મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ (Governor) ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક ટ્વીટ દ્વારા કોશ્યારીએ કહ્યું છે કે પીએમ મોદીની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન તેમણે આ બાબત પીએમને પણ જણાવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ (Shivaji Maharaj) પરના નિવેદન પર રાજકીય વિવાદ બાદ કોશ્યારીના પદ છોડવાની અટકળો ચાલી રહી હતી. ટ્વીટ્ કરતા કોશ્યારીએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજ્યપાલ તરીકે વિતાવેલા ત્રણ વર્ષના કાર્યકાળને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.
મહારાષ્ટ્રના ગવર્નર કોશ્યારીએ ટ્વીટ કર્યું કે માનનીય વડાપ્રધાનની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન મેં મારી ઈચ્છા જણાવી છે. મેં પીએમ મોદીને કહ્યું છે કે હું તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગુ છું. હું મારું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય પ્રવૃત્તિઓમાં વિતાવવા માંગુ છું.
કોશ્યારીએ ટ્વીટ કરીને ગવર્નર પદ પરથી હટી જવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. કોશ્યારીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યના રાજ્ય સેવક અથવા રાજ્યપાલ તરીકે કામ કરવું મારા માટે ખૂબ જ સન્માન અને ગર્વની વાત છે. મહારાષ્ટ્ર એ સાધુઓ, સમાજસેવકો અને બહાદુર યોદ્ધાઓની ભૂમિ છે. ત્રણ વર્ષથી વધુ સમયથી મહારાષ્ટ્રના લોકો તરફથી મને જે પ્રેમ અને આદર મળ્યો છે તે હું ક્યારેય ભૂલી શકતો નથી.
કોશ્યારીના શિવાજી વિશેના નિવેદન પર વિવાદ
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યારે અમે મિડલ સ્કૂલ, હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે અમારા શિક્ષકો અમને પૂછતા હતા કે તમારો પ્રિય નેતા કોણ છે? જેને સુભાષચંદ્ર બોઝ ગમતા, જેને જવાહરલાલ નેહરુ ગમતા કે જેમને મહાત્મા ગાંધી ગમતા અમે તેમને અમારા હીરો કહેતા હતા. પરંતુ મને લાગે છે કે જો કોઈ તમને પૂછે કે તમારો આઇકોન કોણ છે, તમારો ફેવરિટ હીરો કોણ છે, તો તમારે બહાર જવાની જરૂર નથી. તમને તે અહીં મહારાષ્ટ્રમાં મળશે.
આ જ કાર્યક્રમમાં શિવાજીનો ઉલ્લેખ કરતાં ભગતસિંહ કોશ્યારીએ વધુમાં કહ્યું હતું કે શિવાજી જૂના યુગની વાત છે. હું નવા યુગની વાત કરું છું તે અહીં મળી જશે. ડૉ. ભીમરાવ આંબેડકરથી લઈને નીતિન ગડકરી સુધી તમને તમારા આઈકન્સ અહીં જોવા મળશે. કોશ્યારીના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. મહાવિકાસ અઘાડીએ કોશ્યારીના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ પણ કોશ્યરી પર પ્રહારો કર્યા હતા.