અસ્સલ સુરત શહેરના નવાપુરા, હરિપુરા, મહિધરપુરા, રામપુરા, સલાબતપુરા સહિત આ શહેરના અન્ય વિસ્તારનાં લોકો બાપદાદા જમાનાથી સુરતના પ્રાચીન અંબાજી મંદિરના પરમ ભકત હોવાથી નિયમિત રોજ વહેલી સવારે દર્શનાર્થે આવતા હોય છે. આ નાતો આજદિન સુધી જળવાઈ રહ્યો છે. આ અંબાજી મંદિરમાં તેઓની સમય પર દરેક માનતા પૂરી થાય છે. નવરાત્રીમાં આ બધાં પરિવારજનો માતાઓ, બહેનો, દીકરીઓ, યુવાન ભાઈઓ અહીંના સ્થાનિક રહેવાસી સાથે માતાજીના ગરબામાં પ્રેમથી જોડાય છે. અંબા માતાના પ્રાચીન, અર્વાચીન, ગરબાની રમઝટ બોલાવી ધન્ય થયાનો સુખદ અનુભવ કરે છે.
તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. જેવા એક જમાનાના લોકપ્રિય ગરબા સાંભળીને મન પ્રસન્ન થઇ જાય છે. અંબાજી માતાના મંદિરે અનેક વ્યાપારી મનમૂકીને પૈસા ખર્ચી જાણે છે. ચોર્યાસી ડેરીથી હવાડીઆ ચકલા સુધીના બહુ વિશાલ રાઉન્ડમાં લોકો ગરબાની મજા લૂંટે છે. સમય પર ગરબા ચાલુ થાય છે. સમય પર રાત્રે બંધ થાય છે. વિશેષ કહેવું જોઇએ કે આયોજકો ગરબાનું બહુ સુંદર આયોજન કરે છે. કોઇ પણ પ્રકારનું ન્યુસન્સ જોવા મળતું નથી. ગરબા પૂરા થયા બાદ બધા ભકતો પ્રસાદ લઇ જયઅંબે કહી છૂટા પડે છે. જય અંબે.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભયમુકત, ભ્રષ્ટાચારમુકત સુશાસનનો ભાજપનો દાવો પોકળ
એસોસીએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ તરફથી પ્રકાશિત કરાયેલ અહેવાલ પ્રમાણે કેન્દ્રના 72માંથી 29 અને રાજ્ય સરકારોના 273 પ્રધાનો ગુનાહિત રેકર્ડ ધરાવે છે. દેશમાં કુલ પ્રધાનોની સંખ્યા 643 છે. તેમાંથી 302 પ્રધાનો સામે ફોજદારી કેસો થયા છે. તેમાં ભાજપના પ્રધાનોની સંખ્યા 136 અને કોંગ્રેસના પ્રધાનોની સંખ્યા 45 છે. ગંભીર ગુનાઓવાળા ભાજપના મંત્રીઓની સંખ્યા 88 અને કોંગ્રેસના મંત્રીઓની સંખ્યા 18 છે. ભાજપ ચૂંટણી સમયે ભયમુકત,ભૂખમુકત અને ભ્રષ્ટાચારમુકત સુશાસનની બાંહેધરી આપે છે.ભાજપના કુલ 336માંથી 40 ટકા એટલે કે 136 મંત્રી સામે ફોજદારી ખટલા પેન્ડિંગ છે. આવા આરોપીઓ દેશનું શું ભલું કરી શકે?
પાલનપુર, બનાસકાંઠા -અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.