Columns

મોદીની સુનાક પાસેથી અપેક્ષાઓ

બ્રિટનના ભારતીય વંશના પ્રથમ વડા પ્રધાન રિશી સુનાક અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકબીજા સાથે સૌ પ્રથમ વાર તા. 27મી ઓકટોબરે સાંજે વાતચીત કરી. બંને ભારત અને બ્રિટન વચ્ચે સમતોલ, વેપાર કરાર જલ્દી કરવા સંમત થયા અને બંને દેશોના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા પણ સંમત થયા. સુનાકે ‘હું મારી નવી ભૂમિકા શરૂ કરું છું ત્યારે’ મોદીએ કહેલા સારા શબ્દો બદલ આભાર માન્યો હતો. હકીકતમાં બાલીમાં જી-20 શિખર પરિષદ મળી રહી છે ત્યારે તા. 15 અને તા. 16મી નવેમ્બરે તેઓ પોતાની પહેલી વધારાની બેઠક યોજે તેવી સંભાવના છે.

આ બંને વચ્ચેની આ બેઠક બંને દેશો વચ્ચે મુકત વેપાર કરારની દિશામાં પ્રગતિ ઝડપી બનાવશે? પહેલી મંત્રણામાં બધું અનુકૂળ થાય તો કદાચ આ લક્ષ્ય પાર પડે પણ ખરું! મુકત વેપાર કરાર ભારત-બ્રિટન વચ્ચેના સંબંધોમાં ખૂબ અપેક્ષિત મનાય છે. કારણ કે તેનાથી બ્રિટનની ભારતમાં નિકાસ વધશે અને ભારતીય સેવાઓ અને ઉત્પાદનો માટે બ્રિટનનાં દ્વાર પણ મોકળાં થશે. મોદી જાણે છે કે સુનાકે બ્રિટનના અર્થતંત્રને વ્યવસ્થિત કરવા બીજી ઘણી અગ્રતાઓ છે અને મુકત  વેપાર કરાર એટલી અગ્રતા નહીં પણ ધરાવે. બ્રિટન યુરોપીય સંઘમાંથી નીકળવાની ઘટના બ્રેકિઝટને કારણે પોતાના દેશનું અર્થતંત્ર જે હદે હચમચી ગયું છે તેને વ્યવસ્થિત કરવામાં સુનાકને હજી થોડા મહિનાઓ, નહીં તો, દિવસો તો લાગશે જ. યુક્રેનનું યુધ્ધ પણ સુનાક માટે માથાનો દુખાવો છે. બ્રિટન મોટા ફુગાવો અને રહેવાસીઓ માટે ઊર્જાના વધતા જતા ભાવવધારાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

સુનાકે આ પહેલાં મુકત વેપાર કરવાની ભારત-બ્રિટનને ભલામણ કરી હતી પણ ભૂતપૂર્વ બ્રિટીશ વડા પ્રધાન ઓરિસ જોહ્‌નસન ગયા એપ્રિલમાં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે બંને દેશો વચ્ચે દિવાળી સુધીમાં આ કરાર કરવાની મુદ્દત નાખી હતી. ગયા મહિનામાં તે સરકારના ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી તરીકે લિઝ ટ્રસે ભારત-બ્રિટન વચ્ચે વ્યાપાર વધારાની ભાગીદારીના કરાર પણ કર્યા હતા. હકીકતમાં બંને દેશો મુકત વેપાર કરારની મંત્રણાનો પાંચમો દૌર પૂરો કરી ચૂકયા હોવાની ધારણા હતી. આમ છતાં કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર સમાન ભૂમિકા સ્થપાતી ન હતી. હકીકતમાં આ કરાર બંને વચ્ચેના વેપારના અવરોધો દૂર કરવા માટે છે. આ કરાર અન્વયે બંને દેશો પરસ્પર તદ્દન ઓછી જકાતે કે જકાત વગર પોતાનો માલ અને સેવાઓ વેચી શકે છે અને ખરીદી શકે છે.

લિઝ ટ્રસે વડા પ્રધાનપદ છોડયું તેના થોડા જ સમય ગૃહમંત્રી સ્પેલા બ્રેવરમેને ભારતીય વસાહતીઓ વિશે અણછાજતી ટીકા કરી કહ્યું કે બ્રિટનમાં વિઝાની મુદત પૂરી થઇ ગયા પછી પણ લાંબુ રોકાતા મોટા ભાગના વસાહતીઓ ભારતમાંથી આવે છે. હકીકતમાં મુકત વેપાર કરાર અન્વયે ભારત તેના વિદ્યાર્થીઓ માટે ફીમાં ઘટાડો કરવાની અને ત્યાં રહીને કામ કરવાની છૂટ આપવાની ભલામણ માટે જોરદાર મથામણ કરી રહ્યું હતું. ત્યાં લીઝને ખુશ કરવા સ્વેલાએ લીંબુ નીચોવી દીધું. તેઓ રૂઢીચુસ્ત પક્ષના કટ્ટરપંથી છે અને કરાર જોખમમાં પડી ગયા અને પછી તો સ્વેલાએ ખુદ લીઝ ટ્રસ ઘરે બેઠા અને સુનાક વડા પ્રધાન તરીકે બિરાજયા છે.

ભારત ગેલમાં આવી ગયું. પણ સુનાકે સ્વેલાને પોતાની સરકારમાં ગૃહમંત્રી તરીકે મૂકયા. જો કે લીઝ સાથે મતભેદ પડવાથી અને સુરક્ષા કાયદાના ભંગના આક્ષેપ થવાથી તેમણે આ પહેલાં રાજીનામું આપ્યું હતું પણ સુનાકે તેમને મનાવી લીધા લાગે છે. જો કે મોદી માટે માત્ર મુકત વેપાર કરાર જ લક્ષ્ય નથી. આજે બ્રિટનમાં તૈયાર કપડાં, કાપડ, રત્નો અને ઝવેરાત ઇજનેરી સામાન, પેટ્રોલિયમ અને પેટ્રો પરિવહન સાધનો અને સરંજામ, મસાલા, ધાતુનાં ઉત્પાદનો, યંત્રો અને સાધનો, દવાઓ, દરિયાઇ જણસો વગેરે જેવી ઉત્પાદન જણસો બ્રિટનમાં થતી નિકાસનો 90 ટકા હિસ્સો ધરાવે છે.

મુકત વેપાર કરાર થતાં ભારત તમાકુ, દવાઓ, ખાદ્ય પદાર્થો અને પીણાંઓ, ચામડું, કાપડ અને ઝવેરાતની બ્રિટનમાં થતી નિકાસમાં વધારો કરશે તો બ્રિટન ભારતમાં દારૂની નિકાસ કરવાનો ઇરાદો ધરાવે છે અને 150 ટકાની આયાત જકાતમાં ઘટાડો કરાવવા માંગે છે. આયાતી મોટર વાહનો, સફરજન, ઘેટાનું માંસ વગેરે જણસને તે જકાતમાં રાહત માંગે છે અને ડિજિટલ અને ડેટા, કરન્સી સેવાઓ, તબીબી સાધનો, પરિવહન સાધનો, ફળ, શાકભાજી વગેરેનું બજાર માંગે છે. ભારતે પણ દવા ઉદ્યોગનાં નિયંત્રણો હળવાં કરાવવા અને કાપડ, પગરખાં, ચામડાંના ઉત્પાદન અને બાસમતી ચોખા પર જકાત રાહત ઇચ્છે છે. 2021માં ભારત બ્રિટનનું પંદરમું સૌથી મોટું વેપાર ભાગીદાર હતું. બ્રિટન ભારતનું 18મા ક્રમનું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. બ્રિટનમાંથી એપ્રિલ 2000થી માંડીને જૂન 2022 સુધીમાં 32 અબજ ડોલરનું  સીધું વિદેશી રોકાણ આવતાં તે ભારત માટે સૌથી મોટું ભાગીદાર બન્યું છે.

મોદીની ખ્વાહેશ એવી પણ રહેશે કે સુનાક કટ્ટરપંથી ખાલીસ્તાનીઓ સામે પગલાં ભરે. આ કટ્ટરપંથીઓ બ્રિટનમાંથી ખુલ્લેઆમ પૈસા ઉઘરાવી શીખ યુવકોને ભારત વિરુધ્ધ ભડકાવે છે. ભારતે અત્યાર સુધી કરેલા રાજદ્વારી પ્રયાસોને નિષ્ફળતા મળી છે અને ભારતીય હાઇકમિશનરની કચેરી સમક્ષ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના પગલાને રદ કરવા માંગ થાય છે તેમજ દેખાવો થાય છે. લેસેસ્ટરમાં તાજેતરમાં ફાટી નીકળેલ હિંદુ-મુસ્લિમ હુલ્લડોની પણ બ્રિટન સમક્ષ ભારતે રાજદ્વારી ધોરણે રજૂઆત કરી છે.

વિજય માલ્યા, નિરવ મોદી અને અન્ય આર્થિક ગુનેગારોને સ્વદેશ પાછા લાવવાના પ્રયાસોનો પણ બ્રિટીશ તંત્રે વિરોધ કર્યો તેનો ભારતને રંજ છે. મોદી ઇચ્છે છે કે બ્રિટન ભારતના સફેદ પોશ ગુનેગારોને સોંપી દે. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં સુનાકને કહ્યું છે કે બ્રિટન તેની ભૂમિ પર ઉપખંડમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ વસતો હોવાથી સ્થાનિક રાજકારણ પર અસર પડવાની બીકે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ સામે કૂણું વલણ રાખે છે. તાલીબાનોએ કબ્જો જમાવ્યો તે પહેલાંના અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હિતોને ટેકો આપવામાં બ્રિટનની ભૂમિકાની સુનાક સમીક્ષા કરે એવું પણ મોદી ઇચ્છે છે. સુનાક પરિસ્થિતિમાં ફેરફાર લાવી શકશે અને મોદી સુખદ વળતો ટેકો આપવામાં અત્યંત આતુર રહેશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top