SURAT

વેબસાઇટ ધીમી પડતા વેક્સિનેશનની સ્પીડ ઘટી છતાં સુરતમાં નમો જન્મદિવસ નિમિત્તે રેકોર્ડ બ્રેક

સુરત: 17 મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)નો જન્મદિવસ (Birthday) હોવાથી આખા દેશમાં કોરોના (corona) સામેની લડતને નવો આયામ આપવા માટે મેગા વેક્સિનેશન ડ્રાઇવ (Mega vaccination drive) યોજવામાં આવી હતી, જેમાં સુરત (Surat) મહાનગર પાલિકા (smc)એ પોતાનો જ રેકોર્ડ તોડીને વડાપ્રધાનનો જન્મદિવસ ઊજવ્યો હતો. શહેરમાં શુક્રવારે એક જ દિવસમાં ત્રણ લાખ લોકોને વેક્સિન આપવાના ટાર્ગેટ સાથે વેક્સિનેશન મહા અભિયાન વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી શરૂ કરાયું હતું. જેમાં મોડી રાત્રિ સુધીમાં નવ વાગ્યા સુધી વેક્સિન આપવામાં આવી હતી.

શહેરમાં અત્યાર સુધીમાં વેક્સિનેશન માટે લાયક હોય તેવા કુલ 35.21 લાખ લોકોની ઓળખ થઇ હતી. તેમાંથી 31 લાખ લોકોને પહેલો ડોઝ અને 12.48 લાખ લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરનાં 415 વેક્સિનેશન સેન્ટર પરથી ત્રણ લાખ લોકોને વેક્સિન મૂકવા માટે આયોજન કરાયું હતું. જો કે, મોડી રાત સુધીમાં બે લાખ લોકોને વેક્સિન મૂકી શકાઇ હતી. આ સાથે સુરત મનપાએ પોતે જ કરેલા અગાઉના એક જ દિવસના 79 હજાર લોકોને વેક્સિન મુકવાના રેકોર્ડને તોડી નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે રાજ્યમાં પણ ફરી એક વખત સુરત મનપાએ અવ્વલ રહી મેદાન માર્યું છે. કેમ કે, અમદાવાદમાં માત્ર દોઢ લાખ વેક્સિન મુકાઇ હતી. જ્યારે અન્ય મનપાઓ તો એક લાખની પણ અંદર રહી છે. શુક્રવારે સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને અગાઉ આરોગ્યમંત્રી રહી ચૂકેલા પીયૂષ ગોયલે પણ વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લીધી હતી તેમજ મનપાની વેક્સિનેશન કામીગીરીથી પ્રભાવિત થઇ શાબાશી આપવાનું ચૂક્યા ન હતા.

રજિસ્ટ્રેશન માટે વેબસાઇટ ધીમી ચાલતાં વેક્સિનેશનની સ્પીડ ઘટી

શુક્રવારે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાઇવ હોવાથી સરકારની વેબસાઇટ પર ભારે ભારણ હતું. જેના કારણે વેબસાઇટ ધીમી ચાલતી હોવાથી મનપાનાં અનેક સેન્ટરો પર વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશનમાં અડચણ ઊભી થઇ હતી. તેના કારણે પણ વેક્સિનેશનમાં સ્પીડ ઓછી રહી હતી. જો કે, બાદમાં નેટની સ્પીડ વધારીને રજિસ્ટ્રેશનમાં ઝડપ લવાઇ હોય મોટા ભાગનાં સેન્ટરો પર જેટલા લોકો આવ્યા તેને વેક્સિન મૂકી દેવાઇ હોવાનો દાવો સુરત મનપા દ્વારા કરાયો હતો.

27 મોબાઇલ વેક્સિનેશન સેન્ટર્સ પણ દોડતાં રહ્યાં

સુરત મનપા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે મેગા વેક્સિનેશન ડ્રાઇવ યોજાઇ હતી. તેમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચી વળવા માટે સિટી બસમાં વેક્સિન સેન્ટર બનાવાયાં હતાં. જેને ફરતા રખાયાં હતાં. 27વ બસોમાં મોબાઇલ વેક્સિનેશન સેન્ટરો બનાવી મનપાએ જુદી જુદી જગ્યાએ તેને ફરતાં રાખ્યાં હતાં.

ટ્રેનમાંથી સ્ટેશન પર ઊતરનારા વેક્સિન વગરનાં તમામને વેક્સિન મૂકવા આગ્રહ કરાયો
મનપા દ્વારા રેલવે સ્ટેશન પર ટીમો તૈનાત કરી દેવાઇ હતી તેમજ જે મુસાફર ટ્રેનમાંથી ઊતરે તેને ચેક કરીને જો વેક્સિન મુકાવ્યાનું સર્ટિ. ના હોય તો વેક્સિન મુકાવ્યા બાદ જ સ્ટેશનની બહાર જવા આગ્રહ કરાયો હતો. મોડી રાત સુધીમાં રેલવે સ્ટેશન પર જ 1200થી વધુ લોકોને વેક્સિન આપી દેવામાં આવી હતી.

Most Popular

To Top