વલસાડ : વલસાડમાં (Valsad) સોમવારે આવેલા પૂરના (Flood) કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તાર સાથે છીપવાડ દાણાબજારમાં (Dana Bazar) પણ પાણી ભરાઇ ગયા હતા. આ બજારમાં પાણી ભરાવાના કારણે અંદાજીત રૂ. 1 કરોડના અનાજ અને કરિયાણાનું નુકશાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
- શહેરમાં પૂર આવતા 60 દુકાનોમાં પાણી ફરી વળતા 1 કરોડનું નુકશાન
- બીલીમોરામાં લોકોના ઘરોની ઘરવખરી બરબાદ થઈ ગઇ, કેબિનેટ મંત્રી ઘોલની મુલાકાતે
- દેવધા ગામમાં બીજા દિવસે પણ પાણી નહીં ઓસરતા ટ્રેક્ટરમાં ભોજન લઇ જવું પડ્યું
- અંબિકા નદી પાસે બંને તરફનો એપ્રોચ રોડ ડૂબી જતા ઘોલ ગામનો સંપર્ક તૂટી ગયો
- બીલીમોરાના ગ્રામ્ય વિસ્તારોમાં 1277 લોકોનું આજે પણ સ્થળાંતર કરાયું
વલસાડમાં ઔરંગા નદીનું પૂર છીપવાડ દાણાબજાર સુધી આવી ગયું હતુ. પૂરના પાણી અહીંની 60 અનાજ અને કરિયાણાની હોલસેલની દુકાનમાં ભરાઇ ગયા હતા. જેમાં લાખો રૂપિયાનો અનાજનો જથ્થો સડી ગયો હતો. જેનો સર્વે કરાવાશે. બાદમાં ખરો આંક બહાર આવી શકશે. વલસાડ તાલુકા હોલસેલ અનાજ વેપારી મંડળના પ્રમુખ સમીર મપારાએ જણાવ્યું કે, આ વર્ષે 60 થી વધુ દુકાનોમાં પાણી ભરાયા છે. જેના કારણે લાખો રૂપિયાના અનાજનો જથ્થો બગડી ગયો છે. અંદાજીત સમગ્ર બજારમાં રૂ. 1 કરોડની નુકશાનીનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
અનાજ બજારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય
છીપવાડના દાણાબજારમાં રેલનું પાણી ઓસર્યા બાદ અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય થઇ ગયું છે. અનેક દુકાનોમાં પણ કાદવ રહેતાં તેમના દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું છે. આ સાથે પાલિકાએ પણ સફાઇ કાર્ય હાથ ધરાવી દીધુ હતુ. એક દિવસમાં સફાઇ હાથ ધરાઇ એ પણ જરૂરી બન્યું છે. જો સફાઇ નહીં થાય તો અહીં રોગચાળાની પણ દહેશત પ્રવર્તી રહી છે.
બીલીમોરામાં અંબિકા નદીની સપાટી યથાવત્ રહેતા લોકોને હાલાકી
બીલીમોરા : બીલીમોરામાં મંગળવારે વીતેલા 24 કલાકમાં વધુ સવા બે ઇંચ પાણી પડી ગયું હતું. અંબિકા નદી ભાયજનક ચિન્હથી હજુ ઉપર વહેતા નીચાણવાળા વિસ્તારોમાં હજુ પાણી ઓસર્યા નથી. સતત પડી રહેલા વરસાદે લોકોને બેઘર કરી મૂક્યા છે. ચારે દિશામાં પાણી સિવાય કશું જોવા મળતુ નથી. વરસાદ વિરામ લેવાનું નામ નથી દેતો, તો કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. આ કારણે લોકોનું જીવન તહસ નહસ થઈ ગયું છે. તેમાં પણ નદી કાંઠે વસતા ગામોની હાલત દયનીય બની ગઈ છે.
લોકોના ઘરોમાં પાણી ફરી વળતા અનાજ ઘરવખરી બરબાદ થઈ ગયું છે. અંબિકા નદી કિનારે આવેલા દેવધા ગામમાં બીજા દિવસે પણ પાણી નહીં ઓસરતા લોકો માટે ટ્રેક્ટરમાં ભોજન લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીલીમોરા સ્મશાનભૂમિમાં પણ પાણી યથાવત છે. તો વાડીયા શિપયર્ડ, તલોધ રેલવે ગરનાળામાં પણ પાણી હજુ ઓસર્યા નથી. બીલીમોરાથી અમલસાડ જતા અંબિકા નદીની પાસે રૂ.4.37 કરોડના ખર્ચે બનેલા સબમર્સીબલ પંપનો બંને તરફનો એપ્રોચ રોડ પાણીમાં ડૂબી જતા બીલીમોરાનો ઘોલ ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં 1277 લોકોનું આજે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અતિવૃષ્ટિને કારણે ગણદેવી તાલુકાને છેલ્લા 3 દિવસમાં રૂ 22 કરોડનું નુકસાન પહોચ્યું હતું.