National

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનને લઈ ફરી હિંસા ફાટી નિકળી, બસ સેવા, ઇન્ટરનેટ સેવા બંધ

જાલનાઃ (Jalna) મહારાષ્ટ્ર ફરી એકવાર મરાઠા આંદોલનની (Maratha movement) આગમાં સળગવા લાગ્યું છે. કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલના ઉપવાસ ચાલુ છે. આ દરમિયાન જાલનાના ઘણા વિસ્તારોમાં દેખાવો શરૂ થયા હતા. આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. બસને આગ ચાંપવામાં આવી હતી. આંદોલનને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંબડ તાલુકામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસને કર્ફ્યુને લઈને આદેશો જારી કર્યા છે. સ્થાનિક લોકો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

જાલના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કૃષ્ણ પંચાલે આદેશમાં જણાવ્યું હતું કે જરાંગે રવિવારે જાહેરાત કરી હતી કે તે મુંબઈ જશે અને મરાઠા સમુદાય માટે અનામતની માંગ સાથે આંદોલન કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડર છે કે લોકો તેમને રોકવા માટે જાલનાના અંતરવાલી સરતી ગામમાં આવી શકે છે જ્યાં કામદારો ભૂખ હડતાળ પર છે. ડીએમના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારે ભીડને કારણે ધુલે-મુંબઈ હાઈવે અને આસપાસના અન્ય વિસ્તારો પર ટ્રાફિક પ્રભાવિત થવાની સંભાવના છે. આથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સોમવારની મધરાતથી આગામી આદેશ સુધી આંબડ તાલુકામાં કરફ્યુ લાદવામાં આવ્યો છે.

જાલનામાં બસ સેવા બંધ
મરાઠા વિરોધીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને આગામી સૂચના સુધી જાલનામાં તેની બસોની અવરજવર બંધ કરી દીધી છે. અંબાડમાં કર્ફૂયુ લગાવી દેવાયો છે અને હિંસાને ફેલાતી રોકવા ત્રણ જિલ્લા અંબાડ, જાલના અને સંભાજીનગરમાં નેટ બંધ કરી દેવામાં આવ્યું છે. મરાઠા સમાજ છેલ્લા ઘણા સમયથી મરાઠા આરક્ષણ મુદ્દે રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે.

શું છે મનોજ જરાંગેની માંગ?
મહારાષ્ટ્ર વિધાનસભાએ ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલ મરાઠા આરક્ષણ બિલ સર્વસંમતિથી પસાર કર્યું હતું, જેનો હેતુ મરાઠાઓને 50 ટકાની મર્યાદાથી ઉપર 10 ટકા આરક્ષણ આપવાનો છે. 20 ફેબ્રુઆરીએ વિધાનસભામાં અનામત બિલ પસાર થયા પછી પણ તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર કરતા મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે માંગ કરી હતી કે એનડીએ સરકાર બે દિવસમાં ‘સીઝ સોઇરે’ વટહુકમ નોટિફિકેશન લાગુ કરે. જો તેમ નહીં થાય તો રાજ્યમાં બહુમતી સમુદાય 24 ફેબ્રુઆરીએ આંદોલનનો નવો રાઉન્ડ શરૂ કરશે.

Most Popular

To Top