Madhya Gujarat

મહુધાના અલીણામાં પ્રેમલગ્ન કરનાર ભાઇ ભાભીની નિર્મમ હત્યા કરનારને ફાંસીની સજા

નડિયાદ: મહુધા તાલુકાના અલીણા ગામે વર્ષ ૨૦૧૭ માં પ્રેમ લગ્ન કરનાર દંપતિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ મામલામાં પોલીસે જીણવટભરી તપાસ કરતાં મૃતક યુવકના નાના ભાઇએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. મોટા ભાઇએ પ્રેમ લગ્ન કરતાં પરિવારજનોને સમાજમાં બદનામી સહન કરવી પડી હતી, જેની રીસ રાખીને કાવતરૂ ઘડી અને ખૂબજ સીફતપૂર્વક નાના ભાઇએ મોટા ભાઇ-ભાભીનું કાસળ કાઢ્યું હતું. આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર હોવાનું ધ્યાનમાં લઇને નડિયાદ કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.

અમદાવાદના બાપુનગરમાં રહેતા વિક્કીભાઇ ભરતભાઇ પટણીને નજીકમાં જ રહેતાં ટ્વીન્કલબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, ટ્વીન્કલ વિક્કીની કૌટુંબિક ફોઇ થતી હોવાથી સમાજમાં બંનેના લગ્નને લઇને મોટો વિવાદ ઉભો થયો હતો. જે તે સમયે સમાજના કેટલાક આગેવાનોને સાથે રાખીને બંનેના લગ્ન ફોક કરવામાં આવ્યા હતા. પરંતુ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ વિક્કી અને ટ્વીન્કલ ઘરેથી ભાગી ગયા હતા.જેને લઇને વિક્કીના પરિવારની સમાજમાં ખૂબજ બદનામી થઇ હતી અને તેઓને પોતાનું ઘર ખાલી કરીને અન્યત્ર ભાડાના મકાનમાં રહેવા જવાનો વારો આવ્યો હતો. મોટાભાઇએ પ્રેમ લગ્ન કરતાં પરિવારજનોને ભોગવવાનું આવ્યું હોવાની રીસ રાખીને વિક્કીના નાના ભાઇ વિપુલે પ્રેમ લગ્ન કરનાર ભાઇ-ભાભીનું કાસળ કાઢી નાખવાનો નિર્ણય કર્યો હતો.

જે માટે તેણે કાવતરૂ રચીને ઘેનની ગોળીઓ નાખીને બનાવડાવેલા ભજીયા ખવડાવી, ભાઇ ભાભી ઉંઘી જતાં તેમને છરાના ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી. બાદમાં વિપુલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પાંચ અજાણ્યા શખ્સો તલવાર લઇને આવીને હત્યા કરી ગયા હોવાનું અને વિપુલને પણ મારમારી બાથરૂમમાં પૂરી ગયા હોવાની કેફીયત રજૂ કરી, ટ્વીન્કલના પરિવારજનો પર શંકા વ્યક્ત કરી હતી. જોકે, પોલીસ તપાસમાં વિપુલે જ હત્યા કરી હોવાનું પુરવાર થયું હતું. આ મામલે મહુધા પોલીસે હત્યાના ગુનામાં વિપુલ પટણીની અટક કરી હતી. આ મામલો શુક્રવારે નડિયાદના એડી. સેસન્સ જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલવા પર આવેતાં સરકારી વકીલ ધવલ આર. બારોટ દ્વારા ૭૪ દસ્તાવેજી પુરાવા, ૨૯ સાહેદોની જુબાની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલ ધવલ આર.બારોટે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપીએ પોતે ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર છરો અને છરી જે જગ્યાએ નાખી દીધા હતા તે જગ્યા શોધી બતાવી હતી.

સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીએ કઇ રીતે ગુનો કર્યો તે બતાવ્યું હતું. આ કેસમાં આરોપી વિપુલે હત્યા કરવા માટે જે છરો ખરીદ્યો હતો અને વારંવાર તેની ધાર કઢાવી હતી તે દુકાનદાર, ભાઇ – ભાભીના નામે સિવિલ હોસ્પિટલમાં કઢાવેલા કેસનો પુરાવો અને ઘેનની ગોળીઓવાળા ભજીયા બનાવી આપનાર લારીવાળાને સ્ટાર વિટ્નેસ તરીકે રજૂ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પોલીસને ગેરમાર્ગે દોરી અને પોતાના જ સગા ભાઇ-ભાભીની કાવતરૂ રચીને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા કરીને સમાજમાં દાખલો બેસાડવો જોઇએ તેવી દલીલ કરી હતી. જે ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી વિપુલ ભરતભાઇ પટ્ણીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.

ચણાનો લોટ અને ઉંઘની ગોળીઓ ઓગાળી હતી તે પાણી આપી લારીવાળા પાસે ભજીયા બનાવડાવ્યા
ભાઇ-ભાભીની હત્યા કરવા અમદાવાદથી છરો ખરીદ્યા બાદ વિપુલ ખાત્રજ ચોકડી આવ્યો હતો. જ્યાં તેણે ભજીયાની લારીવાળા પાસે જઇને પોતે લાવેલ બેસન અને ઉંઘની ગોળીઓ ઓગાળેલ પાણી આપીને તેમાંથી જ ભજીયા તૈયાર કરી આપવા જણાવ્યું હતું. ગ્રાહકના ખતરનાક ઇરાદાથી અજાણ ભજીયાવાળાએ ગરમાગરમ ભજીયા ઉતારી આપ્યા હતા. જે વિપુલે હત્યા કરતાં પહેલાં ભાઇ અને ભાભીને ખવડાવ્યા હતા.
વિપુલ પોલીસ સબ ઇન્સપેક્ટરની પરીક્ષાની તૈયારી કરતો હતો
ભાઇ-ભાભીની નિર્દયતાથી હત્યા કરનાર વિપુલે બી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તે પોલીસ ખાતામાં જોડાવવા માંગતો હોવાથી પોલીસ સબ ઇન્સપેક્ટરની પરીક્ષાની તૈયારી કરતો હતો. જોકે, આ દરમિયાન વિક્કીના પ્રેમ લગ્નએ પરિવારને મુશ્કેલીમાં મૂકતાં, વિપુલે પોતાની કારકિર્દીને પડતી મૂકીને કાનુનો રક્ષક બનવાની જગ્યાએ હત્યારો બની ગયો હતો.

ભાઇને ફોન કર્યા બાદ પેટર્ન લોક ખબર ન હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું
વિપુલે ભાઇ અને ભાભીની હત્યા કર્યા બાદ ઘટનાની જાણ પોતાના બીજા ભાઇ કિશનને કરી હતી. જોકે, જ્યારે પોલીસે વિપુલને ફોનની પેટર્ન લોક ખોલવાનું કહ્યું ત્યારે પેટર્ન ખબર ન હોવાનું જુઠ્ઠાણું પણ વિપુલે ચલાવ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં કિશનને વિપુલે જ ફોન કરી ઘટનાની જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સજા સાંભળ્યા બાદ વિપુલના માતા કોર્ટ પરિસરમાં બેભાન થયા
મોટા પુત્ર અને પુત્રવધુની નિર્મમ હત્યા કરવાના ગુનામાં નડિયાદ કોર્ટ દ્વારા નાના પુત્રને દોષી માની અને ફાંસીની સજાનો હુકમ કરતાં જ આરોપી વિપુલના માતા ભાંગી પડ્યા હતા અને કોર્ટ પરિસરમાં જ બેભાન થઇ ગયા હતા. એક પુત્રને કુદરતે છિનવી લીધો અને તેની હત્યાના ગુનામાં બીજા પુત્રને પણ ફાંસીની સજા ફરમાવવામાં આવતાં માતા આઘાતમાં સરી પડ્યા હતા. કોર્ટમાં હાજર અન્ય સ્વજનો પણ ચુકાદો સાંભળ્યા બાદ રડી પડ્યા હતા.

Most Popular

To Top