Madhya Gujarat

નડિયાદના પતંગ માર્કેટ પર 200 ઉપરાંત પરીવારના ગુજરાન ચાલે છે

નડિયાદ: નડિયાદમાં છેલ્લા 70-80 વર્ષથી પતંગો બનાવવાના કારખાના ધમધમી રહ્યા છે. ગાજી પુરવાડામાં ચાલતા 20 જેટલા કારખાનામાં માલિકો સહિત મજૂરો મળી 200 ઉપરાંત કુટુંબોનું ભરણ પોષણ થઈ રહ્યુ છે. હાલ મજૂરોને કારખાનામાં જુદી-જુદી કામગીરી મુજબ અને તેમને કરેલા કામ મુજબ વેતન ચુકવાય છે. દરેક કારખાનામાં કમાન કાપવાથી લઈ, પેપર છુટા પાડવા, કમાન અને પેપરને ચોંટાડવા, સ્ટીકર ચોંટાડવાની કામગીરી માટે ચોક્કસ મજૂરો ફાળવેલા હોય છે. મજૂરો જે પ્રમાણે કામગીરી આપે તે મુજબ તેમને વેતન ચુકવાતુ હોય છે.

આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર નજીક છે. ખાસ કરીને ગુજરાતમાં જ્યારે પતંગોનો ક્રેઝ વધારે છે, ત્યારે રાજ્યમાં ત્રણ શહેર પતંગો બનાવવા માટે સૌથી વધુ પ્રચલિત છે. અમદાવાદ અને ખંભાત ઉપરાંત નડિયાદ ત્રીજુ શહેર છે, જે આખા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પતંગોનો વેપાર કરે છે. નડિયાદના ગાજીપુરવાડામાં છેલ્લા સીત્તેર વર્ષ ઉપરાંતના સમયથી પતંગોના કારખાના ચાલી રહ્યા છે. હાલ વીસેક જેટલા કારખાનામાં પતંગો બને છે. જેમાં એક કારખાનામાં 10 અને તેથી વધુ મજૂરો જોડાયેલા હોય છે. 14 અને 15 જાન્યુઆરીએ ઉતરાણયનો પર્વ ઉજવાય, ત્યારબાદ પંદરેક દિવસ પછી ફેબ્રુઆરી માસમાં ફરીથી નડિયાદના કારખાનાઓમાં ધીમીધારે પતંગોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. શરૂઆતના સમયમાં મજૂરોને કામ ઓછુ હોય, જેના કારણે તે મુજબ ‌વળતર અપાય છે. ત્યારબાદ ઉતરાયણનો મહિનો જેમ નજીક આ‌વતો જાય તેમ કામગીરીમાં વધારો થાય છે. આ દરમિયાન કામગીરી દરમિયાન દૈનિક 250 રૂપિયાથી માંડી 400 રૂપિયા સુધીનું વેતન પ્રત્યેક મજૂરને ચુકવવામાં આવે છે.

રાજ્યભરમાં નડિયાદની પતંગોની ડિમાન્ડ
નડિયાદ ઉપરાંત વડોદરાથી સુરત સુધીના પટ્ટા પર ઉપરાંત કચ્છ-રાપર,  સૌરાષ્ટ્ર,  પંચમહાલ,  વલસાડ, વાપી,  વ્યારા,  મહીસાગર સહિતના જિલ્લાઓમાં એટલે લગભગ રાજ્યભરમાં નડિયાદની પતંગો ખરીદવા ત્યાંના વેપારીઓ આવે છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ નડિયાદની પતંગોનો નિકાસ થતો હોય છે.

નડિયાદની પતંગાે ખંભાત કરતા સસ્તી
નડિયાદની પતંગાે ખંભાત કરતા સસ્તી છે. અેક જ પ્રકાર અને અેક જ સાઈઝની પતંગ નડિયાદમાં 360 થી 380માં મળતી હાેય, તે જ પતંગ ખંભાતમાં 450 થી 500 રૂપિયામાં વેચાય છે. નડિયાદની પતંગાેની અે જ વિશેષતા છે કે, અહીંયા ભાવ સાૈથી આેછાે હાેય છે. બાકી બધે જ મટીરીયલ લગભગ અેક જ પ્રકારનું વપરાતું હાેય છે.

પતંગની કમાન કલકત્તાથી આવે છે
પતંગના ઢઢ્ઢા એટલે કે કમાન કલકત્તાથી આવે છે, તેનો પહેલા 360 રૂપિયા ભાવ હતો અત્યારે 450થી 500 છે. આ ઉપરાંત પતંગો માટેના કાગળ દિલ્હી, કલકત્તા જેવા રાજ્યોમાંથી આવે છે. આ કાગળ નડિયાદના વેપારીઓ ખરીદે છે. ત્યારબાદ કારખાનાના માલિકો આ વેપારીઓ પાસેથી ખરીદી કરે છે.

Most Popular

To Top