Charchapatra

મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાન

તહેવારોની મોસમ પૂર બહારમાં ખીલે તેની સાથે જ  મીઠાઈ , ફરસાણ બનાવી વેચનારાઓ જથ્થાબંધ ખાદ્ય પદાર્થો અગાઉથી બનાવી સ્ટોક કરી લેતાં હોય છે. ગ્રાહકો પણ જલેબી, ઘારી, મીઠાઈઓ, ફરસાણ ખરીદવા રઘવાયા બને છે. એમને મન ઝાપટવું  એજ ઉજવણી ! ખરીદેલ ખાદ્ય પદાર્થની ગુણવત્તા મહત્વની હોતી નથી. દુકાનદારો પણ હલકી ગુણવત્તાના ખાદ્ય પદાર્થ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અચકાતા નથી. પણ હવે રાજય સરકારે મનપાના આરોગ્ય વિભાગને મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ વાન આપી છે.

જે આશીર્વાદ રૂપ છે. જેથી સુરત મનપાનો આરોગ્ય વિભાગ ઈચ્છે તો લોકોને બગડેલો ખાદ્ય પદાર્થ ખાતા કે ખરીદતા બચાવી શકશે. કારણ આ ટેસ્ટિંગ વાન દ્વારા અધિકારીઓ ઈચ્છશે તો તહેવારો પહેલા સ્થળ પર પહોંચી, મીઠાઈ, ફરસાણના ટેસ્ટિંગ કરી રિપોર્ટ મેળવીને હલકી ગુણવત્તા જણાય તો, દુકાનદારોને વેચાણ કરતા અટકાવી શકશે. દંડ, સીલ કરવાની તેમજ આરોગ્યપ્રદ ન હોય તેવા ખાદ્ય પદાર્થનો નાશ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડા અટકાવી શકશે.  મનપાનો આરોગ્ય વિભાગ સક્રિયતા કેળવે તો રાજય સરકારશ્રીનો હેતુ સાર્થક થાય. “ મન હોય તો માળવે જવાય “ નહિતર “ ગુજરાતી આરંભે શૂરા “જેવો ખેલ થાય!
સુરત     – અરૂણ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top