Dakshin Gujarat Main

પલસાણામાં મોબાઈલ સ્નેચર ગેંગના 3 પકડાતા તેમની પાસેથી 53 મોબાઈલ મળી આવ્યા

પલસાણા: પલસાણા (Palsana) તાલુકામાં રસ્તા પર વાત કરતા જતા રાહદારીઓના હાથમાંથી કીમતી મોબાઈલ (Mobile) આંચકીને નાસી છૂટતી ગેંગ (mobile snatcher gang)ના ત્રણ આરોપીને પલસાણા પોલીસે એના ગામની સીમમાંથી ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ચોરીના મોબાઈલ ખરીદનાર (Buyer)ને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે ચોરીના 53 મોબાઈલ, બે બાઇક તથા રોકડ રકમ મળી કુલ 3.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પલસાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સરવૈયાએ ટીમ બનાવી પલસાણા વિસ્તારમાં મિલકતસંબંધી ગુના શોધી કાઢવા તપાસ શરૂ કરી અને ચોરી થયેલી ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ (CCTV footage) મેળવી ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવી તપાસ શરૂ કરતાં તેમને બાતમી મળી હતી કે, પલસાણા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બાઇક ઉપર આવેલ ત્રણ અજાણ્યા શખ્સો એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી ગયા હતા. જે શખ્સો એક પલ્સર બાઇક નં.(જીજે-05-કેએચ-9515) લઈ એના ગામની સીમમાં ને.હા. 53 ઉપર એના ગામના પાટિયા નજીક ઊભા છે.

જે હકીકતના આધારે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ ત્રણેય વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. તેમણે ગુનાની કબૂલાત કરી હતી. અને તેમની પૂછતાછ કરતાં આ ચોરીના મોબાઈલ તેઓ રામલટોન બંસરાજ બર્મા (રહે., પઠાણ પાર્ક, પલસાણા, મૂળ રહે., દાદુપુર, જિ.સુલતાનપુર, યુ.પી.)ને વેચતા હતા. પોલીસે પકડાયેલા આ ત્રણેય પાસેથી અલગ અલગ કંપનીના 53 મોબાઇલ કિંમત રૂ.2.82 લાખ, એક પલ્સર બાઇક તેમજ એક મોપેડ નં.(જીજે-19-એએસ-9844) તથા રોકડા રૂપિયા મળી કુલ 3.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ રહેણાક વિસ્તારમાં ઘરફોડ ચોરી પણ કરી હતી. પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઇલની ચીલઝડપ કરતી ગેંગના પકડાયેલા ત્રણ આરોપી

  1. મંગલસિંગ ભીમસિંગ પ્રધાન (રહે., ભાટી કોમ્પ્લેક્સ, મેઘાપ્લાઝા, પલસાણા, મૂળ રહે., મટાવલ, જિ.તાપી)
  2. સૌરભસિંગ શ્રીરામ બહાદુર રાજપૂત (રહે., ગાયત્રીનગર, પઠાણપાર્ક, પલસાણા, મૂળ રહે., મરકાસાણા, જિ-બાંદા)
  3. અબ્દુલા આશીફ છોટેભાઈ અન્સારી (રહે.,ઊર્મિલાનગર, પલસાણા, મૂળ રહે., મીરપુર છૌની, જિ-કાનપુર, યુપી)

આરોપીનો ઇતિહાસ ગુનાહિત

પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી અબ્દુલા અન્સારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેના વિરુદ્ધ સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટનામાં ગુનો નોંધાય ચૂક્યો છે. પકડાયેલા આરોપીઓ સવારમાં વોકિંગ કરવા નીકળેલા અથવા તો સાંજના સમયે એકલા પગપાળા જઈ રહેલા અથવા તો મોબાઈલ ઉપર વાત કરતાં ઇસમો પાસે નજીકમાં પહોંચી બાઇક પર પાછળથી આવી ધૂમ સ્ટાઈલે મોબાઈલ છીનવી લઈ જઈ તથા રાત્રિના સમયે પરપ્રાંતીય વ્યક્તિઓના રહેણાક વિસ્તારમાં ચાલીઓમાં જઈ રૂમના દરવાજા તોડી તથા રૂમની બારી પાસે ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલ ફોનો તથા રોકડ રકમની ચોરી કરતા હતા.

Most Popular

To Top