વડોદરા : રાજ્યભરમાં એલઆરડીની લેખિત પરીક્ષા યોજાઈ હતી. ત્યારે વડોદરા શહેરના 104 કેન્દ્ર પર લોક રક્ષક દળની પરીક્ષા યોજાઇ હતી. વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે તમામ કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ સીસીટીવીથી સજ્જ વર્ગ ખંડોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. વડોદરા શહેરના 104 કેન્દ્રના 1151 બ્લોકમાં 34524 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. શહેરના સલાટવાડા રોડ સ્થિત શારદા મંદિર સ્કૂલ ખાતે એલ.આર.ડી.ની પરીક્ષા આપવા માટે પરિક્ષાર્થીઓ પહોંચ્યા હતા જ્યાં બાયોમેટ્રિક પધ્ધતિ મુજબ પરિક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો .
શાળામાં સીસીટીવી તથા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરિક્ષાર્થીઓ પેન ઓળખ ઓત્ર સિવાય કોઈજ વસ્તુ પરીક્ષા ખંડમાં સાથે લઇ જવાની પરવાનગી આપી ન હતી. જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પરીક્ષા સમિતિના પ્રમુખ અભય સોની ભરૂચ જિલ્લાના એસપી લીના પાટીલ અને જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાની અધ્યક્ષતામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર હથિયારધારી પોલીસના બંદોબસ્ત સાથે પરીક્ષાના પેપરો મોકલાયા હતા. તમામ પરીક્ષા કેન્દ્રો પર પી.આઇ. અને પી.એસ.આઇ. સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રો પર પ્રવેશતા પરીક્ષાર્થીઓની બાયોમેટ્રીક પધ્ધતિથી હાજરી પુરવામાં આવી હતી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. વર્ગ ખંડોમાં પરીક્ષા આપવા માટેનું જરૂરી સાહીત્ય સિવાય કોઈજ વસ્તુ લઇ જવા દેવામાં આવી ન હતી.