Columns

શકિતની ઉપાસના થકી શકિત પામવાનું પર્વ નવરાત્રી

મા શકિતના મહાપર્વ નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે. વિવિધ રૂપોમાં વિવિધ લીલાઓ કરતી મહાશકિતની બાળકની જેમ ભોળા – ભાવે ભકિત કરવાથી તેની કૃપા પ્રાપ્ત થતાં ભકતોનું કલ્યાણ કરનાર શકિત તેમાં જાગૃત થાય છે. તેનું સંવર્ધન થાય છે. તેની દયા અને કૃપાથી સર્વથા કલ્યાણ થાય છે. દેવી ભાગવતમાં સ્વયં ભવગતીએ કહ્યું છે કે, સમસ્ત વિશ્વ હું જ છું. સમસ્ત વિશ્વ મહાશકિતનો વિલાસ છે. તેની શકિતથી બ્રહ્મા વિશ્વની ઉત્પત્તિ કરે છે, તેની જ શકિતથી વિષ્ણુ જગતનું પાલન કરે છે અને શિવ સંહાર કરે છે. આમ મહાશકિત જ પરબ્રહ્મ પરમાત્મા છે. તેના સર્વવ્યાપી ચેતનના કોઇ પણ સ્વરૂપથી કરી શકાય પરંતુ માતૃભાવનો મહિમા વિશેષ હોવાથી બાળકને – વ્યકિતને સ્વાભાવિક રીતે પોતાની માતામાં શ્રદ્ધા – વિશ્વાસ સૌથી વધુ હોય છે કેમ કે માતાને પ્રથમ ગુરુ ગણી. ‘માતૃદેવો ભવ’નું સ્થાન પહેલું છે.

આમ ભગવતી મહાશકિત આખા જગતની માતા છે. જ્ઞાન ગુરુ છે. શકિતના વિવિધ સ્વરૂપો છે જેમ કે પ્રેમશકિત, ભકિતશકિત, શૌર્યશકિત, સત્યશકિત, વીરશકિત એવી તો કંઇક કેટલીય શકિતઓ છે. ટૂંકમાં સર્વત્ર શકિતની જ બોલબાલા – મહત્ત્વ છે. સકારાત્મક શકિતની જેમ નકારાત્મક શકિતઓનું પણ અસ્તિત્વ છે જેમ કે આસુરી શકિત, વિનાશકારી શકિત વગેરે. મહાશકિતના મહાશકિત નવદુર્ગા, દસ મહાવિદ્યા, અન્નપૂર્ણા, લલિતાકળા, ગાયત્રી, ભુવનેશ્વરી, ચામુંડા, દુર્ગા, ત્રિપુરા, પદમાવતી, કાલી, માતંગી વગેરે. જેની ઉપાસના ભકતો કરે છે. શાસ્ત્રોમાં શકિતનાં વિવિધ સ્વરૂપો, ગુણોનું, લીલાઓનું અને તેની ઉપાસના વિધિઓનું વર્ણન વિગતે છે.

દેવી ભાગવત, દુર્ગા, સપ્તસતી, કાલિકાપુરાણ, તંત્ર ગ્રંથોમાં શકિત તંત્રવિદ્યા અંગે વિપુલ માહિતી છે. ઋગ્વેદમાં અખંડ આનંદ અને ચૈતન્યને સ્ફુરિત કરનારી શકિતનું રહસ્ય નામ ‘અદિતિ’ રાખવામાં આવ્યું છે. તેને મનુષ્ય, ગંધર્વ, પિતર, અસુર સર્વ ભૂતોની માતા ગણાવાઇ છે. તેને મહી – પૃથ્વી સાવિત્રી, ગાયત્રી, સરસ્વતી વગેરે નામોથી સંબોધવામાં આવી છે. એથી વિપરીત કાલિના સત્ત્વોને ‘દિતિ’ કહી છે તેના પુત્રોને દૈત્ય કહ્યા છે. અદિતિમાં શકિતનો સર્વાંશ માતૃભાવ સમાવાયેલો છે. ઉપનિષદોમાં પણ વિવિધ શકિતઓના સ્વરૂપોનું વર્ણન છે.  શકિતની ઉપાસના દૈવી નીતિથી કરવી સલાહભર્યું છે. જેનો હેતુ કલ્યાણનો અને પરમાર્થનો હોય. આસુરી નીતિથી ઉપાસનામાં મારણ, મોહન, ઉચ્ચારન, વશીકરણ, શાબર – મંત્રોનો પ્રયોગ કરવામાં આવે છે. જેમાં આંતરિક શકિતઓનો મહદ અંશે દુરુપયોગ કરવામાં આવે છે. બીજાનું અહિત કરવાની ભાવના હોય છે.

શકિત ઉપાસનામાં મોટે ભાગે ચંડીપાઠનું અનુષ્ઠાન પારાયણ, ગાયત્રી મંત્ર, શ્રી સુકત, નર્વાણ મંત્ર, સિધ્ધ કુંજિકાસ્તોત્ર, શ્રી સપ્તલોકી દુર્ગાસ્તોત્ર લોકપ્રિય છે અને નવરાત્રમાં વિશેષ રૂપે તે કરવામાં આવે છે. નવરાત્રમાં માતા દુર્ગાના પાર્વતીના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. માર્કંડય મુનિ દ્વારા માનવામાં આવે છે અને તેનું પારાયણ – અનુષ્ઠાન વર્ષ દરમ્યાન ગમે ત્યારે કરી શકાય પરંતુ નવરાત્રમાં તેનું વિશેષ મહત્ત્વ છે. 700 જેટલા શ્લોકોનો ચંડીપાઠ – સપ્તશતી દુર્ગા સ્વયંચિત્તે અને શ્રદ્ધા – ભકિતથી – નિર્મળ મનથી કરવામાં આવે તો અવશ્ય ફળદાયી બને છે તેવો તેના ઉપાસકોનો અનુભવ છે. વિધિપૂર્વક પાઠ – શ્રવણ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરનો માહોલ ભકિતમય બને છે.

ઘણી વાર ભકતોની ઇચ્છા હોવા છતાં સમય – સંજોગોની પ્રતિકૂળતાને કારણે પૂરી નવરાત્રી નથી કરી શકતા. એવા ભકતો માટે દેવી ભાગવત – ૩/૧૨-૧૩-૧૫-૨૭ માં કહ્યું છે કે, ‘જેટલા પણ વ્રત – દાન પૃથ્વી પર બતાવવામાં આવ્યા છે તે નવરાત્રી વ્રત સમાન નથી. પૂરી નવરાત્રી – વ્રત કરવા અસમર્થ હોય તેઓ માત્ર ત્રણ દિવસના ઉપવાસ કરે તો તે પણ  ફળ આપનાર છે. ભકિતપૂર્વક સાતમ, આઠમ  અને નોમ આ ત્રણ રાતમાં દેવીનું પૂજન કરવાથી તમામ ફળ સુલભ બને છે. જો કે, નવરાત્રિની દરેક રાત – સાક્ષાત આદિ શકિતનું સ્વરૂપ છે.

‘આ દિવસો – રાત્રીઓમાં કરવામાં આવેલી દરેક સાધના – અનેક ગણું શુભ ફળ પ્રદાન કરે છે નવરાત્રીનું વ્રત – સર્વદા જ્ઞાન તથા મોક્ષ આપનાર, સુખ-સંતાનની વૃદ્ધિ કરનારું અને શત્રુઓનો પૂર્ણપણે વિનાશ કરનારું છે.’ નવરાત્રીની ઉપાસનામાં મનની શુદ્ધિ, પવિત્રતા મહત્ત્વની છે. જે રીતે સારો પાક મેળવવા ખેડૂત ખેતરમાંથી પહેલાં કચરો – નીંદામણ – ખરાબો સાફ કરી પછી વાવેતર કરે છે જેથી સારો પાક થાય અને કચરારૂપ વનસ્પતિ ઊગી ન નીકળે તે જ રીતે મહાકાલીની ઉપાસના કરી મનમાંથી આસુરી વૃત્તિ, મલીન વિચારો, દુષ્ટતાની ભાવનાનો સંહાર કરવો – દૂર કરવા, તે પછી મહાલક્ષ્મીની ઉપાસના કરી લક્ષ્મી પ્રાપ્ત કરવી. માત્ર મંત્રો – સ્તોત્રો પાઠ કરવા પૂરતા નથી.

પરંતુ લક્ષમયી બનવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય. પ્રામાણિકતાથી, મહેનત કરી લક્ષ સાધવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય અને મહાસરસ્વતીની ઉપાસના ઉત્તમ જ્ઞાન – સદ્‌બુદ્ધિની પ્રાપ્તિ માટે કરવાની જેથી મલીન વૃત્તિ દૂર કર્યા બાદ લક્ષમયી બની પ્રાપ્ત કરેલી લક્ષ્મી સદ્‌બુદ્ધિથી સારા અને સાચા અર્થમાં વપરાય.  નવરાત્રીમાં શરદ ઋતુ બેસી જતી હોવાથી ઋતુના સંધિકાળમાં વિષાણુજન્ય રોગોના ઉપદ્રવથી બીમાર ન પડાય તે માટે વ્રતમાં આહારશુદ્ધિનું વિધાન છે. સાત્ત્વિક – સુપાચ્ય આહારથી તન – મન શુદ્ધ રહેવા સાથે ભકિત કરવામાં સાનુકૂળતા સર્જાય છે. નવરાત્રી દરમ્યાન સંજોગો અનુસાર લાંબી સાધના, અનુષ્ઠાન, પારાયણ ન થઇ શકે તો સૂરતના ભકતરાજ અમીચંદના છંદોનું શ્રવણ-પઠન કરી શકાય જે ખૂબ જ જાણીતા છે. એ જ રીતે સુરતમાં થઇ ગયેલા વિદ્વાન પંડિત શિવાનંદ સ્વામી રચિત વિખ્યાત – લોકપ્રિય આરતી ‘જય આદ્યા શકિત’ આરતીનું શ્રવણ પઠન કરો.

Most Popular

To Top