SURAT

મારી કે દર્શનાબેનની તાકાત નથી કે 12 ટકા જીએસટી દર સ્થગિત કરીએ : સી.આર.પાટીલ

સુરત: કાપડની વેલ્યુ ચેઇનમાં 12 ટકાનો જીએસટીનો દર (GST rate) સ્થગિત રાખવામાં આવતાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (South Gujarat Textile Traders Association) દ્વારા સોમવારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ (Darshana Jardosh) અને સાંસદ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને (C.R.Patil) સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે 12 ટકાનો જીએસટી દર કઈ રીતે સ્થગિત થયો તેનો ફોડ પાડતાં સી.આર.પાટીલે કહ્યું હતું કે, 12 ટકા જીએસટીનો દર કાઉન્સિલે સૂચવ્યો હોવાથી તે સ્થગિત કરવું દરેકના ગજા બહારની વાત હતી. દર્શના જરદોશ અને અમે ટેક્સટાઇલના તમામ સ્ટેક હોલ્ડરો (Stakeholder) સાથે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમનને (Finance Minister Nirmala Sitharaman) રજૂઆત કરી કે, કાપડ પર જીએસટી 7 ટકા વધ્યો છે. નાના વેપારીઓ આ વધારો સહન નહીં કરી શકે. કપડું મોંઘું થશે. સુરતમાં અને રાજ્યમાં જે કપડું બને છે તે ગરીબ રાજ્યોની મહિલાઓ પહેરે છે. 12 ટકા જીએસટી દરથી પ્રોડક્શન અને વેચાણ પર અસર થશે, ડિમાન્ડ ઘટશે. કારીગરોને કામ મળતું ઓછું થશે.


એકવાર ટેક્સટાઇલની સાઇકલ ઊંધી ફરશે તો નુકસાન થશે. એ પછી અમે વડાપ્રધાનને રજૂઆત કરી કે સુરતમાં વેપારીઓ ટેન્શનમાં છે. તેમને લાગે છે કે 12 ટકાનો દર વધુ પડતો છે. મારી કે દર્શનાબેનની કોઈ તાકાત નથી કે આ થઈ શકે. 12 ટકાનો દર સ્થગિત રાખવાનો નિર્ણય વડાપ્રધાન જ લેવડાવી શકે.


એમએસએમઈનો દરજ્જો છતાં વેપારીઓ રજિસ્ટ્રેશન કરાવતા નથી: દર્શના જરદોશ

ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે કહ્યું હતું કે, વેપારીઓ અમારી ઉપર વિશ્વાસ રાખે. જીએસટી દરનો મામલો હોય કે એન્ટી ડમ્પિંગ ડ્યૂટીનો, બધા પ્રશ્નો અમે હલ કર્યા છે. 12 ટકા જીએસટી દરનો વિરોધ માત્ર માર્કેટ અને મીડિયામાં હતો. પ્રોપર ચેનલથી સરકારમાં કોઈ રજૂઆત કરવામાં આવી ન હતી. સરકારે વેપારીઓને એમએસએમઈનો (MSME) દરજ્જો આપ્યો પણ ખૂબ ઓછા વેપારીઓએ નોંધણી કરી હશે. રજિસ્ટ્રેશન થાય તો ડેટા ઉપલબ્ધ થાય. ટેક્સ જીએસટી કાઉન્સિલ (Tax GST Council) નક્કી કરે છે. કાઉન્સિલે હવે રેટ રેશનલાઈઝ કમિટીને સ્ટ્રક્ચર સરખું કરવાનું કામ સોંપ્યું છે.


રજિસ્ટ્રેશન ન હોય, ઓડિટ થતું ન હોય અને ચૂંટણીઓ ન યોજાતી હોય તેવાં સંગઠનોથી દૂર રહો: સી.આર.પાટીલ

ફોસ્ટા દ્વારા કાપડ માર્કેટ બંધના કાર્યક્રમને લઈ સાંસદ સી.આર.પાટીલ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. સરકીટ હાઉસમાં ચેમ્બર, ફિઆસ્વી, ફોગવા, ફોસ્ટા દ્વારા દર્શના જરદોશનું સન્માન કરાયું એ કાર્યક્રમમાં સી.આર.પાટીલ હાજર રહ્યા ન હતા. તેના બદલે એસજીટીટીએના કાર્યક્રમમાં ફોસ્ટાનું નામ લીધા વિના કહ્યું હતું કે, ચૂંટણીઓ થતી ન હોય, નિયમિત ઓડિટ થતું ન હોય અને રજિસ્ટ્રેશન ન હોય તેવાં સંગઠનોની સરકાર રજૂઆત સાંભળતી નથી. ટ્રેડનો ઇશ્યુ હતો એટલે દિલ્હી નાણાંમંત્રી સાથેની બેઠકમાં બોલાવ્યા બીજીવાર આવા બિન અધિકૃત સંગઠનોને નહીં બોલાવીશું. વેપારીઓ આવાં સંગઠનોથી દૂર રહે.

Most Popular

To Top