Business

મ્હારી છોરિયાં છોરો સે કમ હૈ કે.!

હેપ્પી ડોટર્સ ડે… ‘દિકરી’ના નામે દર વર્ષે 26 સપ્ટેમ્બર ‘ડોટર્સ-ડે’ તરીકે ઉજવાય છે. દીકરી એટલે શું ? દીકરી તો એક શમણું છે. દિલમાં જન્મેલુ, આંખમાં આંજેલુ અને ઉર્જામાં ઉછરેલું એક સપનું છે. દીકરી એટલે કયારેય કયારેય ‘ડીલીટ’ ન થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી. આજના સમયે માતા-પિતા દિકરીનું મહત્ત્વ સમજતા થયા છે અને દિકરીના જન્મને પણ પ્રાધાન્ય આપતા થયા છે. હવે એ સમય નથી રહ્યો કે દીકરો જ ઘરની જ્વાબદારી ઉઠાવે અને દીકરી ઉમરલાયક થાય એટલે પરણીને સાસરે જ જાય. આજે દીકરીઓ પણ આગળ આવી પોતાના માતા પિતા અને ઘરની જ્વાબદારી એક દીકરાની માફક પોતાના સિરે ઉઠાવી રહી છે. ત્યારે અમે મળ્યા કેટલાક પેરેન્ટ્સને… કે જેમની દીકરી પર તેમને ગર્વ હોય અને એમની દીકરી જ એમની જ્વાબદારી અને ઘરની જવાબદારી ઉઠાવતી હોય..

અમે ઘરમાં ત્રણ લેડિઝ જ છીએ એમાથી કમાવવાવાળી મારી દીકરી એક જ : લતા જોશી

60 વર્ષીય લતા જોશી હાઉસ વાઈફ છે. લતા જોશી જણાવે છે કે, ‘’ મારી દીકરી ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા હસબન્ડ ગુજરી ગયાં. છોકરાઓ નાના હતા આથી હું રસોઈ કરવા જતી અને થોડો ઘરખર્ચ અને ભણાવવાનો ખર્ચ કાઢતી. પણ મારી દીકરી પાયલ જ્યારથી સમજતી થઈ ત્યારથી તેણે ટ્યુશન લેવાનું શરૂ કર્યું અને કોલેજમાં આવ્યા બાદ ટ્યુશન કરાવતી અને કમાતી થઈ એટલે મને જ્વાબદારીમાંથી મુકત કરી. હવે હું રસોઈ બનાવવા નથી જતી. મારા ઘરની તમામ જ્વાબદારી મારી દીકરી પાયલ જ લે છે. અમે ઘરમાં ત્રણ લેડિઝ જ રહીએ છીએ. હું મારી મમ્મી અને મારી દીકરી. કોઈ જેન્ટ્સ કમાવવાવાળું નથી. છ્તાય આજે એ એકલા હાથે ખૂબ સરસ રીતે ઘર હેન્ડલ કરે છે. મને ખૂબ જ ગર્વ મહેસુસ થાય છે કે મારો દીકરો બોમ્બે રહે છે. પણ મારી દીકરી જ મારો દીકરો બની આજે મારી સાથે છે. એ જોબ માંથી સમય કાઢી ફ્રિલાન્સ ડાન્સરનું પણ કરે છે. કોઈકવાર એમ વિચાર આવે કે એના લગ્ન બાદ અમારું કોણ? તો એ તરત જ કહે છે. મમ્મી તું ટેન્શન ના લે. હું એ જ છોકરા સાથે મેરેજ કરીશ જે લગ્ન બાદ પણ મારી મમ્મી અને નાનીની જ્વાબદારી લેવા માટે તૈયાર હોય.’’

મારી દીકરીએ જ મારો દીકરો બનીને હોમ લોનના હપ્તા ભરવાની જ્વાબદારી પણ ઉઠાવી: નરેશભાઇ જોશી

45 વર્ષીય નરેશભાઇ જોશી જણાવે છે કે, ‘’હું હજીરામાં શિપની કંપનીમાં જોબ કરતો હતો. ત્યારે તો હું સારી રીતે ઘર હેન્ડલ કરી લેતો, બાળકોની દરેક જીદ, જરૂરિયાત સારી રીતે પૂરી કરી શકતો પણ બન્યું એમ કે અચાનક કંપની ખોટમાં ચાલવા લાગી, સમયસર મારો પગાર અને બેનિફિટ પણ મળતા બંધ થઇ ગયાં, આથી ઘરખર્ચ કાઢવો ઘણો મુશ્કેલ બની ગયો. અને 2012માં અચાનક મારી કંપની બંધ થઈ ગઈ. એવે વખતે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું, મારો દીકરો નાનો છે અને દિકરી મોટી. મોટી દીકરીએ એવે વખતે મારો દીકરો બનીને જોબ કરવાનું શરૂ કર્યું અને ઘરની જ્વાબદારી પોતાના માથે લીધી. કેમ કે મારા ઘરની લોન પણ ચાલતી હતી, તેના હપ્તા, ઘરનો ખર્ચ, બીજી જરૂરિયાત આ બધુ એ કપરા સમયમાં એકલા હાથે હેન્ડલ થઈ શકે એમ ના હતું, એવા સમયે મારી દીકરી જ મારો દીકરો બનીને લોનના હપ્તા ભરવાની જ્વાબદારી પણ ઉઠાવી જેથી કરીને ઘર સીલ ના થઈ જાય. એવું નથી કે લગ્ન પહેલા જ એ ઘરની જ્વાબદારી ઉઠાવતી આજે લગ્ન બાદ પણ 2 3 દિવસે આટો મારવા આવે છે, ઘરમાં કોઈ તકલીફ કે જરૂરિયાત તો નથીને એની સંભાળ આજે પણ એ લે છે. મને ગર્વ છે મારી પલક પર.’’

મારાં માટે મારો દિકરો અને દિકરી એક સમાન છે : બીના રાણા

48 વર્ષીય બીના રાણા હાઉસ વાઈફ છે. બીના રાણા જણાવે છે કે, ‘’મારા હસબન્ડનું મૃત્યુ થયું ત્યારે મારો દીકરો 10માં ધોરણમાં અને દીકરી કોલેજના છેલ્લા વર્ષમાં હતી. દીકરો નાનો હતો અને ઘરમાં કમાવવાવાળું કોઈ જ ના હતું. તે સમયે ખૂબ જ ટેન્શન થતું મને કે હવે અમારું શું થશે? જ્વાબદારી એકલા હાથે કેવી રીતે ઉઠાવીશ. એ સમયે મારી દીકરી એજ મારો દીકરો બનીને ઘરની રિસ્પોન્સબ્લિટી એના માથે લીધે અને તેણે હિલ્સ નર્સરીમાં ટીચરની જોબ શરૂ કરી. જો કે ટીચરની પણ સેલેરી ઓછી પડતાં તેણે જોબ પરથી ઘરે આવ્યા બાદ પર્સનલ ટ્યુશન કરાવવાનું શરૂ કર્યું. દીકરો મારો ડાયમંડમાં પહેલા જોબ કરતો હતો. આથી બંને કમાતા તો ઘર ચલાવવું સરળ રહેતું હતું પણ કોરોનામાં એની નોકરી પણ જતી રહી આથી બધી જ જ્વાબદારી મારી દીકરી દિવ્યા જ લે છે. દિકરો પણ જોબનો પ્રયત્ન કરે છે જેથી એની બહેનને એ સપોર્ટ કરી શકે. બે જણ ક્માવવાવાળું હોય તો ફર્ક પડે. હું ખૂબ જ ગર્વથી કહી શકું કે દીકરો ના કરી શકે એ આજ્ની દીકરીઓ કરી રહી છે.મારાં માટે મારો દિકરો દિકરી એક સમાન છે. ’’

દિકરા-દિકરી વચ્ચેનો ભેદ હટયો

આજે સમય બદલાયો છે, હવે એ દિવસો ગયા જ્યારે દીકરીના જન્મ બાદ શોક મનાવતા હોય આજે એ દિવસો આવ્યા છે જ્યારે દીકરીના જન્મ વખતે પણ પેંડા જ વહેંચાય છે. દીકરા દીકરી વચ્ચે કોઈ ભેદ નથી રાખતા. અગાઉ કન્યા ભ્રુણહત્યા, જન્મ થતાં જ બાળકીને દૂધપીતી કરી દેવાની પ્રથા, બાળલગ્ન, દહેજ પ્રથા, સતીપ્રથા જેવા અનેકો કુરિવાજો હતા જેનો સેંકડો બાળકીઓ અને મહિલાઓ ભોગ બનતી હતી. પણ આજે તો માતાપિતા પોતાના દીકરા કે દીકરીમાં કોઈ ફર્ક નથી રાખતા.

Most Popular

To Top