Charchapatra

મેરે દેશકી ધરતી

અંગ્રેજોની ગુલામી અને શોષણખોરીના કાળમાં ભારત દેશ ગરીબાઇમાં ધકેલાઇ ગયો પણ આઝાદી પછી વિકાસશીલ બન્યો, સુવર્ણકાળની આશા બંધાઇ ‘જહાં ડાલ ડાલ પર સોની કી ચીડિયા કરતી હૈ બસેરા’ કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરા મોતી’ જેવા ફિલ્મી ગીતો દેશપ્રેમ સાથે ગૂંજી ઊઠયા. આમ પણ ભારત ભૂમિ ફળદ્રુપ તો છે જ અને દેશના વિવિધ વિસ્તારોમાં અન્ન અને ફળફળાદિ ઊગે છે. આજે વાત કરવાની છે, ભારતની ધરતીમાં ધરબાયેલાં ખનિજો સાથે સોના, પ્લેટીનમ, લોખંડ, તાંબા પ્રકારની સંપત્તિની કપાસનું રૂ તન ઢાંકે છે, માટીમાંથી વાસણ, મકાન માટેની ઇંટો, વિવિધ વનસ્પતિ, ઔષધોનું પ્રદાન, વૃક્ષો, લાકડાની ભેટ.

આ બધા ઉપહારનો ઉપકાર સ્વીકારવો રહ્યો. ડો. કામય જેવાએ ગોવાની ધરતીમાં સોનાની કાચી ધાતુ હોવાની ઘોષણા કરી હતી. રેતીમાંથી સોનું શી રીતે છૂટું પાડી શકાય એનું નિર્દેશન પણ તેમણે આપ્યું હતું. ગોવાના પિસ્સુરલેમ વિસ્તારની જમીનમાં લોખંડની સાથો સાથ સોનાની કાચી ધાતુ હોવાનું જણાયું હતું. આર.એસ. હઝારે નામના નિષ્ણાતે ઓગણીસ સો એંસીની સાલમાં મહારાષ્ટ્રના સિંધુ દુર્ગ જિલ્લાની ધરતીમાં કેટલીક મૂલ્યવાન ધાતુઓ હોવા પ્રત્યે ધ્યાન દોર્યું હતું. ત્યાંની રેડી વિસ્તારની જમીનના નમૂનાનો અભ્યાસ કર્યો હતો, આ વિસ્તારની જમીનમાંથી પૂરતા પ્રમાણમાં સોનું અને પ્લેટીનમનું ખનન કરી શકાય એમ છે, તેવો અભિપ્રાય આપ્યો હતો.

ભૂસ્તર શાસ્ત્રી ડો. એમ.કે. પ્રભુ અને ડો. કામતે આ દિશામાં સંશોધન કરી હઝારેના દાવાને સમર્થન આપ્યું હતું. ડો. આર. આર. પાટિલે રેડી અને કાળાને વિસ્તારની મુલાકાત લીધી અને જમીનના નમૂના એકત્રિત કર્યા, તેમાં રેડીની જમીનમાં પ્રતિ ટન સડસઠ ગ્રામ અને કાળાનેની જમીનમાં પ્રતિ ટન વીસ ગ્રામ સોનું તેમજ પ્લેટીનમ હોવાનું જણાયું હતું. ઊંડાણમાં જવાથી પ્રમાણમાં વધારો યે થઇ શકે. સિંધુ દુર્ગ અને ગોવાના ભૂસ્તરમાં રહેલા સામ્યને કારણે ગોવાની જમીનમાં પણ આ મૂલ્યવાન કાચી ધાતુઓ હોવાની સંભાવના છે. દુર્ભાગ્યે સરકારોએ આ સંશોધનો પર ખાસ ધ્યાન નહીં આપી ઉપેક્ષા દર્શાવી છે. ભ્રષ્ટાચાર અને કૌભાંડો તો અવરોધરૂપ છે જ, જેમાં વિવિધસ્તરના અનેક લોકો સંડોવાયેલા છે. માત્ર રાષ્ટ્રીય વારસાનો ગર્વ જ લઇ શકાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top