Dakshin Gujarat

એક્ષપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં વળતર વિના આવાસો 7 દિવસમાં ખાલી કરવાની નોટિસથી રોષ

નવસારી: (Navsari) નવસારી જિલ્લાના એક્ષપ્રેસ હાઈવે (Express Highway) પ્રોજેક્ટમાં વળતર ચૂકવ્યા વિના આવાસો 7 દિવસમાં ખાલી કરવા પાઠવેલી નોટિસ સામે નવસારી હળપતિ સમાજ સેવા મંડળે અસરગ્રસ્તોને પુન:સ્થાપન-પુન:વસન વળતર ચુકવવાની માંગ કરી જિલ્લા કલેક્ટરને (Collector) આવેદનપત્ર પાઠવ્યું છે.

  • એક્ષપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં વળતર વિના આવાસો 7 દિવસમાં ખાલી કરવાની નોટિસથી રોષ
  • નવસારી હળપતિ સમાજ સેવા મંડળનું કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અસરગ્રસ્તોને વળતર ચુકવવાની માંગ

નવસારી હળપતિ સમાજ સેવા મંડળે જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એક્ષપ્રેસ હાઈવે પ્રોજેક્ટથી નવસારી જિલ્લાના ગામોમાં જમીન સંપાદનમાં સમાવિષ્ટ આદિવાસી અને 8 અનુસુચિત જાતિના કુટુંબોના મકાન-મિલકત નાશ પામવાથી એમણે જમીન સંપાદનના 2013 ના કાયદા મુજબ પુન:સ્થાપન અને પુન:વસન વળતર ચુકવવા માટે અરજી કરી હતી. જેમાં નવસારી તાલુકાના 9 ગામો, ગણદેવી તાલુકાના 2 ગામ અને ચીખલી તાલુકાના 21 ગામોમાં જમીન સંપાદન થાય છે.

જે પૈકી નવસારી તાલુકામાં શાહુ, વચ્છરવાડ, ટોળી, અંબાડા, કંબાડા, ગણદેવી તાલુકાના ગણદેવા ગામે અને ચીખલી તાલુકાના તલાવચોરા, ખુંધ-પોકળા, બારોલીયા, દેગામ અને મલિયાધરા ગામોમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના મકાનો સંપૂર્ણ નાશ પામનારા છે. મકાન ગુમાવનારાઓ પાસે મહદઅંશે નવું આવાસ બાંધવા માટે પોતાની માલિકીની જમીન નથી. ગત 7-4-2022 ના કલેક્ટરના પતરા દ્વારા સૂચનો મળ્યા પછી ગત 18-4-2022 ના રોજ સક્ષમ અધિકારી અને નવસારી પ્રાંત અધિકારીની કચેરીમાં કંબાડા, શાહુ અને ટોળી ગામના અસરગ્રસ્તોના પ્રતિનિધિઓ, તલાટીઓ, ડી.એલ.આર. કર્મચારીઓ, નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારી અને અરજદાર સંસ્થાના હોદ્દેદારોની સભા મળી હતી. જેમાં પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ચર્ચા થઈ હતી. પરંતુ પછી કોઈ નિકાલ આવ્યો નથી.

તંત્ર, તલાટી ધમકી આપતા હોવાના આક્ષેપ
કાયદાકીય જોગવાઈ મુજબ પ્રથમ વિસ્થાપિત થનાર કુટુંબોને પુન:સ્થાપન, પુન:વસન વળતરની ચુકવણી કરવી, જમીન-પ્લોટની ફાળવણી કરી એમના આવાસ બાંધકામ થાય પછી જ આવાસ ખાલી કરાવવાના છે. આ હકીકત હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર, તલાટી દ્વારા વારંવાર ધાકધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા. ચોમાસું નજીક હોવા છતાં અસરગ્રસ્તોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર એમના મકાનોનો કબ્જો ખાલી કરાવવા માટે નોટિસ આપી છે. જેથી અસરગ્રસ્તોને વૈકલ્પિક હંગામી અને પછી કાયમી નિવાસની વ્યવસ્થા તથા પુન:સ્થાપન, પુન:વસન વળતરની ચુકવણી થાય પછી આવાસો ખાલી કરાવવાની માંગ કરી છે.

Most Popular

To Top