છે. તેમના મતે, ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને ઈઝરાયલ સાથેના તેના સંબંધો ભવિષ્યની રાજદ્વારી વ્યૂહરચનામાં ઉપયોગી બની શકે છે. લેટિન અમેરિકાના દેશો સાથે પણ આર્થિક, સુરક્ષા અને ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ વધારવાની દિશામાં ઈઝરાયલ પ્રયાસ કરી રહ્યું છે. તેમ છતાં, અમેરિકા સાથેના સંબંધો ઈઝરાયલની સુરક્ષા નીતિનો મુખ્ય આધાર રહ્યા છે. નેતન્યાહૂની સુરક્ષા નીતિ સામે વિપક્ષી નેતા અને પૂર્વ સેનાધ્યક્ષ ગાદી આઇઝનકોટએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ નીતિને માત્ર બે પાનાનો દસ્તાવેજ ગણાવીને ચૂંટણી પહેલાં મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આઇઝનકોટના મતે, 7 ઓક્ટોબર, 2023ના હુમલાને લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા હોવા છતાં અને અનેક મોરચે સંઘર્ષ ચાલુ હોવા છતાં ચૂંટણીના થોડા દિવસ પહેલાં સુરક્ષા નીતિ જાહેર કરવી અનેક પ્રશ્નો ઊભા કરે છે.
આ રાજકીય ચર્ચા વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નેતન્યાહૂને સમર્થન આપ્યું છે. 27 ઓક્ટોબરે યોજાનારી ઇઝરાયલની ચૂંટણી પહેલાં ટ્રમ્પે તેમને મજબૂત નેતા ગણાવ્યા અને ઈરાન સામેની નીતિમાં મહત્ત્વના સહયોગી તરીકે વર્ણવ્યા હતા. જોકે, અમેરિકાના પ્રમુખનું સમર્થન ઇઝરાયલની ચૂંટણીનાં પરિણામો પર કેટલી અસર કરશે તે અંગે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાય નહીં. ઇઝરાયલમાં જનતા સીધી રીતે વડાપ્રધાનને ચૂંટતી નથી; મતદારો સંસદ માટે મત આપે છે અને ત્યારબાદ સરકાર રચવા માટે ગઠબંધન બને છે. હાલમાં નેતન્યાહૂની સુરક્ષા નીતિનો મુખ્ય મુદ્દો એ છે કે ઈઝરાયલે અમેરિકા સાથેના સંબંધો જાળવી રાખીને અન્ય દેશો સાથે પણ પોતાના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા જોઈએ. ભવિષ્યમાં અમેરિકાની નીતિ બદલાય તો ઈઝરાયલ પાસે અન્ય ભાગીદારોનો સહયોગ ઉપલબ્ધ રહે, તે આ વિચાર પાછળનો હેતુ છે. ભારતનો ખાસ ઉલ્લેખ આ જ વ્યૂહરચનાના ભાગરૂપે કરવામાં આવ્યો છે.