સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં 20થી વધુ વૃક્ષોને આડેધડ જડમૂળથી કાપી નાંખવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. આ મામલે પૂર્વ કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી છે.
- વરાછામાં ગેરકાયદેસર 20 થી વધુ વૃક્ષો કાપવા બદલ પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાની મ્યુનિ.કમિશ્નરને ફરિયાદ
- જવાબદાર અધિકરીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે : વિજય પાનશેરિયા
- વિજય પાનશેરિયાએ 20 થી વધુ વૃક્ષો કાપવા બાબતના પુરાવા કમિશ્નરને મોકલ્યા
વરાછા હેલ્થ સેન્ટર અને કિરણ ડાયમંડની સામે આવેલ ડિવાઇડર પર 20 થી વધુ વૃક્ષો જડમૂળથી કાપી નાંખવામાં આવ્યા છે જે સંદર્ભે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ મનપા કમિશ્નર શાલિની અગ્રવાલને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, આ રીતે બેદરકારીપૂર્વક વૃક્ષો કાપવાને કારણે આપણા પર્યાવરણને ખૂબ જ નુકશાન પહોંચાડી રહ્યાં છીએ. જેને લીધે દિવસેને દિવસે પર્યાવરણ સંબંધીત નવી નવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત લોકો લાકડાની બનાવટો સહેલાઈથી ઉપલબ્ધ રાખવાની ખૂબ આદત બની ગઈ છે, પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખ્યા વિના વૃક્ષો કાપવા અને પર્યાવરણ સંબંધીત નિયમોની અવગણના કરવી તે ખૂબ જ સામાન્ય બની ગયું છે, જેથી વૃક્ષો કાપવા એ સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ સુરત શહેરના લોકો વૃક્ષોની કદર કરે છે અને તેમના ફાયદાઓથી સારી રીતે વાકેફ છે, તેથી જ વૃક્ષોને આટલી નિર્દયતાથી કપાતા જોઈને ખૂબજ દુઃખ થાય છે.
વિજય પાનશેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતને ગંભરતાપૂર્વક લઈ જે તે જવાબદાર અઘિકારીઓ /કર્મચારીઓ દ્વારા પોતાની ફરજ માં ગંભીર બેદરકારી દર્શાવી છે તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.
વધુમાં, વિજય પાનશેરિયાએ 20થી વધુ વૃક્ષો કાપવા બાબતના પુરાવા તરીકેના વિડીયો અને ફોટો મનપા કમિશ્નરને તેમના ઓફિશિયલ mail id પર મોકલી આપ્યા હતાં.
