National

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો, અશોક ચવ્હાણે પાર્ટી છોડી, ભાજપમાં જોડાવવાની અટકળો

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને (Congress) મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે રાજ્યમાં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાનું રાજીનામું સ્પીકરને મોકલી આપ્યું હતું. તેમણે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ છોડવાની પણ જાહેરાત કરી છે. એવી અટકળો છે કે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા છે. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે.

રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને લખેલા પત્રમાં ચવ્હાણ (65)એ કહ્યું કે તેઓ પાર્ટી છોડી રહ્યા છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ધારાસભ્ય પદેથી રાજીનામું પણ સુપરત કર્યું હતું. જણાવી દઈએ કે ફડણવીસે ચવ્હાણ બીજેપીમાં જોડાય તેવા સંકેત આપ્યા હતા. ચવ્હાણના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે ઈશારામા ચવ્હાણ ભાજપમાં જોડાય તેવા સંકેત આપ્યા હતો. ફડણવીસે કહ્યું હતું કે આગે આગે દેખો હોતા હૈ ક્યા.. ઉલ્લેખનીય છે કે ચવ્હાણે કોંગ્રેસ છોડ્યાના થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પણ પાર્ટી છોડી દીધી હતી.

ચવ્હાણ મહારાષ્ટ્રના સીએમ પણ રહી ચૂક્યા છે
અશોક ચવ્હાણ મરાઠવાડા પ્રદેશના નાંદેડ પ્રદેશના વતની છે. તેમના પિતા સ્વર્ગસ્થ શંકરરાવ ચવ્હાણ પણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. અશોક ચવ્હાણ વિલાસરાવ દેશમુખની સરકારમાં સાંસ્કૃતિક બાબતો, ઉદ્યોગ, ખાણ અને પ્રોટોકોલ મંત્રી હતા. તેઓ 2019માં નાંદેડ જિલ્લાની ભોકર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ 2008 થી 2009 અને ફરીથી 2009 થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ હતા. અશોક ચવ્હાણે 2010માં મુંબઈમાં આદર્શ હાઉસિંગ કૌભાંડમાં તેમની કથિત સંડોવણીને લઈને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ બે વખત સાંસદ અને ચાર વખતના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમણે 2015 થી 2019 સુધી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. 1987માં પહેલીવાર લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં તેઓ બીજી વખત સાંસદ બન્યા હતા. આ સિવાય તેઓ એક વખત વિધાન પરિષદના સભ્ય પણ હતા.

Most Popular

To Top